Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:42:06 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

શ્રીમંત પરિવારની વહુઓએ મોં છૂપાવવા પડયાં

Apr 23, 2012 National
 
comment     E-Mail     Print    
 
Viewed: 16800
Rate: 4.8
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૨૨

શહેરના પોશ ગણાતા સી.જી. રોડ ઉપર એસોસિએટેડ પેટ્રોલ પંપ પાછળ આવેલા ચિનાઇ બાગ સોસાયટીમાં બ્લોક નંબર એ/૨/૧૦૨ ખાતેના ત્રણ બેડરૂમના ફ્લેટમાં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ રોમન થીમપાર્ટીમાં આજે ભરબપોરે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને ધનાઢય પરિવારના નબીરાઓ, શ્રીમંત પરિવારની ૧૯ વહુઓ, દીકરીઓ મળીને ૪૧ જણાને ઝડપી લેતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો ત્યારે આ તમામ ૪૧ જણા એક રૂમમાં સંતાઇ ગયા હતા અને તેમાંથી મોટાભાગના લોકો શરાબના નશા હેઠળ હોવાનું સ્પષ્ટ થતાં તુરત જ ટીમે બાકીના રૂમોની તલાશી લેતાં એક રૂમમાંથી વ્હિસ્કી, વોડકા, બિયરની દસથી વધુ ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અઢી ડઝન જેટલી મોંઘીદાટ દેશી-વિદેશી બ્રાન્ડની શરાબ અને બિયરની ભરેલી બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, આ હાઇપ્રોફાઇલ પરિવારોના સંતાનો હોવાથી તુરત જ પોલીસ ઉપર ચારેબાજુથી દબાણ આવવાની શરૂઆત થઇ હતી અને એટલે જ લાખો રૂપિયાના ‘તોડ’ની ગોઠવણ થયા બાદ ૧૯ મહિલાઓને પોલીસે બારોબાર બાઇજ્જત બરી કરી દીધી હતી, જ્યારે ૨૨ યુવાનોને છ કલાક બાદ એટલે કે રાત્રીના નવ વાગ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ માટે લઇ જવાયા હતા.

  • પાર્ટીમાંથી કેટલીક મહિલાઓ પણ પીધેલી ઝડપાઈ હોવા છતાં તેમને કેમ જવા દેવાઈ ? ક્રાઇમ બ્રાન્ચની કામગીરી શંકાસ્પદ

આ આખી કામગીરીમાં કોઇપણ વ્યક્તિની ઓળખ છતી ન થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝ અધિકારીઓએ ખાસ ચીવટ રાખી હતી એટલું જ નહીં સિવિલ હોસ્પિટલ ખાતે પણ એસઆરપી બંદોબસ્ત ગોઠવીને મીડિયા કર્મીઓ માહિતી ન મેળવી શકે તેનો પાક્કો બંદોબસ્ત કરી દેવાયો હતો. ઓફ સીજી રોડ પર ચિનાઇ બાગ સોસાયટી આવેલી છે.

આ સોસાયટીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક ન્યાયમૂર્તિ સહિત અનેક વગદાર લોકોના નિવાસ આવેલા છે. આ સોસાયટીના બ્લોક એમાં બીજા માળે ૧૦૨ નંબરના ફ્લેટમાં રહેતા પેઇન્ટિંગ્સની ઓનલાઇન લે-વેચ સાથે સંકળાયેલા હર્ષ સતિશ શાહને ત્યાં બપોરના અઢી ત્રણ વાગ્યાના સુમારે ભારે કોલાહલ અને ધમાલ થતી હોવાની એક વગદાર ફરિયાદ પોલીસ કમિશનર અને પોલીસ કન્ટ્રોલરૂમને મળી હતી. આથી ઉપરથી આવેલી સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વાગે આ ફ્લેટ પર દરોડો પાડયો ત્યારે પાર્ટીમાં સામેલ તમામ લોકોના હોશકોશ ઉડી ગયા હતા અને હાંફળાફાંફળા થઇ ફ્લેટના એક રૂમમાં સૌ છુપાઇ ગયા હતા. સમગ્ર ફ્લેટમાંથી શરાબ અને સિગારેટની તીવ્ર ગંધ આવતી હોવાથી એટલું નક્કી થયું કે શરાબની પાર્ટી ચાલતી હતી. ફ્લેટના માલિક હર્ષ શાહએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તેની મેરેજ એનિવર્સરીની પાર્ટી હતી. તેણે ૩૯ જણાને આમંત્રણ આપ્યું હતું.

