અલ્પવિરામ - રાજેન્દ્ર રાવલ
એક દિવસ ખાનાની પત્ની પ્રસંગવસાત્ ચાર પાંચ દિવસ બાળકોને લઈને પિયર ગઈ એટલે ખાનાને તક મળી, ખાનો શહેરમાં ગયો, સાથે રુક્મિણીને પણ લઈ ગયો અને કોર્ટમાં રુક્મિણી સાથે લગન કરી લીધાં
એદિવસે ગામ આખુંય વિસ્મયમાં ગરકાવ હતું. રાત્રે ગામની પંચાયત મળવાની હતી. જેમાં ગામ સિવાય બહારનો કોઈ એક શખ્સ જાણેઅજાણે પણ હાજર રહે નહીં તેની કાળજી રાખવામાં આવી હતી. ખાસ કરીને મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ પ્રચાર માધ્યમો કેમેરાનાં નાળચાં લઈને ગામમાં ઘૂસે નહીં તેની સખત કાળજી લેવામાં આવી હતી. ગામના દરેક પરિવારને એ વાતની કડક ચેતવણી આપવામાં આવેલી કે આજે ગામની પંચાયત મળવાની છે તેની ખબર બહાર પહોંચી તો જવાબદારી આખા ગામની ગણવામાં આવશે, દેવ દેવીઓના સોગંદ ખવડાવીને ગામ કબજે કરાયું હતું.
ગામડાંના લોકોને ભારે ઉત્કંઠા હતી. આવું તે થતું હશે. લાજ શરમ જેવું... એ પૂરું બોલે તે પહેલાં બીજાએ કહ્યું, ચૂપ મર. .. આખા ગામના માથે જવાબદારી છે. કોઈ સહજ, ખાનગીમાં પણ વાત કરે તો વાતને અટકાવી દેવાની ગોઠવણી પંચાયતના મૂછ્છડોએ કરી હતી. દર માસે મળતી પંચાયત કરતાં આજે કંઈક વિશેષ હતું...
સહેજ પણ અન્યાય કે એકતરફી નિર્ણય થાય તો પંચોની પોલ ખૂલી જાય તેવા વિકટ પ્રશ્ન અંગે પંચો શું રસ્તો પકડશે. કેવો નિર્ણય કરશે. અંદરોઅંદર મૂંગા માણસો મૂછોમાં મલકતા હતા.
કાળી ભમ્મર રાતનાં એક તરફ પગરણ મંડાઈ રહ્યાં હતાં. બીજી તરફ ગામમાં પંચાયત માટે પાગરણ પથરાઈ રહ્યાં હતાં. લોકો પંચાયતને સાંભળવા એક પછી એક ગોઠવાઈ રહ્યા હતા. આગલી હરોળમાં પંચાતિયાઓ ગોઠવાઈ ગયા.
એક માણસ ઊભો થઈને બોલ્યો
કાળી અને તેના ધણી ખાનાને બોલાવો.
પંચનો હુકમ થતાં ફરિયાદી કાળી અને તેનો પતિ ખાનો સભાની કોરાણે આવીને ઊભાં રહ્યાં. તેમની આંગળીએ બે નાનાં બાળકો હતાં, સભા આગળ ચાલી, બીજાએ કહ્યું, રુક્મિણી અને લાલાને બોલાવો. રુક્મિણી અને લાલો પણ બે હાથ જોડી સભા સામે ગોઠવાયાં. પંચાયતે તેની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં સ્થાનિક લોકબોલીમાં કહ્યું, બોલ, ભઈ હવે પંસાત વાંક ગના ઉકેલવા હચું કરે? બધાએ કહ્યું હો... હો...
મુખ્ય પંચાતિયો બોલ્યો : એક વાર નક્કી થઈ જાય તે હૌને મંજૂર.. ફરી વખત હોવ.. હોવ... થઈ ગયું. તો પછ, કાળિયા બાવજીની હાખે કોમ, હરૂ કરીએ છીએ?
ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને પંચાયતે કોર્ટ શરૂ કરી.
