કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
એવી વ્યક્તિ ભાગ્યે જ હશે કે જેને કોઈ સમસ્યા જ ન હોય. મોટા ભાગના આપણા પ્રશ્નોનો ઉકેલ આપણે ઉપરછલ્લી રીતે જ મેળવી લેતા હોઈએ છીએ અને કેટલાક પ્રશ્નો જ એવા હોય છે કે એ સામાન્ય દેખાતા હોવા છતાં એનાં મૂળ એટલાં ઊંડાં હોય છે કે એને જડમાંથી ઉખેડી નાંખવાનું કોઈ એકલદોકલનું કામ નથી હોતું.
આપણા અંગત, કૌટુંબિક, સામાજિક, અરે, રાજકીય પ્રશ્નોનું મૂળ પણ મોટે ભાગે આર્થિક અને આપણી જીવનશૈલી આધારિત હોય છે. માણસની જીવનશૈલી અને એની આર્થિક સ્થિતિના આધારે એની ખરીદી રહેતી હોય છે. માણસોની ઇચ્છા મુજબનો અને એની ખરીદશક્તિ મુજબ બજારમાં માલ ઠલવાતો હોય છે.
અર્થશાસ્ત્રની રીતે બજારો ઘણી જાતનાં હોય છે, પરંતુ સામાન્ય માણસની રીતે જોઈએ તો બજાર બે જાતનાં છે. એક જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુનું બજાર અને બીજું એશો-આરામનું બજાર. સામાન્ય રીતે જીવન જરૂરિયાતનું બજાર એટલે ગરીબોનું બજાર અને એશો આરામનું બજાર એટલે વૈભવી, માલેતુજારોનું બજાર. માલેતુજારના બજારમાં વસ્તુની પસંદગી હોય છે, એની કિંમતની કોઈ પરવા હોતી નથી અને આ બંને પ્રકારનાં બજારો આજકાલનાં નથી. સદીઓથી ચાલ્યાં આવતાં બજાર છે.
વૈભવ માટેનાં બજારમાં સૌથી વધારે ચલણી વસ્તુ હોય તો એ સ્ત્રી છે. પછી ઊંચી કિસમનો શરાબ છે. સાહસ અને શૌર્ય બતાવવા માટેનાં સાધનો તરીકે જુગારખાનાંઓ છે. જેમાં કરોડોની હાર-જીત થાય છે. ઘોડાઓની રેસ અને બુલફાઈટ જેવી રમતો છે. જેમાં હવે ક્રિકેટ અને ટેનિસ જેવી રમતોએ પણ સ્થાન મેળવ્યું છે.
સુંદરી, શરાબ અને જુગારખાનાના બજારો સદીઓથી ધમધમે છે. એમાં ક્યારેય ઓટ આવી નથી. દરેક ધર્મે એનો વિરોધ કર્યો છે. માણસનું વર્તન વિચિત્ર હોય છે. એ સુંદરી, શરાબ અને જુગારખાનાંઓની મુલાકાતે જાય છે અને પછી ધર્મસ્થાનોની મુલાકાતે પણ જાય છે. રખે ને, ઇશ્વર નારાજ થઈ જાય અને પૃથ્વી ઉપરના આ સ્વર્ગમાંથી નરકમાં ધકેલી દે તો?
કેલેન્ડરનાં પાનાંઓ બદલાયાં છે, વર્ષો બદલાયાં છે સદીઓ બદલાઈ ગઈ છે, પરંતુ સ્ત્રીઓ અને બાળકોનાં બજારમાં કોઈ બદલાવ આવ્યો નથી. હા, બજારનું સ્વરૂપ બદલાયું છે. હજી થોડા સૈકાઓ પહેલાં સ્ત્રી-બાળકો-ગુલામોનું જે રીતે બજાર ભરાતું અને યુવાન, નાની બાળકીઓનું જાહેર નિલામ થતું એવું આજે થતું નથી. એ વખતે ખરીદનારને જિંદગીભર એના ઉપર અધિકાર મળતો. ખરીદનારની શક્તિ અને મોહ ઓછા
અનુસંધાન પાના નં. ૪ પર
થતાં એનું પુનઃ વેચાણ પણ થઈ શકતું. વૈભવી અને વિલાસી માણસોનો મોહ આખરે ઊતરી જતો હોય છે. અને જ્યારે મોહ ઊતરી જાય છે ત્યારે લાખો - કરોડોની વસ્તુ ક્ષણમાં જ કોડીની થઈ જાય છે અને જે વસ્તુની કિંમત કોડીની થઈ જાય છે એને સંઘરવાવાળું પણ કોઈ મળતું નથી. એ રીતે જોતાં મૂળ પરિસ્થિતિ એની એ જ રહી છે.
આપણે ત્યાં બાળકોની ઉઠાંતરીનો મુદ્દો સંવેદનશીલ બની ગયો છે. એની પાછળનાં કારણો પણ કાંઈક આવાં જ છે. એની પાછળનું મૂળ કારણ પણ બજાર જ છે. આજે પરિસ્થિતિ એવી છે કે બજારમાં જેટલો માલ ઠલવાય છે એટલો વેચાય છે એટલે સ્ત્રીઓ, બાળકો, યુવતીઓની ઉઠાંતરીની ઘટનાઓ વધતી જાય છે.
