નવસારી તા.૨૩
બીલીમોરા તલોધની સગીરાનું એક પરિણીત યુવકે અપહરણ કરી તેની ઇચ્છા વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં નવસારી કોર્ટે આરોપીને ૭ વર્ષની સાદી કેદની સજા અને રૂ, ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૨ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
આ કેસની હકીકત એવી છે કે મનોજ શંકર મકવાણા (રહે. મુળ સાદલીયા તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા) કેટલાંક વર્ષોથી બીલીમોરા નજીકના તલોધ ગામે સીંગલ ફળિયાના ઇન્દિરા નગરમાં રહેતો હતો. તે આજુબાજુના ગામોમાં જઇ કડિયાકામ કરતો હતો. તેની સાથે બીલામોરા માદન ફળિયામાં રહેતી સગીર વયની સ્વાતી (નામ બદલ્યું છે) પણ કડીયાકામ કરતી હતી અને મનોજના સંપર્કમાં આવી હતી. સગીરાએ પરિવારની આર્િથક પરિસ્થિતિ નબળી હોય પાંચમાં ધોરણ બાદ ભણવાનું છોડી દીધું હતું. આરોપી મનોજ પરિણીત હોવા છતાં સગીરાને ભોળવી પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. મનોજે તેણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ગત તા.૫-૧૦-૨૦૧૦ના રોજ સાંજે સગીરા માર્કેટમાં શાકભાજી શાકભાજી લેવા ગઇ હતી ત્યાંથી મનોજ સગીરાનું અપહરણ કરી ગયો હતો. મનોજ તેણીને બીલીમોરાથી ટ્રેન મારફતે અમદાવાદ અને ત્યાંથી તેના વતન ગામ રોઝડ, તા. પ્રાંતિજ, જિ.સાબરકાંઠા મામાને ત્યાં લઇ ગયો હતો. જ્યાં મનોજે તેણીની ઇચ્છા વિરુદ્ધ તેણી સાથે વારંવાર શારીરિક સબંધ બાંધ્યો હતો. જોકે આ દરમિયાન આરોપી મનોજ મકવાણાની પત્નિ સંગીતાબેનને પતિના કરતુતોની ગંધ આવી ગઇ હતી. જેથી તેણીએ સગીરાના પિતા તથા માતાને મનોજ તેમની પુત્રી સાથે રોઝડ ખાતે હોવાનું જણાવ્યું હતું. જેથી સગીરાના માતા-પિતા સગીર દિકરીને ભગાડી જનાર મનોજ મકવાણાના વતન રોઝડ પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મનોજને પોતાની પુત્રી અંગે પુછતાં તેણે બન્ને સાથે તકરાર કરી માર મારવાની ધમકી આપી મોકલી આપ્યા હતા. આ અંગે સગીરાના માતા-પિતાએ બીલીમોરા પોલીસમાં પોતાની સગીર પુત્રીના અપહરણ કરી તેના પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મનોજ મકવાણાને તેના વતન રોઝડથી ગત તા. ૨૦-૧૨-૨૦૧૦ના રોજ ધરપકડ કરી હતી.
ઉપરોકત કેસની અંતિમ સુનાવણી પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્શ જજ એમ એચ શાહની કોર્ટમાં થઇ હતી.જેમાં કોર્ટે પુરાવાના આધારે આરોપી મનોજ મકવાણા (ઉ.વ.૩૫)ને બળાત્કારના ગુનામાં ગુનેગાર ઠેરવી ૭ વર્ષની સાદી કેદ તેમજ રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૨ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.