વોશિગ્ટન,તા. ૨૫
ભારતમાં કોમ્યુનિટી કોલેજોની શરૂઆતને ટેકો
અમેરિકાએ હાલમાં પ્રવર્તી રહેલી અનેક ગૂંચવણને દૂર કરી આજે ખુલાસો કર્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા જારી કરવા માટેની તેની નીતિમાં કોઇ ફેરફાર કરાયો નથી. વિઝા નીતિમાં ફેરફાર અંગેના અહેવાલ પાયાવગરના છે. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રાલયના પ્રવકતા વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું હતું કે અમે અરજદારોની જે રીતે મૂલાકાત લઈએ છીએ તે અમારી નીતિમાં કોઇ ફેરફાર કર્યો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકાની શૈક્ષણિક સંસ્થાઓનું કહેવું છે કે તેમના ત્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે આવે છે. અમે માત્ર તેમના આ નિવેદનની ખાતરી કરીએ છીએ. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં આવનાર વિદ્યાર્થીઓ માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપે તે વધુ મહત્ત્વનું છે. થોડા સમય અગાઉ એવા મામલા સપાટી પર આવ્યા હતા જેમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ અમેરિકામાં નોકરી કરતા હતા. તેથી સરકાર હવે આ બાબતની વિશેષ કાળજી રાખી રહી છે.
નુલેન્ડે અમેરિકાની જેમ ભારતમાં પણ શરૂ થઈ રહેલી કોમ્યુનિટી કોલેજોની પહેલને ટેકો આપ્યો હતો. ગયા સપ્તાહે પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ અને જ્મ્મુ કાશ્મીરના શિક્ષણ પ્રધાનોએ કેટલાક અમેરિકી શહેરોની મુલાકાત લીધી હતી અને અહીંની કોમ્યુનિટી કોલેજોની પ્રાથમિક પદ્ધતિની સમીક્ષા કરી હતી. નુલેન્ડે વધુમાં કહ્યું હતું કે અમે દેખીતી રીતે જ આવી હિલચાલને ટેકો આપીએ છીએ. હાલમાં આર્િથક મંદી અને બેરોજગારીના પરિણામે અમેરિકાએ સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે હેતુથી સ્ટુડન્ટ વિઝા પર ગેરકાયદેસર રીતે કામ કરતાં લોકો સામે આકરાં પગલાં ભર્યા છે. અમેરિકામાં ઓબામા વહીવટીતંત્રે દેશમાં વધારે સ્થાનિક લોકોને નોકરી આપનાર કંપનીઓને અનેક ટેક્સ રાહત આપવાની વાત કરી હતી તથા આઉટર્સોિંસગ કરતી કંપનીઓ પર સકંજો કસવાની પણ તૈયારી કરી છે.