સુરત, તા. ૨૭
નિયત સમયાંતરે સીએનજી ગેસના ભાવોમાં વધારો કરી દેવાનો નવો રિવાજ શરૂ થયો છે. આ ભાવવધારા સામે આંદોલનના બણગા ફૂંકવાની ઓટોરિક્ષા એસોસિયેશનની પ્રથા પડી ચૂકી છે. ગેસના ભાવવધારા સામે મક્કમતાથી લડી લેવાને બદલે કાગના વાઘ સાબિત થયેલા ઓટોરિક્ષા એસોસિયેશને ફરી એક વખત લડત ઉપાડવાની જાહેરાત કરી છે.
સીએનજી ગેસના ભાવોમાં આજે મધરાતથી રૂ. ૪.૮૦ પૈસાનો વધારો ઝીંકી દેવાયો છે. આ ભાવવધારાની અસરમાં આવેલા રિક્ષાચાલકોએ ગેસના ભાવોમાં કરવામાં આવેલો વધારો અન્યાયી ગણાવ્યો છે. આ બાબતે રાબેતા મુજબ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લે જાન્યુઆરી માસમાં ગેસના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે પણ અવાજ ઉઠાવનારા વિવિધ એસોસિયેશનો દ્વારા કોઇ પરિણામલક્ષી લડત ઉપાડવામાં આવી નથી. આ વખતે ફરી ગેસ કંપનીએ મનસ્વી નિર્ણયો લઇ ભાવવધારો કરી દીધો હોવાનું જણાવી રિક્ષા એસોસિયેશન મેદાનમાં આવ્યું છે.
ઓટોરિક્ષા એસોસિયેશનની લડત પછી પણ ગુજરાત ગેસ કંપનીના પેટનું પાણી હાલતું નથી. ઓટોરિક્ષા એસોસિયેશનના આગેવાનોનો પનો ટૂંકો પડી રહ્યો છે. અથવા એક યા બીજા કારણોસર સીએનજી ગેસના ભાવોમાં ઘટાડો કરાવવામાં એસોસિયેશનના આગેવાનો ફેઇલ થઇ રહ્યાં છે. આ હકીકતો પછી પણ ફરી એકવખત ગેસના ભાવવધારાનો રિવાજ પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે. સાથોસાથ આ ભાવવધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે તેમજ કાનૂની રાહે લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે આગામી દિવસોમાં બંને પક્ષે શું પગલાં લેવામાં આવે છે તે અંગે ચર્ચા શરૂ થઇ છે.