ઇસ્લામાબાદ, ૨૮ એપ્રિલ
- 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન', 'શેમ' બૂક્સનો એમ.ફિલ-પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં સમાવેશ
ભારતીય મૂળના વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દીની બે જાણીતી બૂક્સ 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' અને 'શેમ'ને પાકિસ્તાનની યુનિર્વિસટી ઓફ પેશાવર દ્વારા એમ.ફિલ અને પીએચ.ડી.ના અભ્યાસક્રમમાં સામેલ કરતાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેનો વ્યાપક વિરોધ કરી રહ્યા છે.
યુનિર્વિસટી ઓફ પેશાવરના ઇંગ્લિશ એન્ડ એપ્લાઇડ લિન્ગ્વિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રશ્દીની 'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' અને 'શેમ' બૂક્સનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાતાં વિદ્યાર્થીઓ યુનિર્વિસટી કેમ્પસમાં તેમ જ પેશાવરના અન્ય સ્થળોએ વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.
'મિડનાઇટ્સ ચિલ્ડ્રન' અને 'શેમ' બૂક્સનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય તાજેતરમાં વાઇસ-ચાન્સેલર કિબ્લા અયાઝના અધ્યક્ષપદે મળેલી એકેડેમિક કાઉન્સિલની મીટિંગમાં કોઇ ચર્ચા વિના જ લેવાયો હોવાના અહેવાલ છે.
વિદ્યાર્થીઓ રશ્દીને 'ઇશનિંદા માટે કુખ્યાત' શખસ ગણતા હોવાથી તેઓ અભ્યાસક્રમમાં રશ્દીની બૂક્સના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે.
નોંધનીય છે કે થોડા સમય પૂર્વે ભારતમાં એક કાર્યક્રમમાં સલમાન રશ્દી ઉપસ્થિત રહેવાના હોવાનું માલૂમ પડતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને પણ તે કાર્યક્રમમાં નહીં આવવાનો નિર્ણય કર્યો હતો.