ફરિયાદ કાલીની હતી, તેનો પતિ ખાનો બેશરમ થયો છે. કાલી અને ખાનાનું લગ્ન ૬ વર્ષ પહેલાં જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયેલું. લગ્નજીવન દરમિયાન કાલીએ બે પુત્રોને જન્મ આપ્યો હતો. બંને ખૂબ સુખીથી જીવતાં હતાં. પડોશમાં રહેતી રુક્મિણી અને તેના પતિ લાલા સામે કાળીએ પંચો સમક્ષ ફરિયાદ કરી છે. રુક્મિણી અને લાલાને બાળક નથી. છેલ્લાં દસ વર્ષથી આ બંને પતિ-પત્ની પણ પ્રેમથી જીવન જીવે છે. રુક્મિણી અને કાળીદેવીનાં મકાન અગલબગલમાં છે. આ બંને પરિવાર એકબીજાના સારા પાડોશી છે. સુખ દુઃખનો ભાગીદાર ખાનો રુક્મિણીને ઘેર જતો આવતો, બોલવામાં વાચાળ અને બે બાળકોનો પિતા એટલે લાલો પણ પ્રેમથી ખાનાને બોલાવતો. ખાનો કામ ધંધે જાય એટલે લાલાભાઈ રુક્મિણી ભાભીને મળતા. વારંવાર બંને વચ્ચે લાગણી જન્મી અને પ્રેમ થઈ ગયો. આ વાત લોકોને ખબર પડી એટલે ગામડાંના લોકોએ લાલિયો લપટાયો હોવાની વાતો શરૂ કરી.
એક દિવસ રુક્મિણીએ ખાનાને તેનાં બચ્ચાં સાથે પોતાના ઘરે આવવા કહ્યું. બીજી વાર રુક્મિણીએ ખાનાને તેના ઘરે રોકાઈ જવા કહ્યું. બંને વચ્ચે દિલોજાન જેવું થયું. ગામની પરણેતર બગડી છે તેવી વાતો ઠેર ઠેર શરૂ થઈ. બન્યું એવું કે એક દિવસ ખાનાની પત્ની પ્રસંગવસાત્ ચાર પાંચ દિવસ બાળકોને લઈને પિયર ગઈ એટલે ખાનાને તક મળી, ખાનો શહેરમાં ગયો, સાથે રુક્મિણીને પણ લઈ ગયો અને કોર્ટમાં રુક્મિણી સાથે લગન કરી લીધાં ખાનીયો તેનાં બે બાળકો અને પત્ની કાળીને રખડતી મૂકીને રુક્મિણી સાથે પરણી ગયો. આ વાતની ખબર જ્યારે રુક્મિણીના પતિ લાલિયાને પડી ત્યારે ભારે થઈ...
ધીંગાણું મચ્યું. વાત લગ્ન કેમ કર્યું તેની હતી નહીં. ગામનો માણસ થઈને કોરટમાં કેમ ગયો? પંચાયતે પણ ખાનાનો ઉધડો લીધો અને આખરે આ વાત પંચાયત દ્વારા જ ઉકેલવાનું નક્કી થયું. કાળી ફરિયાદી થઈને પંચો સમક્ષ હાજર છે. નિઃસંતાન રુક્મિણી અને તેનો પૂર્વ પતિ લાલો પણ સભામાં હાજર છે.
હવે શું?
લાલિયો તો રુક્મિણી સાથે પરણી ગયો?
ગામડાંની પ્રજા આજે પણ પંચોના ન્યાય ઉપર ભરોસો રાખે છે અને પંચાયતે નિર્ણય કર્યો.
કાળી હવે તું આજથી લાલાની વહુ અને રુક્મિણી તું ખાનાની.
અને સાંભળ તારે બાળક નથી, કાળી, તારાં બે બાળકો છે. એક તારી પાસે રહેશે અને બીજું રુક્મિણીને આપવાનું રહેશે.
પંચોની હાજરીમાં પતિઓને પત્નીઓ બદલી આપવામાં આવી, બાળકોની વહેંચણી થઈ. આ ઘટનાની જ્યારે ખબર પડી ત્યારે વહીવટીતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રચાર માધ્યમો અને મહિલા મંડળોને માથે આભ તૂટી પડયું હોય તેવું થયું.
પણ બદલાયેલાં પતિ-પત્ની હિંમતથી કહે છે કે અમે ખુશ છીએ.
આ વાત ખાનગીમાં પતિ અને પત્નીઓ બદલતા મોડર્ન સેલિબ્રિટીઓની નથી, બિહારના કટિહાર જિલ્લાના કુસેલા ગામમાં બનેલી આ ઘટનાએ ગામ આખાને દેશમાં મશહૂર કરી દીધું છે.
જ્યાં પુરુષો પત્નીઓ પણ બદલે છે માટે.
rajendrarvl@gmail.com