બાયડ, તા.૨૫
આગામી વિધાનસભા ચૂંટણી નવા વોર્ડ સીમાંકન પ્રમાણે યોજાવાની છે જેથી મુખ્ય રાજકીય પક્ષો અને રાજકીય પંડીતોના ગણિત ખોટા પડવાની સંભાવના વધી ગઈ છે. ચૂંટણીપંચે શહેરી વિસ્તારોમાં ૧૪૦૦ મતદારો અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ર૦૦ મતદાન મથકો ઉભાં કરવાનો નિર્ણય કરતાં સાબરકાંઠામાં પ૬ નવાં મતદાન મથકો ૭ વિધાનસભા બેઠકમાં ઉભા કરાશે જેમાં મોડાસા વિધાનસભામાં સૌથી વધુ ર૦ નવાં મતદાન મથકો ઉભાં થનાર હોવાનું જાણવા મળેલ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાના ૧૪,૮૧,૪૩પ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
- સૌથી વધુ મોડાસા વિધાનસભામાં નવાં ર૦ મતદાન મથકો બનશે
નવાં વોર્ડ સીમાંકન પ્રમાણે અગાઉની લોકસભા ચૂંટણી યોજાતાં બંન્ને વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોએ પરંપરાગત જાળવી રાખેલી સીટો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો અને હવે આગામી નવાં વોર્ડ સીમાંકન પ્રમાણે ચૂંટણી યોજવાનો રાષ્ટ્રીય ચૂંટણીપંચે નિર્ણય લીધો છે અને તમામ કલેક્ટરોની બેઠક પણ યોજી હતી જેમાં મતદાર યાદી અને મતદાન મથકોના પુનઃગઠન અંગે રાજકીય પક્ષોના આગેવાનો સાથે પરામર્શ કરવા પણ જણાવી દેવાયું છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે બાબતે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં નવાં વોર્ડ સીમાંકન પ્રમાણે મેઘરજ વિધાનસભા સીટ રદ થઈ છે અને હવે જિલ્લાનું પ્રતિનિધિત્વ માત્ર ૭ ધારાસભ્યો કરનારા હોવાથી નવા વોર્ડ સીમાંકનમાં મુખ્ય રાજકીય પક્ષોએ ભારે સાવધાનીથી પોતાના ઉમેદવારો ઉભા રાખવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન પ્રમાણે નવા મતદાન મથકો ઉભા કરવાનું સૂચવાયું છે તે જોતાં જિલ્લામાં નવી ગાઈડ લાઈન પ્રમાણે પ૬ મતદાન મથકો ઉભા કરવા પડશે. જિલ્લામાં હાલ ૭ વિધાનસભા બેઠક માટે ર૦૪૮ મતદાન મથકો હતા તેમાં પ૬ નવા મતદાન મથકોનો ઉમેરો થશે. નવા મતદાન મથકો ઉભા કરતા અગાઉ આગેવાનોની બેઠક બોલાવી તેમાં પરામર્શ થનાર હોવાનું પણ જાણવા મળ્યું છે અને રાજકીય પક્ષોના આગેવાનીની બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ટૂંકમાં જ મળનાર હોવાનું જાણવા મળેલ છે.