પોલીસે તલાસી લેતાં બીજા રૂમમાં કબાટમાં છુપાવેલી નવ ભરેલી વિદેશી બ્રાન્ડની શરાબ અને ૧૪ બોટલ બિયરની બોટલો મળી આવી હતી. જ્યારે નવ જેટલી ખાલી બોટલ મળી આવી હતી. સોડા વોટર અને અન્ય કોલ્ડ ડ્રીંક્સની બોટલો પણ મળી આવી હતી.

પોલીસનો મોટો કાફલો એકાએક ફ્લેટમાં આવીને દરોડો પાડતાં આસપાસના રહીશો પણ ભેગા થઇ ગયા હતા અને મીડિયા કર્મીઓની મોટી ફોજ ઉતરી પડી હતી. બીજી તરફ ઝડપાયેલા લોકો વગદાર પરિવારોમાંથી આવતા હોવાથી છેક ગાંધીનગરથી ફોન આવવા શરૂ થયા હતા. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામને અહીંથી ખસેડીને ગાયકવાડ હવેલી લઇ જવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ગાયકવાડ હવેલી ખાતે લઇ જઇને તુરત જ તમામના બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી કરવાને બદલે સૌને બેસાડી રાખ્યા હતા અને ફોટોગ્રાફરો કોઇ રીતે ફોટો પાડી ન શકે એવી રીતે કિલ્લેબંધી કરી દેવાઇ હતી. ત્રણ વાગ્યાથી ઝડપાયેલા ૪૧ જણામાંથી નવ વાગ્યાના સુમારે ૧૯ મહિલાઓને પોલીસે બારોબાર જવા દીધી હતી જ્યારે ૨૨ પુરુષોને બ્લડ સેમ્પલ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાં પણ મીડિયાકર્મીઓ કોઇપણ રીતે માહિતી મેળવી ન જાય તેની ખાસ ચીવટ રાખવામાં આવી હતી. નવ વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયા અંગેની કોઇ વિધિવત ફરિયાદ પણ નોંધી ન હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય રીતે આવી કોઇ પાર્ટીમાં દરોડો પડે તો તુરત જ પોલીસ ઘટના સ્થળે જ પંચનામુ કરીને પાર્ટીમાં સામેલ સૌને લોહીના નમુના લેવા માટે સિવિલ હોસ્પિટલ લઇ જતી હોય છે. પરંતુ તાજેતરમાં ધનાઢય પરિવારો નબીરામાં રૂટિન બની ગયેલી આવી શરાબ-શબાબ, થીમબેઝ, રેવ પાર્ટીઓમાં દરોડા પાડવાની હિંમત દાખવનાર પોલીસની દરોડા પાડયા પછીની હિલચાલ શંકા ઉપજાવે તેવી રહેતી આવી છે. થોડા સમય અગાઉ અમદાવાદના આશાવરી ફ્લેટમાં હોય કે સાણંદના ફાર્મમાં ચાલતી પાર્ટીમાં પોલીસે દરોડા પાડયા પછી સમગ્ર કેસમાં ભારે મોટો તોડ કરી લેવાતો હોય છે. આજના કિસ્સામાં પણ ધનાઢય પરિવારોના નબીરાઓ હોવાથી પ્રત્યેક વ્યક્તિ દીઠ મોટી રકમનો તોડ કરીને સમગ્ર કેસ લુલો બની જાય એવી રીતે છ કલાક બાદ લઇ જવાયા હતા. એટલું જ નહી પોલીસે કઇ સત્તા હેઠળ મહિલાઓને જવા દીધી એ બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

પ્રાપ્ત માહિતી મુજબ આવી શરાબ કે રેવ પાર્ટીઓમાં સામેલ થતી મહિલાઓ શરાબનું સેવન કરતી હોવા છતાં તેઓને જવા દેવા પાછળ પ્રત્યેક મહિલા દીઠ ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાનો તોડ કરાયો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. એટલું જ નહીં આ રકમ મળી ગયા બાદ તેમને છોડી દેવાઇ હતી. સૌથી નવાઇની વાત એ છે કે રેવ પાર્ટી સમાન રોમન થીમ બેઝ પાર્ટીમાં કેટલાક આમંત્રિત કપલ્સ જુલિયસ-સીઝરની જેમ કિંગ્સ એન્ડ ક્વિનના ડ્રેસ પરિધાન કરીને આવ્યા હતા. કેટલાક સાદા કપડાંમાં સામેલ થયા હતા. જોકે, પોલીસે દરોડો પાડયો હોવાની ભનક લાગી જતાં આવા પરિધાનમાં આવેલા લોકોએ ડ્રેસ બદલી નાખ્યો હોવાની શક્યતા છે.

