Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 07:12:56 PM IST
 

વર્ક પ્લેસ કેટલું સેફ?

Apr 23, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 3928
Rate: 3.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - માનસી પટેલ

ઘરનો ઉંબરો ઓળંગીને પોતીકું અસ્તિત્વ શોધવા નીકળેલી સ્ત્રીઓને સતત કેટલીક વિટંબણાઓનો સામનો કરવો પડે છે. વર્કપ્લેસ પર માત્ર સ્ત્રીને ટાર્ગેટ બનાવીને થતી અશ્લીલ મજાક કે જાતીય શોષણ એ સ્ત્રી માટેની સૌથી મોટી સમસ્યા છે. જોબ કરતી મહિલાઓના સ્વાભિમાન તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ શું છે? તેની ઉપયોગિતા કેટલી છે? તે જાણવું જ રહ્યું

રશ્મિ આધુનિક જમાનાની યુવતી છે, એકવડો બાંધો અને સાધારણ સુંદરતા સાથે તે પોતાના કામને પૂરતો ન્યાય આપી શકે છે અને સહેલાઈથી ઓફિસમાં દરેક કર્મચારી સાથે ભળી જાય છે. બોલવા ચાલવામાં ફ્રેન્ક હોવાથી તેની ઓફિસના કેટલાક પુરુષ કર્મચારીઓ માની બેઠા હતા કે તેઓ રશ્મિ સાથે ઇચ્છે તેવું વર્તન કરી શકે છે અને ઇચ્છે તેવી વાત પણ કરી શકે છે. આવું વિચારતા એક પુરુષ કર્મચારીએ તેની સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન કરતા રશ્મિ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે પોતાના બોસને ફરિયાદ કરી તો બોસનો સૂર એવો હતો કે રશ્મિનું વર્તન આ ઘટના માટે જવાબદાર છે! રશ્મિ વિચારતી હતી કે જે રીતે તે તેની ફિમેલ કલિગ સાથે મુક્તમને વાત કરતી હતી તે જ રીતે મેલ કલિગ સાથે વાત કરતી હતી. આમાં વર્તન જવાબદાર કેવી રીતે કહેવાય? આવી બાબતે તે કોની મદદ લઈ શકે?

જોલી એક ફર્મમાં જોબ કરે છે. તેની સાથે જોબ કરતો છેલબટાઉ યુવાન બિન બુલાયે મહેમાનની જેમ છોકરીઓના ગ્રૂપમાં આવીને વાત કરવા લાગતો અને છોકરીઓની ડ્રેસિંગ સેન્સથી માંડીને હેરસ્ટાઇલ વિશે મજાક કરવા લાગતો હતો. ક્યારેક તો બીભત્સ મજાક પણ કરી બેસતો. જે પણ છોકરીઓ ત્રાસીને એ છેલબટાઉને ધમકાવતી તો તે છોકરીઓના વિશે પેલો યુવાન છેલ્લી કક્ષાની એલફેલ વાતો ફેલાવતો હતો. ઓફિસમાં આવા વિકૃત યુવાનથી જોલી સહિતની બધી જ યુવતીઓ પરેશાન રહેતી હતી.

રેહાનાનો કિસ્સો ઓફિસમાં થતા જાતીય શોષણ સાથે સંકળાયેલો છે. રેહાના જે હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાંના ડોક્ટર જાણીજોઈને કામ ન હોય તો પણ નાઇટ ડયૂટીમાં રોકી રાખતા અને તેની સાથે શારીરિક છૂટછાટ લેવાનો પ્રયત્ન કરતા. વારંવારની આવી હરકતોથી તંગ આવીને રેહાનાએ તેમના મુખ્ય ઇન્ચાર્જને ફરિયાદ કરતા તે ડોક્ટરને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

રશ્મિ, જોલી કે રેહાના - આવી ઘટનાઓનો ભોગ બનનારી સ્ત્રીનું નામ કોઈ પણ હોઈ શકે છે. દરેક મોરચે સફળ થયેલી સ્ત્રી પોતાના કાર્યસ્થળે કેટલીક બાબતોમાં હજી પણ ખૂબ સંઘર્ષ કરી રહી છે. જેમાં સૌથી વધુ હેરાન કરતી બાબત છે યૌન શોષણ. કેટલાક પુરુષો મહિલાઓનું અપમાન કરીને તેમને શારીરિક તથા માનસિક સ્તરે હેરાન કરીને પોતાનો અહમ સંતોષે છે. આવો પુરુષવર્ગ અશ્લીલ મશ્કરી, ભદ્દી મજાક કે ગંદો શારીરિક સ્પર્શ કરીને કે જાતીય સંબંધની માંગણી કરીને સાથે કામ કરતી સ્ત્રીઓને હેરાન કરે છે. કેટલીક સ્ત્રીઓ આવા પુરુષો સામે અવાજ ઉઠાવે છે. તો કેટલીક સ્ત્રીઓ આ બધી બાબતો સહન કરીને બેસી રહે છે, પરંતુ કોઈ નક્કર પગલાં ભરી શકતી નથી.

