લે કર વાત!
‘યહાં’ જેવી ઓફબિટ અને વૈચારિક ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી મિનિષા લાંબા પાસે આજે પણ ફુલ્લી કર્મિશયલ ફિલ્મોની ઓફર ઓછી જ છે. જોકે આ છોકરીને એ વાતનો કોઈ અફસોસ પણ નથી. તે માને છે કે હાલમાં તે જે રીતે બોલિવૂડમાં આગળ જઈ રહી છે તે એના માટે યોગ્ય જ છે
કર્મિશયલ મૂવી ‘જોકર’માં રોલ મળ્યો એટલે ભયો ભયો ગણતી મિનિષા કહે છે કે, ફિલ્મોની ઓફર મળે કે નહીં એ મારા માટે ઓછું અગત્યનું છે, પણ જે ભૂમિકા હું નિભાવું તે દર્શકોને યાદ રહી જાય તેવી હોવી જોઈએ. ‘જોકર’ના કાસ્ટ એન્ડ ક્રૂ વિશે વધુમાં જણાવતાં મિનિષા કહે છે કે સોનાક્ષી, અક્ષય કુમાર અને સોનુ સુદ હાલમાં ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ હરોળમાં મૂકી શકાય તેવાં કલાકારો છે, છતાં તેમનું કોસ્ટાર સાથેનું વર્તન ખૂબ જ સહજ હોય છે.
પોતાની આજ સુધીની ફિલ્મોનાં પાત્રો વિશે વાત કરતાં તે કહે છે કે, આજદિન સુધી મારી દરેક ફિલ્મના દરેક પાત્રમાં વૈવિધ્ય જોવા મળશે. ‘યહાં’થી શરૂ કરીને ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ કે હવે આવનારી ફ્લ્મિ ‘જોકર’ સુધી. ‘યહાં’માં હું એક સાવ સામાન્ય છોકરી હતી જે એક ફૌજીના પ્રેમમાં પડે છે અને સચ્ચાઈ માટે લડવાની તેનામાં હિંમત પેદા થાય છે. ‘કોર્પોરેટ’માં હું મિડલ ક્લાસ ફેમિલીની આત્મવિશ્વાસુ છોકરી છું જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાનું સ્થાન બનાવવા માગે છે. ‘ભેજાફ્રાય - ૨’ માં હું એક શોની એક્ઝિક્યુટિવ પ્રોડયુસર હતી અને ‘હમ તુમ શબાના’માં યંગ ચાર્મિગ છોકરીના રોલમાં હતી.
મિનિષા હાલમાં કોઈ બિઝનેસમેન સાથે સતત સંપર્કમાં હોવાના અને તે વ્યક્તિના પ્રેમમાં હોવાની વાતો ચાલે છે. એ અંગે જણાવતાં મિનિષા કહે છે કે મને મારા કામ દ્વારા જ ઓળખવામાં આવે તો સારું. મારી અંગત જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેની પંચાત કોઈ કરે તે મને પસંદ નથી.