બેટલ ગ્રાઉન્ડ - ચિંતન બુચ
લંડન ઓલિમ્પિક્સ માટે ભારતના ૧૫૪થી વધુ એથ્લેટ્સ ક્વોલિફાઇ થઇ ચૂક્યા છે અને આ આંકમાં હજુ વધારો થઇ શકે છે, જોકે, આ ૧૫૪ એથ્લેટ્સની યાદીમાં એકેય ગુજરાતી જોવા મળશે નહીં. આર્થિક વિકાસ, ઉદ્યોગ વિકાસની વાત કરીએ તો ગુજરાત દેશના મોખરાના રાજ્યમાં સ્થાન સંભાળે છે, પરંતુ વાત સ્પોર્ટ્સની કરવામાં આવે તો આપણે આ યાદીમાં છેક છેલ્લેથી જોવાની શરૂઆત કરવી પડે
લંડન ઓલિમ્પિક્સને આડે બરાબર ત્રણ મહિનાનો સમય બાકી રહ્યો છે. ૨૭ જુલાઇથી રમતના મહાકુંભનો પ્રારંભ થશે. અગાઉ યોજાયેલી અને આ વખતની ઓલિમ્પિક્સ વચ્ચે એક સમાનતા છે. અગાઉની ઓલિમ્પિક્સ માફક આ વખતે પણ એકેય ગુજરાતી રમતના મહોત્સવમાં ભાગ લઇ રહ્યો નથી. લંડન ઓલિમ્પિક્સ માટે ભારતના ૧૫૪થી વધુ એથ્લેટ્સ ક્વોલિફાઇ થઇ ચૂક્યા છે અને આ આંકમાં હજુ વધારો થઇ શકે છે, જોકે, આ ૧૫૪ એથ્લેટ્સની યાદીમાં એકેય ગુજરાતી જોવા મળશે નહીં. આર્થિક વિકાસ, ઉદ્યોગ વિકાસની વાત કરીએ તો ગુજરાત દેશના મોખરાના રાજ્યમાં સ્થાન સંભાળે છે, પરંતુ વાત સ્પોર્ટ્સની કરવામાં આવે તો આપણે આ યાદીમાં છેક છેલ્લેથી જોવાની શરૂઆત કરવી પડે. આણંદની શૂટર લજ્જા ગોસ્વામી અને સાબરકાંઠાના દોડવીર બાબુભાઇ પણોચા સહેજ માટે લંડન ઓલિમ્પિક્સની ટિકિટ મેળવવાથી ચૂકી ગયાં. આ બંને પ્રતિભાશાળી એથ્લેટ્સનો ઓલિમ્પિક્સના સંભવિતોમાં સમાવેશ થવો એ પણ આપણા માટે એક રીતે 'સિદ્ધિ' જ કહી શકાય. આખરે એવું તે કયું કારણ છે કે આપણે આવી 'સિદ્ધિ'થી જ સંતોષ માનીને બેસી જવું પડે છે? ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે ક્વોલિફાઇ થવાનું તો દૂર પણ આપણે નેશનલ ગેમ્સમાં માંડ ગણ્યાગાંઠયા મેડલ જીતી શકીએ છીએ. આંતરારષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં જેવી ભારતની હાલત છે તેવી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની જોવા મળશે. ગુજરાતને જે સ્પોર્ટ્સમાં વારંવાર નિષ્ફળતા હાથ લાગે છે તેનાં કેટલાંક કારણ આ કહી શકાય...
માળખાગત સવલતને નામે મીંડું
અભ્યાસ, નોકરી કે સ્પોર્ટ્સ કંઇ પણ હોય ઓછામાં ઓછી માળખાગત સવલત ખૂબ જ જરૂરી છે, હવે કોઇ બાળકને નોટ-પેન, પુસ્તક આપો નહીં અને છતાં તેની પાસેથી સ્કૂલમાં નંબર-વન આવવાની આશા રાખો તો તમારાં અરમાન કદી હકીકતમાં પરિણમવાનાં નથી. સ્પોર્ટ્સમાં આપણે ત્યાં માળખાગત સવલતને નામે મીંડું જોવા મળે છે. રાજ્યભરમાં ફૂટબોલ, હોકી જેવી રમત માટે રાષ્ટ્રીય સ્તરનાં પણ ગ્રાઉન્ડ માંડ બે-ત્રણ શહેરમાં જોવા મળી શકે. શૂટિંગ શીખવા કે તેની પ્રેક્ટિસ કરવા માટે પ્રાઇવેટ ક્લબ્સ ઉપર જ મદાર રાખવો પડે છે. એથ્લેટિક્સ માટે આપણી પાસે જે ટ્રેક છે તે ઊબડખાબડ છે, બીજી તરફ મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યમાં એથ્લેટ્સને માળખાગત સવલતમાં કોઇ કચાશ રહે નહીં તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આપણે ત્યાં દર વર્ષે રાજ્યના બજેટમાં સ્પોર્ટ્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાની જાહેરાત કરવામાં આવે છે. આ રૂપિયા આખરે જાય છે ક્યાં તેની તપાસ થવી જોઇએ. એક ખૂબ જ જૂની જોક છે કે એક વાર પરોપકારી નેતાએ દુષ્કાળગ્રસ્ત પ્રત્યેક ગામવાસીને ૧ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું. આ ૧ હજાર રૂપિયા જ્યારે ગ્રામવાસીઓ સુધી પહોંચ્યા તો તે માત્ર ૧૦૦ રૂપિયા થઇ ગયા હતા. ટૂંકમાં કહીએ તો માળખાગત સવલત પૂરી નહીં પાડવામાં આવે ત્યાં સુધી ઓલિમ્પિક્સમાં ગુજરાતી નહીં જ જોવા મળે.
