વારાણસી,
તા.૨૬
મિત્રનો પ્રસંગ ન બગડે તે માટે બનાવને હસી કાઢયો, ઇજારહિત બચાવ
રામલખને લગ્નમાં એકંદરે સારી વ્યવસ્થા કરી હોવાનું પણ કહ્યું
બોલિવૂડનો સુપરસ્ટાર આમિર ખાન વારાણસીમાં તેના મિત્ર,
રિક્ષાચાલક રામલખનના પુત્રના લગ્નસમારંભમાં સ્ટેજ પરથી પડી ગયો હતો
, જોકે આમિરનો ઇજારહિત બચાવ થયો હતો. રામલખનના પુત્રના લગ્નનો પ્રસંગ હોઇ આમિરે તેના મિત્રનું ખરાબ ન દેખાય તે માટે આ બનાવને હસી કાઢયો હતો અને એમ કહ્યું હતું કે રામલખને લગ્નમાં એકંદરે સારી વ્યવસ્થા કરી હતી.
રિક્ષાચાલકનાં પુત્રનાં લગ્નમાં આમિર ખાનની તસવીર જુઓ...
૪૭ વર્ષીય આમિર ૨૦૦૯માં '૩ ઇડિયટ્સ'ના પ્રમોશન માટે વારાણસી આવ્યો હતો ત્યારે તેણે રામલખનના દીકરાના લગ્નમાં હાજર રહેવાનું વચન આપ્યું હતું. બ્લ્યુ ડેનિમ અને વ્હાઇટ કુર્તામાં સજ્જ આમિર ગઇ કાલે મધરાતે અહીંના મહેમુદગંજમાં લગ્નસ્થળ ચૌરસિયા મેરેજ હોલ ખાતે પહોંચ્યો હતો.
રામલખને જણાવ્યું હતું કે, આમિર રાત્રે ૯.૩૦ કલાકે આવવાના હતા પરંતુ તેમણે પટણાથી બાય રોડ આવવું પડયું હોવાથી તેમને પહોંચવામાં મોડું થયું હતું. લગ્નસ્થળે પહોંચ્યા બાદ આમિર સૌપ્રથમ રામલખનને ભેટયો હતો અને ત્યાર બાદ તેણે દુલ્હા રાજીવ તથા દુલ્હન વિજેતાને અભિનંદન આપ્યા હતા.
તેણે પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે'ને પ્રમોટ કરવા આ લગ્નસમારંભમાં હાજરી આપી હોવાનો સાફ ઇનકાર કરતાં કહ્યું હતું કે, "મારા મિત્ર રામલખનનો દીકરો પરણી રહ્યો છે એટલે હું આ લગ્નસમારંભમાં હાજર રહ્યો છું. હું કોઇ ટીવી શો કે ફિલ્મના પ્રમોશન માટે અહીં નથી આવ્યો. રામલખન એક વર્ષ અગાઉ મારા ઘરે આવીને દીકરાના લગ્નનું આમંત્રણ પાઠવી ગયો હતો. હું વર-કન્યાને સુખમય લગ્નજીવનની શુભેચ્છા પાઠવું છું."
વારાણસીનું મારા દિલમાં વિશેષ સ્થાન છે : આમિર
રામલખનના દીકરાના લગ્નસમારંભમાં ત્રીસેક મિનિટ રોકાયેલા આમિરે વારાણસી વિશે વાત કરતાં કહ્યું હતું કે, વારાણસી તેની માતાનું જન્મસ્થળ હોવાથી વારાણસીનું તેના દિલમાં વિશેષ સ્થાન છે.