કિંગ એન્ડ ક્વીનને ડ્રેસ બદલવા માટે પોલીસે સમય આપ્યો

હર્ષ શાહે તેની મેરેજ એનીવર્સરી ઉજવવા માટે તમામને ખાસ ઇમેઇલ અને કાર્ડ મોકલ્યા હતા. જેમાં સુચના હતી કે તમામ દંપતીએ રાજા અને રાણી બનીને આવવું ફરજિયાત છે. જેથી ૧૯ દંપતિઓ રાજા અને રાણીનો વેશ ધારણ કરીને આવ્યા હતા. જો કે પોલીસના દરોડા બાદ તમામ હજુરિયા બની ગયા હતા. પોલીસે તમામની અટકાયત કરવાની વાત કરી ત્યારે તમામ લોકોએ રાજા રાણીના કપડાને બદલવા માટે વિનંતી કરી હતી. જેથી પોલીસે પરમીશન આપતા તમામને કેપ્રી અને ટી શર્ટ પહેરવાનો મોકો મળ્યો હતો. જેથી મોટાભાગના લોકો કેપ્રી ટીશર્ટમાં જોવા મળ્યા હતા.

થીમ પાર્ટીમાંથી આ લોકોને ઝડપ્યા હોવાની ચર્ચા

૧. લાઉસી - સંજિત (રેમન્ડ્સ)
૨. અમિત ગુપ્તા (ઇસ્કોન કન્સ્ટ્રકશન)
૩. ભાવિન - લજ્જા પરીખ

૪. હર્ષ - તેજલ શાહ (પાર્ટી ઓર્ગેનાઇઝર)

૫. કુણાલ કીર્તિકાંત (એડવોકેટ) નાણાવટી

૬. અનીશ - મનાલી અદાણી
(અદાણી જૂથના માસુકભાઈના જમાઈ દીકરી)
૭. સિદ્ધાર્થ ગાંધી
૮. રોનક - અદિતિ
૯. જિગેન (ગત ડિસે.માં પણ ઝડપાયા હતા)
૧૦. પરવ
૧૧. જિમ્મી જિંદાલ
૧૨. સુમિત અગ્રવાલ (ઓમકાર પ્રોસેસિંગ)
૧૩. બિજલ - સુરભિ

( આ યાદી ચાલતી ચર્ચાના આધારે સંભવિત નામોની છે. પોલીસ દ્વારા સત્તાવાર યાદી જાહેર નથી કરાઈ)

૧૯ મહિલાઓને જવા દેવા પાછળ એક કરોડનો તોડ થયાની ચર્ચા

અમદાવાદ : દરોડામાં કુલ ૪૧ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી, તેમાં મોડી સાંજે ૧૯ ધનાઢય પરિવારની મહિલાઓને બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પછી બારોબાર જવા દેવા પાછળ રૂ.૧ કરોડની મોટી રકમનો તોડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કર્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. કેટલીક મહિલાઓને પોલીસે દરોડો પાડયો ત્યારે ઊભા રહેવાના હોંશ ન હતા આમ છતાં મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે ૧૯ મહિલાને ક્રાઇમ બ્રાન્ચે જવા દીધી હતી. આમાં પ્રત્યેક મહિલા પાસેથી ઓછામાં ઓછો રૂ.૫ લાખ લેખે એક કરોડનો તોડ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ધનાઢય પરિવારો સાથે સંબંધ ધરાવતા હર્ષ સતિશ શાહના ફ્લેટ ખાતે મોંઘીદાટ ગાડીઓ આવવાની શરૂ થઇ હતી અને તેમાં અનેક જાણીતા પરિવારોના નબીરાઓ પણ હતા. બપોરે એકાદ વાગ્યાથી એક પછી એક મોટરકારો આવતી ગઇ તેમ તેમ ફ્લેટના અન્ય રહીશોને કોઇક સામાજિક સમારંભ હોય એવુ લાગ્યુ હતું. પરંતુ બેએક વાગે બ્લોક નંબર એના બીજા માળે ૧૦૨ નંબરના ફ્લેટમાંથી ભારે ઘોંઘાટ અને અવાજો આવવા શરૂ થતાં સ્પષ્ટ થયું કે નક્કી પાર્ટી બીજા પ્રકારની છે.

