મુંબઈ : ૨૪ એપ્રિલ ૨૦૧૨
પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) નામની સંસ્થા તેની વિવિધ જાહેરખબરોમાં અભિનેતા, અભિનેત્રીઓ અને મોડેલોને જૂજ વસ્ત્રોમાં ચમકાવવા માટે જાણીતી છે. હવે 'પેટા'એ તેના કોઇ અભિયાન માટે પોર્ન સ્ટાર સની લિયોનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરતા લોકોના રોષનું ભોગ બનવું પડયું છે.
'પેટા'ના ફેસબુક પેજ પર વિરલ શાહ નામની વ્યક્તિએ લખ્યું છે કે, “આ પ્રકારના 'પેટા'ના અભિયાન કરતા મોટા ભાગના સેલિબ્રિટીનો હેતુ સ્વ-પ્રસિદ્ધિ હોય છે, નહીં કે પ્રાણીઓને બચાવવાનો. આવી જાહેરખબરોથી તેમને એક્સપોઝર મળે છે.”
રાશિ નામની એક યુવતી લખે છે કે, “મને નથી લાગતું કે, તે શાકાહારી હોય. શું તમને લાગે છે?” ગૌરવ બાફના નામનો યુવક લખે છે કે, “આપણે કોઇ સારું કામ પ્રેરણાદાયી વ્યક્તિ સાથે કરી શકતા હોઇએ તો પોર્ન સ્ટારને સાઇન કરવી કેટલી યોગ્ય છે?
ભારતમાં 'પેટા' માટે રાખી સાવંત, ર્શિલન ચોપરા, વીણા મલિક, ગૌહર-નિગારખાન અને બિગ બોસ ફેમ પૂજા મિશ્રા નામની વિવાદાસ્પદ સેલિબ્રિટી મોડેલિંગ કરે છે. આ અંગે 'પેટા' ઇન્ડિયાના ચીફ પૂર્વી જોશીપુરા કહે છે કે, “જો કોઇ પ્રાણીઓને બચાવવા સમય ફાળવતું હોય તો તે સારી વાત છે. આખું ભારત બિગ બોસના પાર્ટીસિપેન્ટનું ચાહક છે. અમે એનિમલ લવર હોય એવી સેલિબ્રિટીને જ સાઇન કરીએ છીએ. તેઓ વ્યસ્ત હોવા છતાં આ કામ કરે છે. સની લિયોન અને તેના બોયફ્રેન્ડ ડેનિયલે બે ડોગને બચાવીને ઘરમાં રાખ્યા છે.”