મહેસાણા, તા.૨૧
મહેસાણા ખાતે આઝાદ ચોક વિસ્તારમાં વાસણની દુકાન ધરાવતા વેપારીના બંધ રહેઠાણનું તાળું તોડી રૂ.૨.૫૦ લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂ.૭.૫૦ લાખની માતબર રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. શુક્રવારે મોડી રાત્રે નોંધાયેલી આ ફરિયાદ અંગે વધુ તપાસ કરવા મહેસાણા બી ડિવિજન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલ વાન સાથે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે,પ્રાથમિક તપાસમાં તસ્કરોનું પગેરૃં મળ્યું નથી.
મહેસાણા ખાતે માલગોડાઉન નજીક સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પટેલ કનુભાઈ શંકરલાલનાં પત્ની મમતાબેન પિયર ગયાં હતાં અને શુક્રવારે સાંજે તેઓ ધંધાર્થે ગયા હતા.મોડી સાંજે ૭.૩૦ ના સુમારે તકનો લાભ લઈ અજાણ્યા શખસોએ તેમના દરવાજાનું તાળું તોડયું હતું અને ઘરમાં પ્રવેશ્યા હતા. બેડરૂમમાં પ્રવેશ કરી તસ્કરોએ લાકડાના કબાટ અને તિજોરી તોડી રૂ.૨.૫૦ લાખ રોકડા,સોનાના ૨૦ તોલાના દાગીના,ચાંદીના દાગીના, સિક્કા તેમજ અન્ય સામગ્રી મળી રૂ.૭.૫૦ લાખની મત્તાનો હાથફેરો કર્યો હતો.આ ઘટના અંગે મોડી રાત્રે જાણ થતાં તેમણે મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસની તપાસ મહિલા સબ ઈન્સ. કે. એ. ડાભી ચલાવી રહ્યા છે.