વલસાડ, તા. ૨૪
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇને સંભવિત કુદરતી આફતો વખતે રાહત અને બચાવ અંગે કેવા પગલાં લઇ શકાય એ માટેના પૂર્વ આયોજન અર્થે વલસાડ જિલ્લા કલેકટર એલ.સી.પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટર એલ.સી.પટેલે ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને કોઇપણ સંભવિત કુદરતી આફતો વખતે કોઇ ત્રુટી ન રહી જાય એ અંગે સમગ્ર વહીવટી તંત્રને ફુલ પ્રુફ આગોતરું આયોજન કરવા તથા તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા માંગવામાં આવતી તમામ પ્રકારની માહિતી સંબંધિત વિભાગે સત્વરે ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુદરત આગળ સૌ કોઇ લાચાર છે, કુદરતી આફતોને આવતી અટકાવી શકાય તેમ નથી તેમ છતાં આવી કોઇ પણ આપત્તિ વખતે કેવા પ્રકારના પગલાં લઇ શકાય તેનું આગોતરું આયોજન જો કરવામાં આવે તો આવી આફતો સમયે થનારા જાન માલના નુકસાનમાંથી બચી શકાય તેમ છે. દરેક વિભાગે તેમના ખાતાનો ઇમર્જન્સી પ્લાન તૈયાર કરી સંબંધિત વિભાગને સુપરત કરવા તેમણે તાકીદ કરી હતી. બેઠકનું સંચાલન ડિઝાસ્ટર મામલતદાર કે.એચ. પરમારે કર્યું હતું.