પ્રોત્સાહનનો અભાવ
આ મુદ્દાની શરૂઆત સૌપ્રથમ તો આપણાં ઘરમાંથી થાય છે. કોઇ બાળક ક્રિકેટ સિવાય અન્ય રમતના કોચિંગમાં જવાનું કહે તો તેને શરૂઆતમાં વાલીની લાલ આંખનો જ સામનો કરવો પડશે અને જવાબ મળશે કે 'ઉચ્ચ શિક્ષણ વિના ઊજળું ભવિષ્ય બની શકે નહીં. ટાઇમપાસ માટે કોઇ રમત શીખવી જ હોય તો ક્રિકેટ શીખ.' માની લઇએ કે હવે એ બાળક પોતાનાં માતા-પિતાને મનાવવામાં સફળ રહ્યું અને તે રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બની પણ ગયો તો બીજી સમસ્યા પેદા થશે, એ જ્યાં નોકરી કરતો હશે ત્યાં તે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જવા પોતાના બોસ પાસે રજા માગવા જશે તો તેને મોટાભાગના કિસ્સામાં ઇનકારનો સામનો કરવો પડે છે. ઘણી વાર આ માટે કપાતે પગારે પણ રજા મળે છે, આ ઉપરાંત કોઇ એથ્લેટ્ રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતે તેના થોડા જ દિવસમાં તેને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવો જોઇએ. લજ્જા ગોસ્વામીએ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તેનાં ત્રણ સપ્તાહ કરતાં વધુ સમય બાદ તેનું સન્માન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ગુજરાતના ભૂતપૂર્વ રણજી ક્રિકેટરોને પેન્શન આપવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા રાજ્યના સ્પોર્ટ્સપર્સનનો ભાવ પણ પુછાતો નથી. ઘણા સમયથી સુધી ભારતની વિમેન્સ હોકી ટીમમાં ગોલકીપરની ભૂમિકા અદા કરનારી દીપિકા ર્મૂિત મૂળ ગુજરાતની છે, પરંતુ ગુજરાતમાં પ્રોત્સાહન નહીં મળતાં તેણે રેલવે માટે રમવાનું શરૂ કર્યું જ્યાં તેને નોકરી પણ અપાઇ. સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવનારને નોકરીમાં પ્રથમ તક આપવામાં આવે તેવી જોગવાઇનો યોગ્ય રીતે અમલ થવો જોઇએ.
બ્લૂ પ્રિન્ટ? એ વળી શું?
એક રૂમનું ઘર બનાવવું હોય તો તેના માટે પણ બ્લૂ પ્રિન્ટ જોઇએ, હવે અહીં આપણે સ્પોર્ટ્સમાં સુપર પાવર બનવાનું તો બ્લૂ પ્રિન્ટ વિના વિચારી પણ શકીએ નહીં. આગામી એક વર્ષમાં આપણે નેશનલ ગેમ્સમાં કઈ રીતે સૌથી વધુ મેડલ જીતીશું? કયા કોચની કેટલા પગાર સાથે નિમણૂક કરીશું? જે-તે રમતમાં એથ્લેટ્સનો ડાયટ પ્લાન કેવો રહેશે? ગ્રાઉન્ડ, આધુનિક સાધન માટે કેટલા રૂપિયા ખર્ચીશું? આ તમામ બાબતનું યોગ્ય રીતે આયોજન થવું ખૂબ જ જરૂરી છે.
સ્પોર્ટ્સ ઇન્સ્ટિટયૂટ
આપણે ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત બંને છે. અલબત્ત, તેમાં રમત કરતાં રાજકારણ વધુ ખેલાતું જોવા મળશે. આપણે ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ગુજરાત સિવાયનાં અન્ય રાજ્યના એથ્લેટ્સ વધુ જોવા મળશે. રાજ્યમાં ઓછામાં ઓછી સાતથી આઠ સ્પોર્ટ્સ ઇન્સ્ટિટયૂટ શરૂ કરવી જોઇએ, જેમાં યુવા સ્પોર્ટ્સપર્સનને ૭૦ ટકા સ્પોર્ટ્સના અને ૩૦ ટકા ભણવાના અમુક પાયાના પાઠ શીખવવામાં આવે. આ ઇન્સ્ટિટયૂટમાં તમામ પ્રકારની આધુનિક સવલત હોય તે પણ ખૂબ જ જરૂરી છે.
એસોસિયેશનમાં અડિંગો
આપણે ત્યાં મોટાભાગનાં એસોસિયેશનમાં પ્રમુખ, સેક્રેટરી જેવા હોદ્દા પર
અધિકારીઓ વર્ષોથી આરૂઢ થઇ ગયા છે. આ એસોસિયેશનના અધિકારીઓ વાર્ષિક ગ્રાન્ટનું શું કરે છે તે અંગે યોગ્ય ઓડિટ થવું જોઇએ. આ ઉપરાંત નોનપર્ફોમિંર્ગ એસોસિયેશનના હોદ્દેદારને તાકીદે પાણીચું પકડાવી દેવાની જરૂર છે. ટૂંકમાં કહીએ તો 'પર્ફોર્મ ઔર પેરિશ.' ઘણા કિસ્સામાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારો મહેનત વડે પોતાની રમતનો વિકાસ કરવા માગતા હોય છે પણ વાર્ષિક પાંચથી ૧૦ હજારની ગ્રાન્ટમાં તેમના હાથ બંધાઇ જાય છે. દરેક એસોસિયેશનને તેની જરૂરિયાત અનુસાર ગ્રાન્ટમાં વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની જ છે.
chintan_buch@yahoo.com