અમદાવાદ, તા. 22
આ વખતે અખાત્રીજના દિવસે રાજા અને મંત્રીનો દુર્લભ સંયોગ આવી રહ્યો છે. જ્યોતિષીઓના મતાનુસાર ૨૪ એપ્રિલે ૧૨ વર્ષ બાદ સૂર્ય રાજા અને મંત્રી એટલે કે ગુરુનો સુંદર સંયોગ સર્જાનાર છે. અગાઉ ૬-મે--૨૦૧૨ના રોજ આ પ્રકારનો યોગ સર્જાયો હતો. ૨૦૧૨ પછી ૨૦૨૪ના વર્ષમાં આવો યોગ આવશે. આ દિવસે રોહિણી નક્ષત્ર આખો દિવસ અને રાત રહેશે. અક્ષય તૃતિયાને અનંત અક્ષય ફળદાયક કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોત-પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. આ દિવસે જેમની સગાઇ કે લગ્ન થાય તેમનું સૌભાગ્ય અખંડ રહે છે. આ દિવસે મૂહર્ત જોયા વિના કામ કરવામાં આવે છે. મંગળવારે સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શુક્ર પણ પોતાની વૃષભ રાશિમાં રહેશે. આવી સ્થિતિ ૧૨ વર્ષે સર્જાય છે.
અખાત્રીજનું આટલું મહત્ત્વ કેમ?
ભવિષ્ય પુરાણ અનુસાર અખાત્રીજના દિવસે સતયુગ અને ત્રેતાયુગનો આરંભ થયો હતો. ભગવાન વિષ્ણુના ૨૪ અવતારોમાં ભગવાન પરશુરામ, નરનારાયણ, હયગ્રીવ એવા ત્રણ અવતાર અખાત્રીજના દિવસે ધરતી પર અવતર્યા હતાં. બદ્રિનારાયણ તીર્થધામના કપાટ પણ દર્શન માટે આ દિવસે જ ખૂલે છે. વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણ વંદન પણ માત્ર અખાત્રીજના દિવસે જ થાય છે. વર્ષમાં સાડા ત્રણ અક્ષય મુહૂર્ત છે. આમાં સૌથી વધુ મહત્ત્વ અખાત્રીજનું છે. આ ઉપરાંત ગૂડી પડલો અને દશેરા તેમજ દિવાળીના મુહૂર્ત અતિ શુભ મનાય છે. આ દિવસે પંખો, ચોખા, મીઠું, ઘી, સાકર, સાગ, આમલી, ફળ અને વસ્ત્રોનું દાન કરીને બ્રાહ્મણોનું દાન કરવું જોઇએ.
અખાત્રીજે વર્ચ્યુલ સોનાની ખરીદીનો વિકલ્પ
અખાત્રીજના દિવસે મોટી રકમનું સોનું ખરીદી શકાય એમ ન હોય તો સો રૂ પિયાનું સોનું પણ ખરીદી શકાય એવા વિકલ્પો છે. ગોલ્ડ ઇટીએફ થકી વર્ચ્યુઅલ સોનાની ખરીદીમાં પેપર સ્વરૂ પે સોનું ખરીદી શકાય છે અને જરૂ ર પડયે શેરની જેમ વેચી શકાશે. રેલિગેરના સીઇઓ ગગન રણદેવના મતે અખાત્રીજે પોર્ટફોલિયોમાં પીળી ધાતુનો ઉમેરો કરાય તેવા વિકલ્પો ઉપલબ્ધ છે. ગયા વર્ષે બીએસઇ-એનએસઇમાં અખાત્રીજે રૂ . ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવર નોંધાયા હતાં. રેલિગેર ઇઝી ગોલ્ડ જેવી યોજના થકી રોકાણકારોને દસ, ૫૦ કે ૧૦૦ ગ્રામ સોનાની ખરીદી હપ્તે હપ્તે થઇ શકે તેવી સુવિધા આપવામાં આવે છે. એનએસઇએલના ઇ-ગોલ્ડમાં વર્ચ્યુઅલ સોનાને ઘરેણાં કન્વર્ટ કરવાનો વિકલ્પ અપાયો છે. ઇ-ગોલ્ડમાં સોનાનું એક યુનિટ એક ગ્રામ સમકક્ષ છે.