ખેરોલ તા.૨૫
પ્રાંતિજ તાલુકાના કાટવાડની સીમમાંથી બે દેશી દારૂની ધમધમતી હાટડીઓ ઉપર પ્રાંતિજ પોલિસે બાતમીના આધારે છાપો મારી ૯૨૦ લિટર જેટલો દેશી દારૂ બનાવવાના વૉશ સાથે કુલ રૂ.૪૯૨૦નો મુદ્દામાલ જપ્ત કરી દેશી દારૂની હાટડી ચલાવતા ભાગી છૂંટેલ આરોપીઓ વિરૂધ્ધ ગુનોં નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
- રૂ. ૪૯૨૦નો મુદ્દામાલ જપ્ત : આરોપી ફરાર
પ્રાંતિજ તાલુકાના કાટવાડની સીમમાં અને સેજીપુર પંથકમાં ચાલતા ગેરકાયેદસર દેશી દારૂના વેચાણ અંગે પોલિસ સુત્રોને મળેલી બાતમીને આધારે પ્રાંતિજ પોલિસ સ્ટેશનના પી.આઈ એસ.પી.કહારના માર્ગદર્શન હેઠળ એક પોલિસ કર્મીઓની ટુકડી બનાવી પી.એસ.આઈ આર.કે ચૌહાણ,એએસઆઈ મહેન્દ્રસિંહ તથા અ.હે.કો.માનસિંહ ઝાલા મળી ઘટના સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ગેરકાયદેસર ચાલતી દારૂની ભઠ્ઠી ઉપરથી ૯૦૦ લિટર જેટલો દેશી દારૂ બનાવવાનો વૉશ જેની કિંમત રૂ.૪૫૦૦ તથા દેશી દારૂ ૧ લિટર જેની કિંમત રૂ.૨૦ મળી કુલ ૪૫૨૦ રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી દેશી દારૂની ભઠ્ઠીનો ફરાર બુટલેગર ભીખાજી ફતાજી મકવાણા (રહે.સલાલ કેનાલ પાસે) વિરૂધ્ધ ગુનોં નોંધવામાં આવ્યો છે.
જ્યારે બીજા બનાવમાં સેજીપુર પંથકના ખેતરમાં પ્લાસ્ટીકના કેનમાં ભરીને દેશી દારૂનું વેચાણ કરતાં ટીનો ઉર્ફે ભૂપેન્દ્રસિંહ સરદારસિંહ રહે.સેજીપુરના ખેતરમાંથી પણ બાતમીના આધારે ઉપરોક્ત પોલિસ ટુકડીએ છાપો મારી વીસ લિટર દેશી દારૂ જેની કિંમત રૂ.૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ તપાસ હાથ ધરી હોવાનું માહિતી આપતા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આવી ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ તાલુકાના ગામડે ગામડે ધમધમી રહી હોઈ પ્રાંતિજ પોલિસ વધુ કડકડાઈ અપનાવી યુવાધનને બરબાદ કરતી દેશી દારૂની ચાલતી ભઠ્ઠીઓ સદંતર બંધ કરાવી દેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. પ્રાંતિજ તાલુકાના કાટવાડ અને સેજીપુર પંથકમાં પ્રાંતિજ પોલિસે છાપો માર્યાના સમાચાર સમગ્ર તાલુકામાં પ્રસરી જતાં દેશી દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.