એટલે કોઇ વગદાર રહીશે પોલીસ કમિશનરને છેડા અડાર્યા અને પાર્ટીના રંગમાં ભંગ પડી ગયો.

ત્રણ બેડરૂમના વિશાળ ફ્લેટમાં સામેલ થયેલા ૪૧ લોકો માટે રોમન થીમ બેઝ પાર્ટીમાં મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની શરાબ અને બિયરનો મોટો જથ્થો લવાયો હતો. સામાન્ય રીતે આવી પાર્ટીમાં સામેલ થતાં પાર્ટી પીપલ્સમાં મહિલાઓ લીજ્જતથી શરાબનું સેવન કરતી હોય છે. તેમ આ પાર્ટીમાં પણ બન્યું હતું. ૩૯ આમંત્રિત કપલ્સ, સીંગલ્સમાં સામેલ ૧૯ મહિલાઓમાંથી અડધાથી ઉપર શરાબના નશામાં ધુત હતી. પોલીસે દરોડો પાડયો ત્યારે તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા અને એક રૂમમાં પૂરાઇ ગયા હતા. પોલીસે તમામને બીજા રૂમમાં લાવીને દરેકના મોં સુધીને કોણે કોણે દારૂ પિધો છે તે નક્કી કરી લીધું હતું. આટલી કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ પોલીસ અધિકારીઓ પર છેક ઉપરથી, ગાંધીનગરથી ફોન આવવા શરૂ થયા હતા. આ તરફ વાયુવેગે સમગ્ર સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં પોલીસના દરોડોમાં શરાબીઓ ઝડપાયા હોવાની વાત પ્રસરતાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. આ તકનો લાભ લઇને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે જ પંચનામુ અને પીધેલાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે પોતાના કિલ્લેબંધ અડ્ડા ગાયકવાડ હવેલી ખાતે લઇ ગયા હતા. આ કિલ્લેબંધીમાં પ્રત્યેક વગદાર વ્યક્તિ કેટલુ વજન આપી શકે છે એ નક્કી કરવામાં આવ્યું હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. નવાઇની વાત એ છે કે સામાન્ય ઘરફોડીયો કે ચેઇન સ્નેચર્સ પકડે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ફોટા પડાવવા અને પ્રસિદ્ધિ મેળવવા મીડિયાને ફોન કરીને બોલાવે, પરંતુ આ કિસ્સામાં તો છેક નવ વાગ્યા સુધી કોઇપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી જ કરવામાં આવી ન હતી. નવ વાગ્યા બાદ જ માત્ર ૨૨ પુરુષોને પાંચ પાંચના તબક્કામાં સિવિલ હોસ્પિટલ બ્લડ સેમ્પલ માટે લઇ જવાયા હતા. એટલું જ નહીં અહીં પણ મીડિયાને કોઇ માહિતી ન મળે એવી સજ્જડ વ્યવસ્થા ગોઠવી દેવાઇ હતી. તેમાં પણ મોટા પાયે તોડ કરાયો હતો.

બે કલાકમાં ૯ બોટલ દારૂ પીવાઇ ગયો ! હર્ષ શાહને ત્યાં પોલીસે દરોડો પાડયો ત્યારે ફ્લેટમાંથી દારૂની ૯ બોટલ ખાલી મળી આવી હતી. જેથી બપોરે બે વાગ્યાથી લઇ ચાર વાગ્યા સુધીમાં પાર્ટી આવેલા લોકો ૯ બોટલ દારૂ ગટગટાવી ગયા હતા. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે હર્ષ શાહ દ્વારા વધારાનો દારૂ મંગાવવાની વાત પણ પાર્ટીમાં કરવામાં આવી હતી.

દારૂની પરમિટ હશે તેમની સામે કોઇ કાર્યવાહી નહીં થાય !   ડીસીપી હિમાંશુ શુક્લાએ જણાવ્યું કે જે શખ્સો પાસે પરમિટ હશે અને તે દારૂ પીધેલી હાલતમાં જોવા મળશે. તો તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે દારૂની પરમિટનો નિયમ છે કે દારૂની ચોક્કસ માત્રા ચોક્કસ સમયે પીવામાં આવે. પણ ઝડપાયેલા શખ્સો પૈકી ઘણા લોકોએ ખૂબ પ્રમાણમાં દારૂ પીધો હતો. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com