મેનેજમેન્ટ - ડો. એ.સી. બ્રહ્મભટ્ટ
કોઈ પણ ઔદ્યોગિક સાહસ કે વ્યાપારી સંસ્થાની સફળતાનું મૂલ્યાંકન કરવા જુદા જુદા તજ્જ્ઞાએ અનેક પરિમાણો- ઉપકરણો સૂચવ્યાં છે, પરંતુ એક એવું મોડલ જે આજે ૩૨ વર્ષ પછી પણ નિત્યનવું અને સુસંગત રહ્યું હોય તો તે છે મેકેન્ઝીનું સેવન-S મોડલ. મેકેન્ઝી એન્ડ કંપનીના સંપૂર્ણ સાથ, સહકાર અને પ્રેરણાથી સ્ટેન્ફર્ડ યુનિર્વિસટીના ઓર્ગેનિઝેશને બિહેવિયરના વિષયમાં Ph.D. એવા ટોમ પીટર્સ અને એક અવ્વલ કક્ષાના બિઝનેસ કન્સલ્ટન્ટ બોબ વોટરમેન- એ બન્નેએ મેકેન્ઝીની અમેરિકાની અને અન્યત્ર આવેલી ઓફિસો અને તે સમયની સુપ્રસિદ્વ એવી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ્સનાં સંસ્થાકીય માળખાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી આ મોડલ ઈ.સ.૧૯૮૦માં સર્જ્યું હતું. તેને ‘Business Horigon’ સામયિકમાં સંશોધન-પત્ર રૂપે પ્રસિદ્વ કરાયું હતું.
સૌ પહેલાં તો તેમણે જે સાત પરિબળોનાં નામ સંશોધનને અંતે આપ્યાં તે કાંઈક આવાં હતાં- સ્ટ્રેટેજી (વ્યૂહરચના), સ્ટ્રક્ચર(માળખું), લોકો-કર્મચારીઓ, સંચાલનની ઢબ, પ્રબંધ અને પ્રક્રિયાઓ માર્ગદર્શન પૂરું પાડે એવી વિભાવનાઓ અને સહભાજિત એવાં મૂલ્યો (બીજા શબ્દોમાં કહીએ તો સંસ્કૃતિ કે સભ્યતા) આ તમામ પરિબળોના અંગ્રેજી પર્યાયો ‘S’ શબ્દથી શરૂ થતા નહોતા. બોબ વોટરમેનના હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર મિત્ર ટોની આલ્થોસે આ સંશોધનમાં રસ લીધો અને એક અદ્ભુત સૂચન કર્યું કે આ સાતેય પરિબળોનો પ્રથમ અક્ષર એવો રાખો કે જેથી અનુપ્રાસની દૃષ્ટિએ અત્યંત કર્ણપ્રિય પણ લાગે અને એ રીતે આ સેવન- S અસ્તિત્વમાં આવ્યા-Strategy, structure (સંસ્થાકીય માળખું), System (વ્યવસ્થા), staff, style, Skills અને Shared values (સહભાજિત મૂલ્યો).
કોઈ પણ ઔદ્યોગિક સાહસે પોતાના સંસ્થાકીય માળખાનું પુનઃનિર્માણ કરી, વિકાસલક્ષી બનવું હોય, નફાકારકતા અને પગભરતાની ખાતરી મેળવવી હોય તો આ મોડલે જે ‘મેકેન્ઝીના સેવન-જી મોડલ તરીકે સુપ્રસિદ્વ છે તેનો અમલ કરવો જ પડે. આ રહ્યા તે સાત-S.
Strategy: કોઈ પણ ઔદ્યોગિક સાહસે તેની ખૂબીઓ- ખામીઓ, સમસ્યાઓ અને તકોનો સંપૂર્ણ અભ્યાસ કરી આંતરિક અને બાહ્ય પરિબળોનો સામનો કરી, તેમાં થતા ફેરફારોના સંદર્ભમાં કેવાં પગલાં ભરવાં, સ્પર્ધાના આ યુગમાં પોતાનું સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવું, જેથી હરીફો ઉપર સરસાઈ મેળવી શકાય એ માટે પોતાનું દૃષ્ટિવિધાન અને લક્ષ્યવિધાન હયાતમાં રાખી કેવી વ્યૂહરચનાઓ ઘડવી.
structure: ઉપરોક્ત Strategy ને અમલમાં મૂકવા કેવા પ્રકારનું સંસ્થાકીય માળખું સુસંગત બનશે- સમતલ (Flat organisation) કે સત્તાનાં કેન્દ્રોના અનુક્રમ અનુસારનું, ઇત્યાદિનો વિચાર કરવો. આ માળખું કેન્દ્રિત હશે કે વિકેન્દ્રિત અને તેના લાભાલાભોનો વિચાર કરવો. કોને કયા વિભાગની વિશિષ્ટ કામગીરી સોંપવી તેના વડપણ હેઠળ કયા વિભાગો-વ્યક્તિઓ મૂકવા. સત્તા, અધિકારોનું કેવી રીતે વિભાજન કરવું, વિભાગ-વિભાગ વચ્ચે અંતે ઉપરી અધિકારીઓ અને નિમ્ન સ્તરના અધિકારીઓ વચ્ચે માહિતીનું સતત પ્રત્યાયન થતું રહે તેવું તંત્ર કેવી રીતે ગોઠવવું તમામ અગ્ર વિભાગો અને ઉપ વિભાગોની પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી ઇત્યાદિ બાબતો માળખું ઘડવામાં ધ્યાનમાં લેવી.
