Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:28:55 AM IST
 

નિર્દોષતા ભૂલી રહ્યાં છે ભૂલકાં... (મંથન)

Apr 27, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1335
Rate: 4.4
Rating:
Bookmark The Article

મંથન - શાંડિલ્યા

માનવીય વિકાસની સમગ્ર પ્રક્રિયામાં જ્યાં આ સૌથી મહત્ત્વના ગણાતા તબક્કાની જ અવગણના કરાય, તેના પર પૂરતું ધ્યાન ના અપાય તો તેવો વિકાસ અપૂર્ણ જ રહે છે ફેશન,ગ્લેમર અને ભૌતિકતાવાદની આંધળી દોડમાં આજનું બચપણ ક્યાંક ખોવાઇ ગયું છે

બાગમાં નાનકડા છોડ પર નાજુક કળી ફૂટી હોય તેને જલ્દી ખીલવીને ફૂલ બનાવી દેવા તેના પર જો ચારેબાજુથી ગરમ-ઠંડો પવન, કાદવ, પાણીનો મારો વગેરે કરાય તો તેના ખીલવાની વાતો તો બાજુ પર રહે પણ તેનું બાળમરણ જ થઈ જાય કે ! તે ફેંદાઇને, કરમાઇને ખરી જ પડે. ના સુગંધ રહે ના ઘાટ.

આજના બચપણ સાથે કંઇક આવી જ પ્રક્રિયા થઇ રહી છે. છેલ્લાં બે અઢી દાયકાઓથી સમાજના બદલાયેલાં માળખાએ અનેક મુદ્દે નવા સમીકરણો રચી નાખ્યાં છે. ઘણું બધુ એ હદે બદલાઇ ગયું છે જે હવે લાઇલાજ બની ચૂક્યું છે.

આ બદલાવની સીધી અસર પારિવારિક મુદ્રાઓ પર પણ પડી છે. આપણા પરિવારોમાં ઉછરતાં બાળકોનું બાળપણ તેમની નિર્દોષતા અને બાળસહજ ભોળપણ દાવ પર મૂકાઇ ગયાં છે, ખોવાઇ ગયાં છે.આવું થવાના જવાબદાર કારણો માટે પહેલી આંગળી વડીલો (ખાસ તો માતાપિતા) પર ચીંધાય છે. દોડતા સમાજ સાથે દોડવાની અંધ લાલસામાં તેઓ બાળકને પણ સામેલ કરે છે, જેમાં બધા લાભનો જ વિચાર કરે છે. નજીકના કે દૂરોગામી નુકસાનની કોઇ ચિંતા કે પરવા કરતું જ નથી. માનવીય વિકાસની સમગ્ર પ્રક્રિયામાં જ્યાં આ સૌથી મહત્વના ગણાતા તબક્કાની જ અવગણના કરાય, તેના પર પૂરતું ધ્યાન ના અપાય તો તેવો વિકાસ અપૂર્ણ જ રહે છે. કોઇ માણસના વ્યક્તિત્વમાં ક્યાંક કોઈ અધૂરપ કે ખામી દેખાતી હોય તો માની લેવું કે એ તેના બાળપણના બેદરકારીભર્યા અથવા ભૂલભરેલા ઉછેરની જ દેન છે.

આમ તો બાળપણને ત્રણ તબક્કામાં વહેંચી શકાય છે. પણ શરૂઆતના પાંચેક વર્ષનો પ્રારંભિક તબક્કો પસાર થાય ત્યાર પછી આવતા મધ્ય અને અંતિમ તબક્કાનો આજે માનસિક ધોરણે છેદ ઉડાડી દેવાય છે.

એટલે કે તે સહેજ સમજણું થાય કે તેના પર પેલી કળીની માફક જલ્દી ખીલી જવા સીધું અને આડકતરું દબાણ શરૂ થાય છે.

બાળપણનો નિર્દોષ તબક્કો તેઓ પૂરો માણે તે પહેલાં તેમને તન અને મનથી મોટાં કરી દેવાની ઝુંબેશો ચાલુ કરી દેવાય છે. લગભગ દરેક ઘરોની આ હાલત હશે, જ્યાં સાત, આઠ કે દસેક વર્ષના સંતાનો પુખ્ત લોકો જેવો માનસિક વિકાસ ધરાવતાં હશે. મુગ્ધવય અને પછી યુવાનવયે પહોંચતા સુધીમાં આવાં બાળકોની પેલી નિર્દોષતા, વિસ્મય અને બાળસહજ સપનાનું કોઈ અસ્તિત્વ જ નહીં રહ્યું હોય તે હકીકત નજર સામે દેખાઈ રહી છે.