આ પ્રશ્ન સદીઓ પુરાણો છે અને માત્ર આપણા પૂરતો સીમિત છે એવું નથી. આ એક આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની ગંભીર નોંધ લેવામાં આવી છે અને આવા ગુનાઓ થતા અટકાવવાનાં પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રની ડ્રગ્સ અને ગુનાની કચેરીના વડા યુરી કેડાટોવે માનવ ઉઠાંતરી બાબતમાં એક બેઠકમાં જણાવ્યું હતું કે વિશ્વમાં અત્યારે એનો વેપાર લગભગ ૩૨ અબજ ડોલરે પહોંચ્યો છે. મહિલાઓની વાત કરતા એમણે જણાવ્યું હતું કે માનવ ઉઠાંતરી એ ગુલામીપ્રથાનો જ અંશ છે અને એનો ભોગ બનેલી સ્ત્રી ભાગ્યે જ એ નરકમાંથી ઉગરી શકે છે.
જો ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ છે તો દેશનાં જુદાં જુદાં રાજ્યોમાંથી ઉઠાવીને છોકરીઓને બીજાં રાજ્યોમાં કે બીજા દેશોમાં દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાય છે એનું શું? નેપાળ કે બાંગ્લાદેશની કે એવા જ બીજા કોઈ દેશની છોકરીઓને આપણે ત્યાં ઉઠાવી લાવવામાં આવે છે એનું શું? આઘાત લાગે એવી વાત તો એ છે કે સ્ત્રીઓના વેપારમાં સ્ત્રીઓ જ મોટા પાયે સંડોવાયેલી હોય છે. અને એથીયે વધારે આઘાત આપે એવી વાત તો એ છે કે છોકરીઓનાં મા-બાપ જ કેટલીક વાર પોતાની છોકરીઓને નજીવી કિંમતે વેચી નાખતાં હોય છે.
સ્ત્રીઓ અને ખાસ તો બાળકોની ઉઠાંતરી પાછળ માનવઅંગોનો વેપાર પણ કારણભૂત હોય છે. કારણો અનેક છે, પરંતુ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે એશોઆરામ માટેનું, વિલાસી લોકોનું વૈભવી બજાર છે માટે આ ધંધાઓ ધમધમે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તો માથાભારે માણસોની અનેક ગેંગ એમાં સંડોવાયેલી હોય છે. કાયદાઓ તો એમની સામે સાવ જ વામણા પુરવાર થતા હોય છે.
શું આનો કોઈ ઉપાય જ નથી?
એનો સાચો ઉપાય છે માણસની માણસ તરીકેની કેળવણી અને સંસ્કાર. માણસ સંસ્કારી થયો એટલે જ માણસના લિલામનું બજાર બંધ થયું. એ પ્રકારની ચાંચિયાગીરી અને લૂંટાફાટ બંધ થયાં. એવી કેટલીયે પ્રથા હતી જેને આજનો સંસ્કારી માણસ શરમજનક ગણે છે.
રાજામહારાજાઓ એક વખત મૃગયા ખેલવા જતા હતા. એટલે કે શિકારે જતા હતા એ બદલ એમના શૌર્ય અને બહાદુરીની પ્રશસ્તિ પણ થતી હતી. જૂનાગઢના જંગલમાં સિંહના શિકાર માટે કે રાજસ્થાન અને બંગાળનાં જંગલોમાં અંગ્રેજ અફસરો ખાસ શિકાર માટે જ આવતા.ળએક વખત જે બહાદુરી અને શૌર્યનું પ્રતીક ગણાતું એ શિકારનું કૃત્ય આજે સંસ્કારી સમાજમાં ઘૃણિત કાર્ય ગણાય છે. આજનો માનવી એમ માનતો થયો છે કે સૃષ્ટિ ઉપર જીવવાનો દરેક જીવને સમાન અધિકાર છે. જીવહિંસા એ તો મહાપાપ છે અને નીંદનીય કૃત્ય છે. બીજા જીવો તરફની અનુકંપા અને પ્રેમને લોકો સન્માન આપતા થયા છે.
આજે પણ ચોરીછૂપીથી કેટલુંક જઘન્ય કામકાજ ચાલે છે, પરંતુ એનું પ્રમાણ કેટલું? એ હકીકત છે કે પશુપક્ષીઓ કે પ્રાણીઓ તરફનો લોકોનો અભિગમ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. એ જ રીતે સંસ્કારી માણસ સ્ત્રીઓ, બાળકોના હ્યુમન ટ્રાફિકિંગના ધંધાને શરમજનક ગણતો થશે ત્યારે આવા ગુનાઓ થતા અટકી જશે.
બાકી અત્યારે તો આપણે મંદિર, મસ્જિદ કે શાળામહાશાળા પાસે ચાલતાં અયોગ્ય બજારોને બંધ કરવાની હેસિયત પણ ધરાવતા નથી. સમાજ સામેના મૂળ પ્રશ્નોને છોડી આપણે મંદિર, મસ્જિદ કે અન્ય ધર્મસ્થાનોના ઝઘડાઓમાંથી નવરા નથી પડતા. જ્યારે માણસ આનાથી પર રહીને વિચારશે, માનવધર્મને સમજીને વ્યવહાર કરશે ત્યારે જ અયોગ્ય બજારો બંધ થશે.