મુંબઈ 25, એપ્રિલ
બોલિવૂડ એક્ટર આમિર ખાન પોતાના કામની સાથે પોતાનો વાયદો પૂરો કરવામાં પણ માહેર છે. એક રિક્ષાવાળાને અઢી વર્ષથી આપેલાં વચનને પૂરું કરવા આમિર ખાન ગુરુવારે બનારસ રિક્ષાવાળાનાં ઘરે જશે.
ડિસેમ્બર 2009માં આમિર ખાન પોતાની ફિલ્મ '3 ઈડિયટ્સ' નાં પ્રોમો માટે બનારસ ગયાં હતાં. તે સમયે તેઓ ત્રણ દિવસ સુધી રામલખન નામનાં રિક્ષાચાલકની રિક્ષામાં વૃદ્ધનો વેશ કરી ફર્યાં હતાં. રામલખનને ત્રીજા દિવસે ખબર પડી હતી કે તેમની રિક્ષામાં બેસેલ આમિર ખાન છે. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. વાતવાતમાં રામલખને પોતાના દીકરાનાં લગ્નમાં આવવા માટે આમિર ખાનને આમંત્રણ પણ આપ્યું હતું.
જો કે ત્યાંથી નીકળી ગયા બાદ રામલખન પોતાના દીકરાનાં લગ્નનું આમંત્રણ આપવા માટે આમિર ખાનનાં ઘરે મુંબઈ પહોંચ્યાં હતાં. આમિર ખાને રામલખનને પોતાની પત્ની કિરણ રાવ અને પુત્ર સાથે મુલાકાત પણ કરાવી હતી. રામલખન માટે તો આ વાત કોઈ સ્વપ્ન સમાન હતી. તે સમયે તો આમિર ખાને કહ્યું હતું કે તેઓ 25મી એપ્રિલે અમેરિકામાં શુટ કરી રહ્યાં છે, પરંતુ જ્યારે તે પોતાના ઘર બનારસ પરત ફર્યો ત્યારે તેનાં પર આમિર ખાનનો ફોન આવ્યો હતો કે તે તેનાં ત્યાં લગ્નમાં હાજરી આપશે. હાલમાં આમિર ખાન પોતાના ટીવી શૉ માં પટના ખાતે શુટિંગમાં વ્યસ્ત છે અને ત્યાથી તે બનારસ જશે.