ઇન્ટિમસી - કામિની મોટવાણી
સમાગમ એ ખૂબ જ સુંદર અનુભૂતિ છે. તેને સફળ અને યાદગાર બનાવવી એ તમારા હાથમાં છે. જીવનશૈલી અને ખાન-પાનની ટેવ સમાગમ પર ઘણી અસર કરે છે. કેટલીક ટેવ સારી હોય તો સમાગમ માટે મિત્ર બની શકે છે અને ખરાબ હોય તો શત્રુ. સફળ સમાગમ માટે શત્રુ સાબિત થઈ શકે તેવી બાબતોને જાણીને તેમાં સુધારો કરવો જોઈએ
ખૂબ જ મોડું ડિનર
ડિનર (રાતનું ભોજન) નિયમિત રીતે યોગ્ય સમયે ન લેતાં ખૂબ જ મોડું લેવામાં આવે તો તે નુકસાનકારક બને છે. તેનાથી ઘણું નુકસાન થાય છે. બહુ મોડી રાત્રે લીધેલા ડિનરને કારણે પાચનના પ્રશ્નો ઉપરાંત તે તમારી સેક્સ લાઇફ પર પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. માટે ડિનર યોગ્ય સમયે અને નિયમિત રીતે લેવું જોઈએ. પચવામાં હલકો, તીખો, તળેલો ન હોય તેવો અને હેલ્ધી ખોરાક જ ખાવો જોઈએ. પાર્ટનર સાથે બેડ પર જતાં પહેલાં ઓછામાં ઓછા બે કલાક પહેલાં ડિનર કરી લેવું જોઈએ. તો જ સમાગમનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
વીક એન્ડમાં સૂઈ રહેવું
હા, સાત-આઠ કલાક સૂવું જરૂરી છે, પરંતુ તેનાથી વધારે સૂઈ રહેવાથી કોઈ ફાયદો નથી. આખા અઠવાડિયામાં શનિ-રવિનો દિવસ એવો હોય છે જ્યારે તમે અને તમારી પાર્ટનર હળવાશના મૂડમાં હો છો, કંઈક નવું કરવાની ઇચ્છા રાખતા હો છો, તેવામાં જો તમે મોડે સુધી સૂઈ રહો તો ખુશનુમા સવાર, વહેલી સવારનો પાર્ટનર સાથે મસ્તીભર્યો સમાગમ અને પાર્ટનરનો પ્રેમ એ બધું જ ખોવું પડે છે. અનિયમિત સૂવા અને ઊઠવાને કારણે તમારી કુદરતી સાઇકલ પણ ખોરવાય છે. તેને કારણે થાક, કંટાળો, ચીડિયાપણું અને સમાગમ માટે મૂડ ન હોવાનું અનુભવાય છે. જો વીક એન્ડ (શનિ-રવિ)માં તમે મોડા સૂઈ ગયા હો તો પણ સવારે વહેલા ઊઠી જવું.
ચોવીસ કલાક જોડે રહેવું
જો તમે અને તમારો પાર્ટનર એક જ ઓફિસમાં કામ કરતા હો અને આખું અઠવાડિયું ઊઠો ત્યારથી સૂઈ જાઓ ત્યાં સુધી એટલે કે ચોવીસ કલાક સાથે વિતાવતા હો તો શરૂઆતમાં તો ખૂબ જ સારું લાગે છે, પરંતુ એક સમયે આ જ બાબત કંટાળાજનક પણ બની જાય છે. તેને કારણે બંને પાર્ટનરનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે. એક વાત યાદ રાખો કે 'બિછડને કે બાદ હી મિલને કા મઝા આતા હૈ' એટલે કે આવી સ્થિતિમાં તમારી સેક્સ લાઇફમાં તાજગી ભરવા માટે થોડો સમય એકબીજાંથી દૂર રહેવું. પછી જ્યારે તમે મળશો ત્યારે લગ્નના શરૂઆતના દિવસોની ઉત્તેજના અનુભવશો.
સૂવાના સમયે ન્યૂઝ જોવા કે વાંચવા
માહિતીના ફેલાવા બદલ ટેક્નોલોજીનો આભાર માનીએ તેટલો ઓછો છે, પરંતુ તમારી રાત્રીનો સમય ક્રાઇમ, શેરમાર્કેટ, કુદરતી આફતો અને ઘટનાઓ વિશે ન્યૂઝપેપર, મોબાઇલ, ઇન્ટરનેટ કે ટીવી પરથી માહિતી મેળવવી શું યોગ્ય છે? તેને કારણે મગજ તણાવ અનુભવે છે સાથે સેક્સ લાઇફ પણ પ્રભાવિત થાય છે. તણાવને કારણે સમાગમ માટે જરૂરી એવા ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનો સ્તર ઘટે છે જેને લીધે સમાગમમાં રસ ઘટે છે. આ સિવાય જો તમે તમારા લેપટોપ અને મોબાઇલ પર વ્યસ્ત રહો તો પાર્ટનર સાથે જોડાયેલા રહી શકતા નથી. સૂતાં પહેલાં ન્યૂઝપેપર, બૂક્સ, ઇન્ટરનેટ સર્ફ કરવાનો સમય માત્ર ૧૦થી ૧૫ મિનિટનો કરી દેવો. ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરવું અને હળવું મ્યુઝિક સાંભળવું. તેનાથી તમે તણાવમુક્ત અનુભવશો અને બેડ પર જવા માટે તૈયાર થઈ શકશો. આ ટેવમાં પરિવર્તન કરવાથી તમે તમારા પાર્ટનર સાથે વધારે સમય ગાળવાની સાથે સુખદ સમાગમ માણી શકશો.
વધારે પડતી દવાઓ લેવી
તમને સામાન્ય શરદી કે માથું દુઃખે તો દવા ગળો છો? જો આ પ્રકારની દવા વારંવાર ગળતા હો તો આટલું જાણી લો. એક સર્વે પ્રમાણે મૂડ સ્ટેબીલાઇઝર, હાઈ બ્લડપ્રેશર અને અન્ય દવાઓ તમારું સેક્સ્યુઅલ લેવલ ઘટાડે છે અને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ પણ ઘટાડે છે. ઘણી સ્ત્રીઓ પ્રેગ્નન્ટ થવાની ચિંતામાંથી મુક્ત બનીને સમાગમ માણવા માગે છે. તેના માટે તેઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રકારની દવા જાતે ન લેતા ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ, કારણ કે જો ડોક્ટરને એવું લાગે કે તમે જે ગર્ભનિરોધક ગોળી લઈ રહ્યા છો તે તમારી સેક્સ લાઇફ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે એમ છે તો તેઓ બીજી દવા સૂચવી શકે.
સમાગમ માટે બંને પાર્ટનરમાં ઉત્સાહ હોવો જોઈએ. આ ઉત્સાહ ઓસરે નહીં તે માટે ઉપર જણાવેલી બાબતોનું ધ્યાન તો રાખવું જ જોઈએ, સાથે ધૂમ્રપાન ન કરવું. નિયમિત એક્સરસાઇઝ કરવી. શરીર અને દાંતને સ્વચ્છ રાખવા માટે સૂતા પહેલાં બ્રશ અને સ્નાન કરવું જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.