મેચ્યોરિટી અનુભવો પર વધુ આધાર રાખે છે. અને એવા જલ્દી મેચ્યોર બનાવી દે તેવાં અનુભવો બાળકને રોજબરોજની જીંદગીમાંથી તથા તેમની આસપાસના માહોલમાંથી સતત થતાં જ રહે છે. તેમની નિર્દોષતાની, ભોળપણની ચાદર ચારેબાજુથી ખેંચાતી જ રહે છે. પછી તે ઘર હોય, સ્કૂલ કે સમાજ હોય...

વળી માતાપિતાની આવી લાલસામાં વધુમાં વધુ સાથે મળે છે. આજના બોલ્ડ અને બેફિકર મીડિયા જગતનો. તે જે પ્રકારની સામગ્રીઓ મારા-તમારા ઘરોમાં લઇને આવે છે. તે નાની આંખે જોવા માટેની નથી હોતી. નાના બાળકની નજર સામેથી કંઈ કેટલુંય એવું પસાર થતું રહે છે જે તેના મનોજગતને ઝંઝોડી નાંખે. તેમને તેમની સમજ કરતાં પણ જુદુ વિચારવા મજબૂર કરી દે.

દસ, બાર વર્ષના બાળકો જ્યાં આંગણામાં સાથે જ મળીને રમતો રમે, ધમાલમસ્તી કરે તેની જગ્યાએ કોઇ મિત્રના મોબાઇલ કે કોમ્પ્યુટર પર અશ્લીલ મેસેજો, ફોટા કે વલ્ગર ક્લિપિંગ્સ જોતાં વધુ દેખાતા હશે.

ફેશન ગ્લેમર અને ભૌતિકતાવાદની આંધળી દોડમાં આજનું બચપણ ક્યાંક ખોવાઇ ગયું છે.

ટી.વી.માં આવતી જાતભાતની જાહેરાતો આ બાળવર્ગને અનુલક્ષીને જ બનાવાય છે. દૂધ, દૂધની બનાવટો, તેમાં ઉમેરાતી એનર્જી પ્રોડેક્ટસ એ આવા માતા-પિતા અને બાળકોને આકર્ષવા બનાવાતી જાહેરાતોનો એક ચાલાક હિસ્સો છે. સમસ્યા એ છે કે દરેક માતા-પિતાને તેમના સાત-આઠ વર્ષના બાળકમાં ભાવિ સચિન કે શાહરુખ-ઐશ્વર્યા દેખાય છે. સાથે તેમને બાળકને દરેક ક્ષેત્રના માસ્ટર બનાવવાની પણ ધગશો જાગે છે. સારી વાત છે. પણ દરેક વસ્તુની એક ઉંમર, એક સમય હોય છે તે મા-બાપ ભૂલી જાય છે. લોકોની લાગણીઓને ઉશ્કેરીને આવી જાહેરાતોના પ્રતાપે મબલખ કમાણી કરતી વેપારી કંપનીઓની ચાલ સમજ્યા વગર મા-બાપ તેમના બાળકોને જલ્દી મોટા, લાંબા અને બુદ્ધિશાળી બનાવવાના સપના જોવા લાગે છે.

ફલાણો પાવડર નાંખી અમુક કંપનીનું દુધ પીવડાવું તો મારો પીન્ટુડો ઝટ ઊંચો થઇ જાય. અમુક વસ્તુ ખવડાવી મારી બટકી બબલી ને લાંબી અને તંદુરસ્ત બનાવી દઉં અને અમુક તમુક એનર્જી પ્રોડક્ટ રોજ ત્રણ-ચાર ટાઇમ છોકરાને ખવડાવવા લાગુ તો પેલા સલમાન જેવો કે સિંઘમ જેવો શક્તિશાળી બની જાય.. આવી ભ્રમણાઓમાં રાચવું કેટલી હદે યોગ્ય છે ! મા-બાપ ભૂલી જાય છે કે પરાણે પકવી દેવાતાં ફળોમાં કુદરતી મીઠાશ ક્યારેય નથી આવતી.

અને આમ પણ બે-ત્રણ વર્ષનાં ભૂલકાં ભીગે હોંઠ તેરે... મુન્ની બદનામ હુઇ... જેવા ઢંગધડા વગરના ગીતો પર ઠુમકાં લગાવે અને મા-બાપ તાળીઓ પાડી તેમને બિરદાવે અને ફૂલાતા હોય તેવાં ઘરોમાં નિર્દોષતા ક્યાં સુધી ટકી શકે !

