મુંબઈ 27, એપ્રિલ
સંસદમાં હવે ફરીથી સિલસિલા શરૂ થવા જઈ રહી છે, કારણ કે જયા બચ્ચન અને રેખા હવે એકસાથે સંસદભવનમાં જોવા મળશે. વિતેલા જમાનાની આ બંને અભિનેત્રીઓ હવે રાજ્યસભામાં એકબીજા સામે દેખાશે.
ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલય દ્રારા રેખાના નામનો રાજ્યસભા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિએ પોતાની મંજૂરીની મહોર મારી દીધી છે. એવું કહેવાય છે કે રેખા અને જયા બચ્ચનને રાગ આવતો નથી. જો કે તેનું કારણ અમિતાભને માનવામાં આવે છે.
આ બંને અભિનેત્રીઓએ એકસાથે ફિલ્મ 'સિલસિલા' માં કામ કર્યું હતું, જેમાં અમિતાભે લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રેખા, અમિતાભ અને જયા વચ્ચેનાં પ્રણય ત્રિકોણને દર્શાવવામાં આવ્યો હતો. જો કે તે જમાનામાં રેખા અને અમિતાભનું નામ એકસાથે ઘણી વાર જોડાયું હતું. એવું કહેવાય છે કે રેખા અને અમિતાભનાં જીવનની સાચી હકીકતને આ ફિલ્મ દ્રારા પરદા પર ઉતારવામાં આવી હતી.
પહેલાં પણ ફિલ્મ અભિનેત્રીઓ બની હતી રાજ્યસભાની શાન
વર્ષ 1980 નરગિસ
વર્ષ 1993 વેંજતીમાલા
વર્ષ 1997 શબાના આઝમી
વર્ષ 2003 હેમા માલિની
વર્ષ 2007 જયા બચ્ચન
જો કે અમિતાભનાં લગ્ન બાદ આ અફવાઓ શમી ગઈ હતી, પરંતુ હવે રેખા અને જયા બચ્ચન જ્યારે રાજ્યસભામાં એકસાથે જોવા મળશે ત્યારે રાજ્યસભામાં ફરીથી સિલસિલા બનવા જઈ રહી છે.
દક્ષિણ ભારતનાં સુપરસ્ટાર જેમની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પા પલ્લવીની પુત્રી ભાનુ રેખા આજે રેખાનાં નામથી બોલિવૂડમાં અને વિશ્વમાં પ્રખ્યાત બની છે. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954માં થયો હતો. 14 વર્ષની ઉંમરે રેખાએ હિન્દી ફિલ્મ 'સાવન ભાદો' માં લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મ તો સફળ રહી, પરંતુ રેખા પોતાની પ્રથમ ફિલ્મથી સફળતા મેળવી શકી ન હતી. તે સમયે રેખાને હિન્દી બોલતાં પણ ફાવતું નહોતું. અચાનક છ વર્ષ બાદ રેખા રાતોરાત સફળ અભિનેત્રી બની ગઈ હતી.