વડોદરા,તા.૨૩
ગત નવેમ્બર મહિના દરમિયાન રાજ્ય સ્તરે આયોજિત કરાયેલ ખેલમહાકુંભ દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા નીવડેલાં શહેરના રમતવીરોને પુરસ્કારની રકમના નાણાં ન મળતાં સત્તાધીશોના વલણના વિરોધમાં વિજેતારમતવીરોએ આજે રમત-ગમત અધિકારીની કચેરીએ હલ્લો બોલાવી રોષ પ્રર્દિશત કર્યો હતો.
- શહેરના ૧૮૬૦ વિજેતાઓને પુરસ્કાર પેટે ૪૫ લાખ ચૂકવવાના બાકી
સરકાર દ્વારા ગત નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્ય સ્તરે ખેલમહાકુંભ બીજાનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બન્યા બાદ રમતવીરો કાગડોળે પુરસ્કારની પ્રતીક્ષા કરી રહ્યાં હતા. પરંતુ આજદીન સુધી તેમને પુરસ્કાર મળ્યા ન હતા. જેના પગલે રોષે ભરાયેલા રમતવીરોએ આજે યુથ કોંગ્રેસના અગ્રણી ઋત્વીજ જોષીની આગેવાની હેઠળ નર્મદા ભવન સ્થિત જિલ્લા રમતગમત અધિકારીની ઓફિસ ખાતે હલ્લો બોલાવ્યો હતો. શહેરના ૧૮૬૦ વિજેતાઓને પુરસ્કાર પેટે ૪૫ લાખ ઉપરાંતની રકમ ચૂકવવાની બાકી છે.
દરમિયાન કોર્પોરેશનના સત્તાધીશોનો સંપર્ક કરતાં રમતગમત અધિકારીની કચેરીમાંથી વિજેતા રમતવીરોના નામની યાદી અપૂરતી મળી હતી. ખરા નામની યાદી વેળાસર ન મળતાં વિલંબ થયો હોવાનુ જાણવા મળ્યું હતું.