આજે એક નવો મુદ્દો ધ્યાનમાં લેવો પડે તેમ છે કે ઘણી છોકરીઓ આઠ-દસ વર્ષની નાજુક ઉંમરમાં માસિકમાં આવતી થઇ છે. જે ત્રણથી ચાર વર્ષ વહેલુ ગણાય. પણ ઉપર કહ્યું તેમ બાળકની આસપાસની દુનિયામાં સતત એવું બની રહ્યું છે જે તેમની કુતૂહલતાને ડાયવર્ટ કરી નિર્દોષતામાંથી પુખ્તતા ભણી દોરી જાય. તેમનામાં પરાણે જિજ્ઞાસા જાગૃત કરે પછી મલ્ટિમીડિયા થકી બળતામાં ઘી હોમવાની સામગ્રીઓ પણ હાથવગી હોય ત્યારે થાય શું ! તેમની જાગેલી, ભડકેલી મનોવૃત્તિઓ પછી અકલ્પનીય ઝડપે તેમનામાં મનોદૈહિક ફેરફારો આણી દે છે, આ બધું તેનું જ પરિણામ છે. આઠ-દસ કે બાર વર્ષના છોકરાં-છોકરીઓને આજે સેક્સ વિશે કે બાળકના જન્મની પ્રક્રિયા વિશે આશ્ચર્યજનક રીતે બધી જ ખબર હોય છે. શું આ સમય પહેલાંની પુખ્તતા નથી બતાવતું ! બાર કે તેર વર્ષની વય કાંઇ પ્રેમ, ડેટિંગ કે મિટિંગ કરવાની તો નથી જ હોતી ! મારી મચેડીને પુખ્ત કરી દેવાતું બાળપણ પછી તેની પેલી બાળસહજ સ્વપ્નીલ દુનિયા સાથેનો છેડો ફાડી ના નાખે તો જ નવાઇ. ઘણા લોકો, મિત્રો અને પરિચિતોના મોઢે સાંભળ્યું છે કે કાશ... કે બચપણ પાછું મળે, “વો કાગઝકી કશ્તી, વો બારિશ કા પાની... પણ એકવાર સરકી ગયેલું બાળપણ જીંદગીમાં ક્યારે પાછું નથી આવતું. અધૂરાં સપનાં, મનગમતી રમતો, ભાઇબંધો-

સખીઓ સાથે દુનિયાની જંજાળોથી બે-ખબર બનીને મજા માણવાનો એ સુંદર સમય ફરી કદી નથી આવવાનો.

કુદરતે માનવબાળના વિકાસની રચના કહો કે ગોઠવણ જ એવી રીતે કરી છે જે તેના તન-મન અને જીવનલક્ષી ઘટનાઓને અનુરૂપ હોય. તો માનસિક અને શારીરિક હોર્મોનલ ટ્રીટમેન્ટ આપી આપીને તેમની બચપણની એ પોતીકી દુનિયાને સમય પહેલાં વિખેરી નાખનારા પરિબળો વખોડવાને લાયક તો ખરાં જ.

દરેક બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ છે. તેમનું પોતાનું એક વ્યક્તિત્વ છે. તેની આગવી એક દુનિયા છે જેમાં તે તેની જિજ્ઞાસા વડે, કલ્પના-તર્કશક્તિ વડે અને સમજ વડે રંગો પૂરે છે. ભાવિ જીવનનાં અઢળક સપનાં તેના થકી જ તે જુએ છે, તેમને આકાર આપવાના પ્લાન બનાવે છે. તેમની આ દુનિયામાં દખલ શા માટે કરવાની ! શું સમાજ, જવાબદાર મીડિયા તથા વડીલોની પણ એ સહભાગી ફરજ નથી કે તેમની નિર્દોષતા અકબંધ રહે તેવું અને તેટલું જ તેમની સામે પીરસવું !?

અને સમજાતું એ જ નથી કે તેમને આમ ઝટ “મોટાં” કરી જ શું કામ દેવાં છે ! અઢી-ત્રણ વર્ષનાં બાળકને ઘરથી દૂર, અજાણ્યા લોકો વચ્ચે “ભણવા” મૂકી દેવાય છે તે જ શું પૂરતું નથી ?

સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશનનો પ્રસ્તાવ મૂકનારા એ વિચારે છે ખરા કે એનાથી રહી સહી નિર્દોષતા, ભોળપણ અને મુગ્ધતા પણ સમય પહેલાં જ ખરી પડશે ? બાળકને ક્યારે કેટલા મોટા થવું અને કેવી રીતે સમજણાં થવું તે કુદરતને જ નક્કી કરવા દો ને ! સ્વયં બાળકની સમજ પર જ તે છોડી દો ને ! દુનિયાદારીના પાઠ ભણવા માટે તેમને માત્ર જરૂરી અને જરૂર પૂરતી જ સમજણ આપો, મદદ કરો. બાકી ભગવાનની ભૂમિકા ભજવનારા આપણે કોણ !

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com