બ્યુટી ક્વેરી - ડો. ગીતા પટેલ, ડર્મેટોલોજિસ્ટ
અચાનક મારા હાથ તથા પગમાં નાના નાના સ્પોટ પડી ગયા છે. મેં કેટલાક મહિનાથી વેક્સ કરાવવાનું બંધ કરી દીધું છે. તેમ છતાં તે નિશાનીઓ જતી નથી. વેક્સિંગને બદલે હું બીજું શું કરું? - માલવિકા
તમે જ્યારે વેક્સ કરાવો છો ત્યારે તમને થોડું ઇન્ફેક્શન થઈ જાય છે, આ સ્પોટ તેના કારણે જ થઈ ગયા છે. તમારે મહિનામાં એક કરતાં વધારે વાર વેક્સ ન કરાવવું અને જ્યારે વેક્સ કરાવો ત્યારે ડિસ્પોઝેબલ વેક્સ સ્ટ્રીપનો જ ઉપયોગ કરવો. તમને વેક્સિંગથી આવી સમસ્યા સર્જાતી હોય તો તમે લેસર ટ્રીટમેન્ટનો ઉપયોગ કરો એ જ તમારા માટે સારું રહેશે. હેર રીમૂવલ માટે લગભગ છથી આઠ સિટિંગની જરૂર પડતી હોય છે.
હું ૨૩ વર્ષની છું. મારી સ્કીન એકદમ ફેર છે, પરંતુ છેલ્લા થોડા સમયથી મને કપાળમાં નાના ઢીંમચા જેવું થઈ ગયું છે. તે ખીલ જેવું દેખાય છે, પરંતુ તેમાં પરુ નથી. તો આ સમસ્યાનો ઉકેલ જણાવો. - શ્રેયા
તમારી ત્વચા વધારે પડતી તૈલી હશે. તેના કારણે આમ થતું હશે. આ ઉપરાંત તમને ખોડાની સમસ્યા પણ હોવી જોઈએ. તમારે માથું ધોવાના એકાદ કલાક પહેલાં જ માથામાં તેલ નાખવું જોઈએ. તમારા કપાળને હંમેશાં વધારે પડતા તેલથી બચાવવું. જે ફેસવોશમાં સિલિકલી એસિડનું તત્ત્વ હોય તેવા ફેસવોશથી મોં સાફ કરવું જોઈએ. આટલી કાળજી રાખ્યા બાદ પણ ન ફેર પડે તો ડર્મેટોલોજિસ્ટને બતાવવું.
મેં ટેલિશોપિંગ દ્વારા એક સ્કિન કેર રેન્જ ખરીદી હતી, જે ખીલમાં રાહતરૂપ નીવડે તેવી હતી, પરંતુ તેના ઉપયોગથી મને ખીલમાં કોઈ ફેર પડયો હોય તેવું લાગ્યું નથી. તો મને ખીલ દૂર કરવાનો કોઈ ઉપાય જણાવશો.
- મેઘના
તમારે ચહેરા પર કોઈ ઓઇલબેઝ ક્રીમ લગાડવી ન જોઈએ. આ ઉપરાંત તમારે કોઈ કોસ્મેટિક્સનો ઉપયોગ પણ ન કરવો. ખીલને દબાવવા નહીં અને ફોડવા પણ નહીં.
મારી કોમ્બિનેશન સ્કીન છે. હું ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકું? કારણ કે ફાઉન્ડેશન લગાવ્યા બાદ મારી ત્વચા ખૂબ ચીકણી લાગતી હોય છે. - સોનલ
હા, તમે ફાઉન્ડેશનનો ઉપયોગ કરી જ શકો છો, પરંતુ તમારે હંમેશાં ઓઇલ ફ્રી ફાઉન્ડેશનનો જ ઉપયોગ કરવો જોઈએ.
drgeeta@skinworld.co.in