Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:20:51 PM IST
 

સ્વીકાર એટલે શાંતિ

Apr 22, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 1174
Rate: 5.0
Rating:
Bookmark The Article

Success - Nayan Parikh

આપણા જીવનમાં દરરોજ એવી ઘણી ઘટનાઓ બને છે જે આપણી અપેક્ષા અથવા આપણા આયોજનથી વિપરીત હોય. આપણી આસપાસના લોકોની વર્તણૂક અમુક વાર આપણી ધારણાથી બિલકુલ અલગ હોય છે. આવી અસંખ્ય ઘટનાઓ જેને આપણે આપણી સફળતા નથી ગણતા તે જ્યારે બને ત્યારે આપણી પાસે બે વિકલ્પ હોય છે. જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર અથવા અસ્વીકાર. સ્વીકારવામાં શાંતિ છે અને સફળતા છે. અસ્વીકારમાં સ્ટ્રેસ છે, ગુસ્સો છે અને બ્લડપ્રેશર છે.

ઉનાળો શરૂ થયો એટલે ઘણા લોકોને ઉનાળા અને આ વર્ષની ગરમી આગલા વર્ષથી બહુ વધારે છે તેવી ફરિયાદ કરતા સામાન્ય રીતે સાંભળું છું. ઉનાળાને સમર ફેસ્ટિવલમાં બદલી શકીએ તો કેવું! ગરમીની ફરિયાદો કર્યા કરતાં તેનો સ્વીકાર કરીએ અને સ્વીકારથી પણ આગળ ઉત્સવ ગણીએ તો વિપરીત પરિસ્થિતિને આપણે શાંતિ અને આનંદમાં પરિર્વિતત કરી શકીએ. ઉનાળામાં રવિવારે બપોરે ૪ વાગ્યે હું અચૂક ઘરની બહાર બાગમાં બેસી ઉનાળાને માણું છું. ઘરની અંદર જઈને એ.સી અથવા પંખા નીચે બેસવા કરતાં કૂલર અને પાણી છાંટી મને ઉનાળાની મજા માણતો જોઇ ઘણાને આશ્ચર્ય થાય છે પણ જે મિત્રો જોડે આવી બેસે છે તે સમર ફેસ્ટિવલનો આનંદ જરૂર લે છે.

જિંદગી આપણી ધારણા અને આપણી ઇચ્છા કે આયોજન પ્રમાણે ચાલતી નથી અને તેથી જ જીવન જીવવાની મજા આવે છે. બધું જો આયોજન અને ઇચ્છા પ્રમાણે ચાલે તો જિંદગીમાંથી આશ્રયનું તત્ત્વ નાબૂદ જ થઈ જાય છે. અનપેક્ષિત ઘટનાઓનો સ્વીકાર એટલે શાંતિ અને અસ્વીકાર એટલે અજંપો. શાહરૂખ ખાન હમણાં જ યેલ યુનિવર્સિટીમાં સંબોધન કરવા અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર તેમને લગભગ એક કલાક અટકાવવામાં આવ્યા હતા. ભારત સરકારે આને ગંભીરતાથી લઈ આનો વિરોધ કર્યો. શાહરૂખખાને આનો સ્વીકાર કર્યો એટલું જ નહીં આને હળવાશથી લઈ મજાક પણ કરી કે હવે જ્યારે એક કલાકાર તરીકે મને મારો ઈગો મોટો થતો લાગશે ત્યારે હું અમેરિકામાં આવીશ. અમેરિકામાં એરપોર્ટ ઉપર મારી સાથે થતા દુર્વ્યવહારથી મારો ઈગો આપોઆપ અલોપ થઈ જશે.

જ્યારે ઘરમાં કામવાળો આપણી ધારણા પ્રમાણે કામ ના કરે ત્યારે બે વિકલ્પ છે. જો તેનો સ્વીકાર ના કરીએ તો ગુસ્સો સ્વાભાવિક છે. બીજો વિકલ્પ એ પણ છે કે જે થયું છે તેનો સ્વીકાર કરીએ તો શાંતિ અને સહિષ્ણુતા આપોઆપ મળશે.

ઘણી વાર આપણે જે એવોર્ડ મેળવવા માંગતા હોઈએ તે બીજાને મળી જાય ત્યારે જો તેનો સ્વીકાર ના કરી શકીએ તો ઈર્ષ્યાનો ભાવ આપોઆપ આવે છે. આપણા પ્રતિસ્પર્ધીને મળેલા એવોર્ડનો જો સ્વીકાર કરીએ તો આપણને પોતાને બીજી વાર વધુ સારો પર્ફોર્મન્સ કરવા માટેની પ્રેરણા મળે છે.

