એબીસી ઓફ બ્યૂટી - મરિયમ ઝવેરી
વજન ઉતારવાની પ્રક્રિયામાં આપણે ઘણીવાર માનસિક તાણનો અનુભવ કરીએ છીએ. વજન ઘટશે કે કેમ તે બાબતે આપણને ચિંતા થાય છે. આ ચિંતાને દૂર કરવા માટે કસરત અને આહારનો નિત્યક્રમ બનાવવો જરૂરી છે. આ નિત્યક્રમ એવો હોવો જોઈએ કે તેને આપણે સહેલાઈથી પાળી શકીએ. આ પ્રક્રિયામાં અવરોધ સર્જતી કેટલીક બાબતો હું અહીં રજૂ કરું છું. જેને ટાળીને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો.
૧. ભોજન ટાળવું: આપણું શરીર આખા દિવસ દરમિયાન ઊર્જાનો ઉપયોગ કરે છે. આ ઊર્જા તેને ખોરાકમાંથી મળે છે. ઉપવાસ કરવાથી ઊર્જાનો આ સ્ત્રોત ખાલી થઈ જાય છે. ઉપરાંત એકવાર પચીને ચરબીમાં પરાર્વિતત થયેલી કેલેરીને બાળવાના પ્રયત્નો ખાસ સફળ થતાં નથી. તેથી ભોજનને ટાળવાનું વલણ કોઈ રીતે ઉપયોગી નથી.
૨. જમા થતી કેલેરીને ઓળખોઃ મોટાભાગના લોકોને તેઓ રોજ જે કેલરી લે છે તેનો અને જે ખર્ચે છે તેનો અંદાજ હોતો નથી. દિવસ દરમિયાન ખાધેલી કેન્ડી કે રસોઈ દરમિયાન આરોગેલો નાસ્તો તેઓની કેલરીમાં કેટલો વધારો કરે છે તે તેઓ નથી જાણતાં. આ રીતે જ શરીરમાં વધારાની ચરબી જમા થાય છે.
૩. આપણા શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારનું પરિવર્તન આવે છે ત્યારે તેની ઊર્જાની જરૂરિયાતમાં પણ પરિવર્તન આવે છે. તેથી વજનને જાળવવા માટે આ જરૂરિયાતને નિયમિત પણે સમજવી જરૂરી છે. તે માટે ત્રણ વિકલ્પો છે. ૧. રોજિંદી કેલરી લેવામાં ઘટાડો કરવો. ૨. પ્રવૃત્તિમાં વધારો કરવો અને ૩. બંનેનો અમલ કરવો. કેલરી ઘટાડવામાં લીંબુ, મરીવાળી કચુંબરનું સેવન ઉપયોગી છે. કોબીના સૂપનું સેવન કેલેરી ઘટાડવામાં ઉપયોગી છે. જેટલીવાર ભૂખ લાગે ત્યારે આ સૂપનું સેવન કરો. ભૂખ્યા રહેવાથી કોઈ ફાયદો થતો નથી.
૪. ઓચિંતા ફેરફારો કરવાથી દૂર રહોઃ વજન ઘટાડવા માટે ઓચિંતા, આકરા ફેરફાર ના કરો. તમને જો કસરતની ટેવ ના હોય તો હળવી કસરતની શરૂઆત કરો. શરીર ટેવાય તે પછી કસરતનું પ્રમાણ એને સમય વધારો.
૫. અચાનક ખોરાકને ઘટાડવાનું વલણ યોગ્ય નથી તેનાથી શરીરને હાનિ પહોંચે છે. શક્તિ- ર્સ્ફૂિત ઘટે છે અને છેવટે શરીરની ચયાપચય ક્રિયા ધીમી પડી જાય છે. દરેક ભોજનમાંથી ૧૦૦ કેલરી ઘટાડશો તો દરેક સપ્તાહે એક રતલ વજન ઘટશે.
૬. જો તમારા વજનમાં ઘટાડો ના દેખાય તો માનજો કે કેલરીના ખર્ચ કરતાં કેલેરીનું સેવન વધારે છે.
૭. સવારનો બ્રેકફાસ્ટ (શિરામણ) અવશ્ય કરો. સવારે ઉપવાસ કરવાથી શરીર ચરબીને સંગ્રહવાનું શરૂ કરે છે. દિવસની સારી શરૂઆત કરવા માટે શરીરને ઊર્જાની જરૂર પડે છે.
૮. તમે જંકફૂડ કે નાસ્તાથી દૂર રહેશો અને સાંજે ભારે ભોજન કરશો તો તમારં વજન નહીં ઘટે. સાંજે ભારે ભોજન ખાવાથી શરીરમાં ચરબી વધે છે. વાસ્તવમાં સાંજનું ભોજન હળવું હોવું જોઈએ.
૯. સોફ્ટ ડ્રિંક્સ અને આલ્કોહોલમાં શર્કરા વધારે હોય છે. ખાંડ કાર્બોહાઈડ્રેટ્સથી બનેલી હોય છે. જો તમે નિયમિત રીતે કસરત નહીં કરો તો આ ખાંડ ચરબીમાં પરાવર્તન પામશે અને તમારું વજન વધી જશે.
૧૦. આહાર અને કસરત એકમેક સાથે સંકળાયેલા છે. બંનેને જો યોગ્ય રીતે અપનાવવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે. દિવસમાં રોજ ત્રીસ મિનિટ સુધી ચાલવાથી ઘણો ફાયદો થાય છે.
વાસ્તવિક લક્ષ્યો રાખો
એક સાથે ઘણું વજન ઉતારવાની નેમ ના રાખશો. તેનાથી તમે તમારા લક્ષ્યમાં વિચલિત બની જશો અને નક્કી કરેલાં નિત્યક્રમનું પાલન નહીં કરી શકો. સવારનો નાસ્તો રાજાની જેમ, બપોરનું ભોજન રાણીની જેમ અને સાંજનું વાળું હળવું ભિખારી જેવું રાખો. સાંજે આઠ વાગ્યા પહેલાં જમી લો. આ સાદી-સીધી સલાહને અનુસરો, તે ક્યારેય નિષ્ફળ નહીં જાય.