નવી દિલ્હી, તા. ૨૬
રાજ્યસભામાં નોમિનેટ કરાયો હોય તેવો સચિન પહેલો એક્ટિવ સ્પોર્ટસમેન અને ક્રિકેટર
સચિન માટે રાજ્યસભાનું સભ્યપદ બર્થડે ગિફ્ટ સમાન
રાષ્ટ્રપતિને મળેલા બંધારણીય અધિકાર મુજબ નોમિનેટ કરાયા
ક્રિકેટ કિંગ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુંલકરને ભારત રત્નનો ખિતાબ મળે કે ન મળે પણ રાજ્યસભાનાં સભ્ય તરીકે તેને નોમિનેટ કરવા માટે સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે. ક્રિકેટર સચિન ઉપરાંત ૮૦નાં દાયકાની ભારતીય ફિલ્મ જગતની જાજરમાન અભિનેત્રી રેખાને પણ રાજ્યસભાનું સભ્યપદ આપવા માટે ભલામણ કરાઈ છે. આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ અનુ આગાને નોમિનેટ કરવા પણ સરકારને અનુરોધ કરાયો છે. આ નિયુક્તિને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે મંજૂરીની મહોર મારતા તેઓ સંસદસભ્ય બની ગયા છે. સરકારે કુલ ચાર સભ્યોનાં નામની ભલામણ કરી હતી.
રાજ્યસભામાં નોમિનેટ કરાયો હોય તેવો સચિન પહેલો એક્ટિવ સ્પોર્ટસમેન અને ક્રિકેટર છે. રાષ્ટ્રપતિને બંધારણીય અધિકાર મુજબ ૧૨ સભ્યો રાજ્યસભામાં નોમિનેટ કરવાની સત્તા છે જે અન્વયે તેમનાં નામની ભલામણ કરાઈ હતી. સચિન અને રેખાનાં નોમિનેશને લોકોમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.
ક્રિકેટ વિશ્વમાં અનેક વિક્રમો સ્થાપીને વિશ્વભરમાં લોકપ્રિયતા હાંસલ કરનાર ૩૯ વર્ષનાં સચિન તેંડુલકરે તેની તોફાની રમત દ્વારા રમતવિશ્વમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. જ્યારે રેખાએ હિન્દી ફિલ્મોમાં અનેક પ્રકારની ભૂમિકા ભજવીને લોકોનાં હ્ય્દયમાં સ્થાન મેળવ્યું છે. હજી ગઈકાલે જ પોતાનો ૩૯મો જન્મદિવસ ઉજવનાર સચિન માટે રાજ્યસભાનું સભ્યપદ બર્થડે ગિફ્ટ સમાન છે.અનુ આગા જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર તેમજ નેશનલ એડવાઈઝરી બોર્ડનાં સભ્ય છે.તેઓ ભારતીય ધનિકોની ફોર્બ્સની યાદીમાં સ્થાન પામી ચુક્યા છે.
સૂત્રોનાં જણાવ્યા મુજબ વડાપ્રધાન મનમોહન સિંહે આ અંગેની નોંધ ગૃહ મંત્રાલયને મોકલી આપી હતી જે નોટિફિકેશન બહાર પાડવા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મોકલી અપાઈ હતી. જે લોકો સાહિત્ય, વિજ્ઞાાન, આર્ટ તેમજ સોશિયલ ર્સિવસિસમાં વિશેષ જ્ઞાન ધરાવતા હોય કે નામના ધરાવતા હોય તેમને બંધારણની કલમ ૮૦ હેઠળ રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર સચિનને ભારત રત્ન એવોર્ડથી સન્માનવા ઘણાં લાંબા સમયથી લોકો માંગણી કરી રહ્યા છે.
દરમિયાન આજે દિવસ દરમિયાન સચિન તેમનાં પત્ની અંજલી સાથે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળવા ૧૦ જનપથ પર ગયા હતા. આ તેમની શુભેચ્છા મુલાકાત હતી. રાજ્યસભામાં હાલ જાવેદ અખ્તર ફિલ્મ જગતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત હેમા માલિની, વૈજયંતીમાલા, નરગિસ દત્ત, શ્યામ બેનેગલ, મૃણાલ સેન, લતા મંગેશકર અને શિવાજી ગણેશનને રાજ્યસભામાં નોમિનેટ કરાયા હતા.
સચિનને રાજ્યસભામાં ૧૦૦ નંબરની સીટ ફાળવાશે ?
ક્રિકેટ વિશ્વમાં ૧૦૦ સદી ફટકારનાર લોકપ્રિય ક્રિકેટર સચિન તેંડુલકરને રાજ્યસભામાં નોમિનેટ કરવાની ભલામણ કરાઈ છે ત્યારે તેને ગૃહમાં ૧૦૦ નંબરની સીટ ફાળવવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નએ ચર્ચા જગાવી છે. ક્વિઝ માસ્ટર ડેરેક ઓ બ્રાયન દ્વારા આવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. હાલ જાણીતા ઉદ્યોગપતિ અને હિન્દુસ્તાન લીવરનાં ભૂતપૂર્વ ચેરમેન અશોક ગાંગુલીને રાજ્યસભામાં ૧૦૦ નંબરની સીટ ફાળવવામાં આવ છે. ગાંગુલીને આ અંગે પુછવામાં આવતા તેમણે સચિન માટે ૧૦૦ નંબરની બેઠક ખાલી કરવાની તૈયારી દર્શાવી છે.