વોશિંગ્ટન, તા. ૨૧
અમેરિકામાં ભારતીય મૂળની ૨૯ વર્ષની એક ગુજરાતી મહિલાએ તેના પતિને જ સળગાવીને તેને બાથરૂમમાં પૂરી દીધો હતો. આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર આરોપો મુકવામાં આવ્યા છે, જોકે મહિલાએ કયાં કારણોસર આ પગલું ભર્યું છે તે જાણી શકાયું નથી.
આ અંગેની માહિતી આપતાં પોલીસે જણાવ્યું છે કે શ્રિયા બિમન પટેલ(૨૫)ની ફર્સ્ટ ડિગ્રીના ગુના બદલ ધરપકડ કરવામાં આવી છે, તેના પર ગંભીર રીતે હુમલો કરવા અને બાળી દેવાના આરોપો મૂકવામાં આવ્યા છે. ૭૦ ટકા દાઝી ગયેલા પીડિતનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેની હાલત અત્યંત ગંભીર છે, તેને હેલિકોપ્ટરથી સાનએન્ટોનિયોના બ્રૂક આર્મી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે.
નોર્થ ઓસ્ટિનના પારમેર લેન નજીક મેટ્રિક એવન્યૂ પર કામડેન એપાર્ટમેન્ટ્સમાં આ ઘટના બની હતી અને પછી પોલીસે તેમાં તપાસ હાથ ધરી છે.
બન્ને એક વર્ષથી પરિણીત છે પરંતુ શ્રિયા સાત દિવસ પહેલાં જ ભારતમાંથી અમેરિકા આવી હતી. આ ઘટના બની ત્યારે તે એપાર્ટમેન્ટની અંદર જ હતી, તેના પાડોશી રતન રાજેન્દ્રનું કહેવું હતું કે ઘટનાની પહેલાં તેમની વચ્ચે દલીલ થઇ હતી.
પત્નિએ મસાજ કરતાં પેટ્રોલ રેડી દીધું
પીડિતે પોલીસને જણાવ્યું હતું કે મારી પત્ની મસાજ કરી રહી હતી ત્યારે અચાનક તેણે પેટ્રોલ રેડીને તેેને સળગાવી દીધો હતો. તેના પતિએ જાતે જ આ કૃત્ય કર્યું હોવાનો શ્રિયાએ દાવો કર્યો હતો પરંતુ વોલ-માર્ટમાં શ્રિયાએ આ હુમલામાં વપરાયેલી સામગ્રીઓ ખરીદી હોવાનું સર્વેલંસ વીડિયોમાં સ્પષ્ટ દેખાયું છે.