ભારતમાં કામ કરતી મોટા ભાગની સ્ત્રીઓ આ સમસ્યા સામે ઝૂઝતી હતી. તેવા સમયે પરિવાર કલ્યાણ મંત્રાલયે એક પહેલ કરી સ્ત્રીઓને મદદરૂપ થવાની.. સ્ત્રીઓ આવી સમસ્યામાંથી બહાર આવીને પોતાનો અવાજ ઉઠાવી શકે તે માટે તેમના માટે એક ચોક્કસ જોગવાઈ કરવામાં આવી, પરંતુ બહુ ઓછી સ્ત્રીઓને પોતાના આ હક અને કાયદા વિશેની ખબર હોય છે!

 પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્કિગ લેડીને પડતી તકલીફો, ખાસ તો જાતીય શોષણ રોકવા માટે એક ખાસ બિલ પસાર કરીને મહિલાઓ કામ કરવાના સ્થળે પૂરી સુરક્ષા સાથે કામ કરી શકે તેવી સગવડતા પૂરી પાડી છે. કાર્યસ્થળે સ્ત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ કાયદો બનાવવાની જરૂર તો હતી જ. જે સ્થળે મોટી સંખ્યામાં સ્ત્રીઓ કામ કરતી હોય ત્યાં જાતીય સતામણીની ઘટના ઓછી બને છે, પરંતુ જ્યાં એકલદોકલ સ્ત્રી કામ કરતી હોય તેને ઘણી વાર જાતીય સતામણીથી માંડીને શાબ્દિક છેડછાડનો સામનો કરવો પડતો હોય છે. ઘણી જગ્યાએ મહિલાઓની ઓછી સંખ્યા અથવા તો તેની જરૂરિયાતનો લાભ ઉઠાવીને તેને હેરાન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ સ્ત્રી બંડ પોકારે છે તો કેટલીક સ્ત્રીઓ આવાં તત્ત્વો સામે શરણાગતિ સ્વીકારી લે છે.

આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે, પરંતુ ભાગ્યે જ તેની ફરિયાદ થતી હોય છે. ઘરની બહાર નીકળતી સ્ત્રી વિવિધ જગ્યાઓ પર વત્તેઓછે અંશે શાબ્દિક કે શારીરિક રીતે જાતીય સતામણીનો સામનો કરતી હોય છે.

આવી ઘટનાઓ બનતી ઓછી થાય અને સ્ત્રી સન્માનથી કામ કરી શકે તે માટે વર્કિગ પ્લેસ પર મહિલાને સુરક્ષા પ્રદાન કરવા ધ પ્રોટેક્શન ઓફ વિમેન અગેઇન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ બિલ - ૨૦૧૦પસાર કરવામાં આવ્યું. આમાં એવી સગવડ કરવામાં આવી છે કે જે પણ સ્થળે સ્ત્રીઓ કામ કરતી હોય, તે દરેક સંસ્થાએ સ્ત્રીઓ માટે ‘ઇન્ટર કમ્પ્લેન્સ કમિટી’ નામની કમિટી બનાવવી પડશે. આ કમિટી પાસે સ્ત્રીઓ પોતાના કાર્યસ્થળે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશે. ખાસ કરીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લગતી સમસ્યાઓ. જો કોઈ સંસ્થા કે કંપની જાતીય શોષણની સમસ્યાઓનું નિવારણ લાવવા આંતરિક સમિતિ નથી બનાવતી, તો તે કંપનીએ રૂપિયા પચાસ હજારનો દંડ ભરવો પડે તેવી જોગવાઈ પણ આ કાયદામાં છે. જો દંડ ભરવા છતાં સ્ત્રીઓ માટે આવી કોઈ સમિતિની જોગવાઈ કરવામાં નથી આવતી તો આ દંડ એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

