લંડન,તા. ૨૩
વિજ્ઞાનીઓ આઇનસ્ટાઇન, ન્યુટનની હરોળમાં આવી ગયા : રોયલ સોસાયટી
બેંગ્લુરુસ્થિત જીવવિજ્ઞાની ક્રિષ્નાસ્વામી વિજય રાઘવન અને લંડનની ઇમ્પિરિયલ કોલેજના પ્રોફેસર તેજિન્દરસિંહ વિરદી સહિત ભારતીય મૂળના, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ૬ વિજ્ઞાનીઓને બ્રિટનની અગ્રેસર સાયન્સ એકેડમી રોયલ સોસાયટીની પ્રતિષ્ઠિત ફેલોશિપ માટે પસંદ કરાયા છે.
આ સાથે જ રાઘવન અને તેજિન્દરસિંહ સહિતના વિજ્ઞાનીઓ આલ્બર્ટ આઈનસ્ટાઈન, આઇઝેક ન્યૂટન અને સ્ટીફન હોંકિંગ જેવા વિશ્વના સૌથી વિખ્યાત વિજ્ઞાનીઓની હરોળમાં આવી ગયા હોવાનું જણાવતાં રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ પોલ નર્સે ઉમેર્યું હતું કે, "આ વિજ્ઞાનીઓને ફેલોશિપ માટે પસંદ કરતાં હું હર્ષની લાગણી અનુભવું છું."
નોંધનીય છે કે રોયલ સોસાયટીની ફેલોશિપ માટે અત્યાર સુધીમાં પસંદ થયેલા વિજ્ઞાનીઓમાં નોબેલ પુરસ્કૃત ૮૦ વિજ્ઞાનીઓ પણ સામેલ છે. બેંગ્લુરુની તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સીસના ડિરેક્ટર પ્રોફેસર વિજય રાઘવનની ફેલોશિપ માટે પસંદગી ભારતીય જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે કરવામાં આવી છે જ્યારે પ્રોફેસર તેજિન્દરસિંહ વિરદીની પસંદગી લાર્જ હેડ્રોન કોલાઈડરમાં વિસ્તૃત સીએમએસ પ્રયોગની ડિઝાઈન તૈયાર કરવામાં શ્રેષ્ઠ કામગીરી માટે કરાઈ છે.
રોયલ સોસાયટીની પ્રતિષ્ઠિત ફેલોશિપ માટે પસંદ થયેલા ભારતીય મૂળના અન્ય વિજ્ઞાનીઓમાં યુનિર્વિસટી ઓફ બ્રિસ્ટલના સિન્થેટિક કેમિસ્ટ્રીના પ્રોફેસર વારિન્દરસિંહ અગ્રવાલ, કેમ્બ્રિજ યુનિર્વિસટીના મેડિકલ કેમિસ્ટ્રીના પ્રોફેસર શંકર બાલાસુબ્રમણ્યન, યુનિર્વિસટી ઓફ કેલિર્ફોનિયાના મેથેમેટિક્સના પ્રોફેસર ચંદ્રશેખર ખરે અને યુનિર્વિસટી ઓફ ટેક્સાસના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરનો સમાવેશ થાય છે.