System (પ્રબંધ કે વ્યવસ્થા) : કોઈ પણ ઔદ્યોગિક સાહસનું શ્રેષ્ઠ સંચાલન કરવા કેટલીક વ્યવસ્થાઓ સુનિશ્ચિત થવી જોઈએ જેવી કે સંચાલન નિયંત્રણ વ્યવસ્થા, દરેક સ્તરના મેનેજર- કર્મચારીઓની કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન કરતી વ્યવસ્થા, સંસ્થાનાં સંસાધનોની ઇષ્ટ ફાળવણી કરતી વ્યવસ્થા, બજારક્રિયા સંશોધન પદ્ધતિ (Marketing Research System) મેનેજમેન્ટ સપોર્ટ સિસ્ટમ, આયોજન અને બજેટને લગતી વ્યવસ્થાઓ સારી કામગીરી માટે કદરદાની અને આર્થિક વળતરની વ્યવસ્થા ઈત્યાદિ.
staff: કંપનીના કર્મચારીની શૈક્ષણિક લાયકાત, તેમનો સામાજિક દરજ્જો, તેમની અગાઉની નોકરીની માહિતી, તેમનો અનુભવ અને તેમની ક્ષમતાઓ ઇત્યાદિ સઘળી માહિતી હોવી જરૂરી છે. તેમની ભરતીની પસંદગીનાં ધોરણો તેમને જરૂરી તાલીમના વર્કશોપ, તેમના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ કારર્કીિદ માટેની કાર્યશાળાઓનું આયોજન, અંદરોઅંદર સન્માન અને સાહચર્યની ભાવના ખીલે એ પ્રકારના માનવસંબંધો અને માનવવર્તણૂક સંબંધી કાર્યક્રમોનું આયોજન વગેરે બાબતોને મહત્ત્વ આપવું જોઈએ.
style: જુદા જુદા વિભાગોના અધ્યક્ષો અને તેમની રાહબરી હેઠળ કામ કરતા કર્મચારીઓ વચ્ચેની આંતરક્રિયાની શૈલી ખૂબ ઉષ્માભરી અને સૌજન્યપૂર્ણ હોવી જોઈએ. એ જ રીતે સર્વ હિતધારકો અને ગ્રાહકો સાથેની રીતભાત પણ ઉમદા પ્રકારની હોવી જોઈએ. સર્વોચ્ચ સ્થાને બેઠેલા પ્રાધિકારીઓની નેતૃત્વશૈલી, ત્વરિત નિર્ણયો લેવાનું કૌશલ્ય, તેમનું પ્રત્યાયન કૌશલ્ય. વગેરે પણ જે તે કંપનીને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
Skills (કૌશલ્ય): જે તે કંપનીનું અમુક ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય, તેના મેનેજરો અને કર્મચારીઓનું કૌશલ્ય, સંચાલનની પ્રક્રિયાઓ, પદ્વતિઓ અંગેનું કૌશલ્ય, તકનીકી કૌશલ્ય, વ્યક્તિને પારખવાનું અને અભિપ્રેરિત કરવાનું કૌૈશલ્ય જેવાં કૌશલ્યો કંપનીનાં મૂલ્યો અને લક્ષ્યોને હાંસલ કરવામાં અત્યંત ઉપયોગી નીવડે છે.
Sharedvalues( સહભાજિત મૂલ્યો): માર્ગદર્શક સિદ્વાંતો અને પાયાનાં મૂલ્યો જેના ઉપર ઔદ્યોગિક સાહસનું અસ્તિત્વ, વિકાસ અને વૃદ્ધિ નિર્ભર છે તેની તમામ કર્મચારીઓને પૂરી જાણ હોવી જોઈએ. તે સૌ, કંપનીના દૃષ્ટિવિધાન અને લક્ષ્યવિધાનથી પૂરા વાકેફ અને તે પ્રત્યે સર્મિપત હોવા જોઈએ.
આ મોડલનો આકાર પણ ષષ્ટકોણીય છે, જેના દરેક ખૂણે ઉપર દર્શાવેલ એક ‘S’ છે અને મધ્યમાં Shared Value નો ‘S’ છે. તમામ ખૂણાઓ એક સીધી રેખાથી એકમેકથી જોડાયલા છે અને વળી કેન્દ્ર સાથે પણ સીધી રેખાથી જોડાયેલા છે. અર્થાત્ જો કોઈ ઔદ્યોગિક સાહસે સફળતાની દિશામાં હરણફાળ ભરવી હોય તો આ સાતેય ‘જી’નું સુભગ સંયોજન થવું જોઈએ.
ટોમ પીટરે ગયા વર્ષે પોતાના જ મોડલની અસરકારકતાનો આલોચનાત્મક અભ્યાસ કરી એક લેખ ‘Leadership Excellence’ના ઓક્ટોબરના અંકમાં પ્રસિદ્વ કર્યો અને ખાતરીપૂર્વક જણાવ્યું કે ત્રણ ત્રણ દાયકા પછી પણ નફાકારકતા, નાવીન્ય અને પગભગરતા હાંસલ કરવા ઔદ્યોગિક સાહસિકો માટે આ મોડલ આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
(લેખક ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા યુનિર્વિસટીમાં પ્રોફેસર છે.)
arvind@imnu.ac.in