જોકે નિષ્ણાત કાયદાવિદોનું એવું કહેવું છે કે, જે સંસ્થા કે કંપની મહિલાઓ માટે આવી સમિતિ બનાવે છે, તે બનાવ્યા બાદ તેમાં વર્કિગ વુમનની મુશ્કેલીઓ દૂર થાય તેવું કામ થાય કે તે અંગેનાં પગલાં લેવાય તે જરૂરી છે. મોટાં મોટાં શહેરોમાં તથા નાનાં નગરોમાં ક્યાંક ને ક્યાંક તો સ્ત્રીઓનું શોષણ કરવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે, પરંતુ સ્ત્રીઓ માટે ઊભી કરાયેલી આ સગવડતાનો અમલ અને સમસ્યાનું નિરાકરણ કેટલી ઝડપથી થાય છે તે પણ અગત્યનો મુદ્દો છે.

કેવી કેવી હરકતો વિશે ફરિયાદ થઈ શકે?

મૌખિક મજાક અડપલાં કરવાં અશ્લીલ સાહિત્ય બતાવવું જાતીય સંબંધની માંગણી કરવી બળજબરીપૂર્વક ફિઝિકલ રિલેશન બાંધવા ઇન્ટરનલ કમ્પ્લેન્સ કમિટી જ્યાં મહિલાઓ કામ કરતી હોય તે દરેક સંસ્થાએ એક આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે.

શોષણનો ભોગ બનેલી મહિલાએ લેખિત ફરિયાદ ઓફિસની કમિટીને આપવી પડે. જો મહિલા પોતે આગ્રહ કરે તો કમિટી કાયદાકીય રીતે તપાસ શરૂ કરાવી શકે છે અને તપાસ શરૂ કરતા પહેલાં બંને પક્ષો વચ્ચે સમજાવટથી પણ ઉકેલ લાવી શકાય છે.

જો મહિલાએ કરેલા આરોપો સાચા હોય તો તેનું વળતર પણ મળે છે.

આ સમિતિ પીડિત મહિલાને બીજા વિભાગમાં ટ્રાન્સફર કરી શકે છે અથવા તો તેને રજા પર મોકલી શકે છે.

જોકે તપાસ દરમિયાન યૌન શોષણનો ભોગ બનેલી મહિલાને પૂછયા વિના અન્ય વિભાગમાં ટ્રાન્સફર ન કરી શકાય.

જ્યારે શોષણનો ભોગ બનેલી મહિલાનો કેસ ચાલતો હોય તે દરમિયાન પડેલી રજાઓને સ્પેશિયલ રજા હેઠળ ગણવામાં આવશે.

મહિલાની ફરિયાદ ખોટી સાબિત થાય તો તેની પર પણ કાયદાકીય કાર્યવાહી થાય છે.

કઈ મહિલાઓને મળે છે લાભ?

કાયમી ધોરણે કામ કરતી સ્ત્રીઓ હંગામી ધોરણે કામ કરતી સ્ત્રીઓ ટ્રેઇની તરીકે કાર્યરત સ્ત્રીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલાઓ.

ઘરનોકર મહિલાઓ બાકાત!

આ કાયદામાં ઘરનોકર તરીકે કામ કરતી સ્ત્રીઓનો સમાવેશ ન કરવામાં આવેલો હોવાથી વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે નિરક્ષર અને જરૂરિયાતમંદ ગરીબ સ્ત્રીઓ ઘરનોકર તરીકેનું કામ સ્વીકારતી હોય છે અને ઘરનોકર તરીકે કામ કરતી સ્ત્રીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. વળી, આ સ્ત્રીઓ સરળતાથી અને મોટા પાયે જાતીય સતામણીનો ભોગ બને છે. એટલે વિમેન્સ એસોસિયેશનો એવી પ્રબળ માંગણી કરી રહ્યાં છે કે આ કાયદા અંતર્ગત ઘરનોકર તરીકે કામ કરતી મહિલાઓનો સમાવેશ કરીને તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.

આ બિલનો થઈ શકે છે દુરુપયોગ

નિષ્ણાત કાયદાશાસ્ત્રીઓ માને છે કે, આ બિલનો દુરુપયોગ થવાની પણ ઘણી શક્યતાઓ રહેલી છે. જે સ્ત્રીને તેના બોસ કે કોઈ પુરુષ કર્મચારી સાથે ખટરાગ હોય, તે આ બિલનો દુરુપયોગ કરીને પુરુષ કર્મચારીને હેરાન કરી શકે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com