ન્યૂ યોર્ક, તા. ૨૪
કંપનીના રૂ. ૨૫,૦૦૦ કરોડના આગામી ઇશ્યૂ માટે રોકાણકારો ચિંતિત
ફેસબુક ૧૦૦ અબજ ડોલરની કંપની બનવા અગ્રેસર
વિશ્વની બીજાક્રમનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક ફેસબુકનો વૃદ્ધિદર ઝડપથી ઘટી જતાં રોકાણકારોને શેરબજારમાં તેના પ્રવેશ સામે ચિંતા ઊભી થઇ છે. આગામી પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરવા સામે તેઓ ખચકાટ અનુભવે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. જેના કારણે આ ઇશ્યૂની સફળતા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. માર્ચમાં પૂરા થયેલાં ત્રણ મહિનામાં કંપનીની આવક છ ટકા ઘટીને ૧.૦૬ અબજ ડોલરે પહોંચી છે.
ફેસબુકની આવક બે વર્ષમાં પહેલી વખત ઘટી છે. કોઇપણ નેટ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ પહેલાં જ તેની કામગીરી નબળી પડતાં રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળે છે. તેના ઇશ્યૂનું કદ આશરે રૂ. ૨૫,૦૦૦ કરોડ (પાંચ અબજ ડોલર)નું છે. એ પછી કંપનીનું મૂલ્ય ૧૦૦ અબજ ડોલરે પહોંચી શકે છે.
એસઆઇસીએ વેલ્થ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જેફ સિકાએ જણાવ્યું હતું કે "પબ્લિક માર્કેટની ઊંચી મહત્ત્વાકાંક્ષાને પહોંચી વળવા માટે હાલનો સમય ફેસબુક માટે સહેલો નથી. તેના માટે ચડાણ કપરું છું. લોકો તેના ઇશ્યૂને કેવીરીતે જુએ છે તેના પર પણ તેનો ઘણો આધાર છે. તેના વૃદ્ધિ દરની ચિંતાઓને કારણે રોકાણકારો તેને લાંબા સમય સુધી જાળવી શકે તેમ નથી.
જે કોઇ પણ ઇશ્યૂ માટે વધુ પડતી અપેક્ષાઓ હોય છે તે સફળ થવા સામે ચિંતાઓ પણ એટલી હોય છે. ૨૦૦૪માં હાર્વર્ડ યુનિર્વિસટીમાં માર્ક ઝુકરબર્ગ દ્વારા સ્થાપવામાં આવેલી કંપની પહેલાં ત્રણ મહિનામાં ૯૦ કરોડ માસિક સક્રિય યૂઝર્સની સપાટી વટાવી ગઇ છે. છેલ્લાં ૧૨ મહિનામાં તેના કર્મચારીઓની સંખ્યા ૧,૧૦૦થી વધીને ૩,૫૩૯ થઇ છે.
ફેસબુકે જણાવ્યું છે કે તેની આવકનો સૌથી મહત્ત્વનો ભાગ એડવર્ટાઇઝિંગની આવકમાં વર્ષમાં પહેલાં ત્રણ મહિનામાં જંગી ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૦ પછી પહેલી વખત કંપનીની ત્રિમાસિક આવક ઘટી છે.
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે આ થવાનું જ હતું. તમારે મંદી જોવાની છે. તમારો વ્યાપ વધે ત્યારે આવકમાં વધુ પડતો વૃદ્ધિ દર હાંસલ થઇ શકતો નથી. એ ઉપરાંત ફેસબુક ભારત, ફિલીપાઇન્સ અને બ્રાઝિલ જેવા જે દેશોમાં ઝડપથી વદ્ધિ દર હાંસલ કરી રહી છે તેમાં વધુ નાણાં એકત્ર કરવા માટે પૂરતી તૈયારી કરી નથી. આંતરરાષ્ટ્રીય બજારોમાં હજુ પણ જોઇએ તેટલી પ્રગતિ તેણે સાધી નથી. જ્યારે ગૂગલ જેવી કંપનીએ આ કામગીરી ઘણી સારી રીતે કરી રહી છે.