આપણી માનીતી વ્યક્તિ જે આપણા વિચારોમાં હોય પણ આપણી પાસે ના હોય ત્યારે જો આ વાતનો અસ્વીકાર કરીએ તો આપણે કહીશું કે ‘‘I am missing અરે'' જો આપણી પ્રિય વ્યક્તિ આપણી નજીક ના હોય તો વાતનો સ્વીકાર કરી લઈશું તો આપણે કહીશું કે,''તું મારા વિચારોમાં છે''. કોઈ પણ વાતનો સ્વીકાર અથવા અસ્વીકાર બહારની બનતી ઘટનાથી વધારે મહત્ત્વપૂર્ણ છે. અણધારી અને અનપેક્ષિત ઘટનાનો સ્વીકાર શાંતિ આપે છે. શાહરૂખ ખાને યેલ યુનિવર્સિટીમાં જ્ણાવ્યું કે તેની પાસે પૈસો, લોકપ્રિયતા અને સફળતા બધું જ છે, પણ ખરો આનંદ તેને પ્રેમ અને શાંતિમાંથી મળે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે શેના કારણે ગુસ્સો આવ્યો છે અથવા બહારની ઘટનાના કારણે આપણે પરેશાન છીએ તે શોધવા કરતાં એ પૂછીએ કે આપણે શેનો સ્વીકાર નથી કરી શકતા? સ્વીકારની સાથે જ શાંતિનું આગમન થાય છે. જીવનની બધી ઘટનાઓને પ્રેમથી સ્વીકારી શાંતિ અને સફળતા તરફ આપણો પ્રવાસ શરૂ કરીએ. 

લેખક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને IIMA એલ્યુમ્નિ એસો., અમદાવાદના પ્રમુખ છે. 

ચાણક્ય પોતાની રાજકીય કુનેહ અને ચતુરાઈ માટે ઘણા પ્રખ્યાત છે. બહુ ઓછાને ખબર છે કે ચાણક્ય જેટલા ચતુર હતા તેટલા જ પ્રામાણિક હતા. એક વાર ચીનથી ખૂબ જ ઊંચી પદવી ધરાવતા મંત્રી તેની ભારતયાત્રા દરમિયાન ચાણક્યને મળવા આવ્યો. ચાણક્યના ઘરે રાત્રે ૯ વાગ્યે મળવાનું નક્કી થયું.

ચીની મંત્રી જ્યારે ચાણક્યના નિવાસસ્થાને પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાણક્ય એક નાના દીવાના પ્રકાશમાં પોતાનું કંઇક કામ કરી રહ્યા હતા. ચીની ભાઈને નવાઈ લાગી કે આટલા ઉચ્ચ સ્થાને હોવા છતાં ચાણક્ય કેમ આવી નાની જગ્યામાં નાની લાઇટમાં કામ કરી રહ્યા છે. પછી તરત વિચાર્યું કે ચીનના મોટા સામ્રાજ્ય સામે ચાણક્યના સામ્રાજ્યની શું વિસાત ?

ચાણક્યે તેમને આવકાર્યા અને બેસાડયા. રાજકીય વાતો શરૂ થાય તે પહેલાં ચાણક્યે દીવો હોલવી નાખ્યો અને મોટા પ્રકાશની વ્યવસ્થા કરી. રાજકીય મંત્રણાઓ સમાપ્ત થઈ. ચાણક્યે ફરી મોટો પ્રકાશ બંધ કરી અને નાનો દીવો સળગાવ્યો. ચીની મંત્રીને નવાઈ લાગી અને તેણે આ નાના મોટા પ્રકાશનો મર્મ પૂછયો. ચાણક્યે જણાવ્યું કે હું મારા અંગત કામ માટે મારો પોતાનો નાનો દીવો વાપરું અને જ્યારે મંત્રી તરીકે કામ કરું ત્યારે રાજ્યના ખર્ચે વપરાતા મોટા દીવાનો પ્રકાશ વાપરું છું. પોતાના અંગત વપરાશ અને મંત્રી તરીકે મળતી સુવિધાઓને અલગ રાખવાનો પ્રયોગ આજના રાજકારણીઓની આંખ ખોલી નાખે તો કેવું? ચાણક્યની ચતુરાઈ સાથે તેમની પ્રામાણિકતાની સારી વાતોનો પ્રચાર કરીએ તો જ આપણને ચાણક્યનો સંપૂર્ણ પરિચય થઈ શકે.

npcinfra@vsnl.ne
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com