Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 03:16:49 PM IST
 

એરિસ્ટોક્રેટ સારાભાઈ પરિવારનો અદ્વિતીય આશિયાનો : રિટ્રીટ (રેડ રોઝ)

Apr 28, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 9732
Rate: 4.7
Rating:
Bookmark The Article

સન્ડે સ્પેશિયલ - દેવેન્દ્ર પટેલ

આજના ધનપતિઓ હજારો કરોડો ખર્ચીને રહેવા માટે ભવ્ય આશિયાના બનાવે છે, પરંતુ આજથી વર્ષો પહેલાં અમદાવાદમાં બનેલો એક બંગલો, તેના રહેનારાઓની આનબાન અને શાન તથા એરિસ્ટોક્રસી સામે મૂકેશ અંબાણી કે વિજય માલ્યાની લાઇફસ્ટાઇલ કાંઈ જ નથી. એ બંગલાનું નામ 'રિટ્રીટ' છે.

રિટ્રીટ બંગલો

આજથી ૧૦૮ વર્ષ પૂર્વે અમદાવાદની કેલિકો અને જ્યુબિલી મિલના માલિક અંબાલાલ સારાભાઈનો શાહીબાગ અંડરબ્રીજ પાસે ૨૧ એકર જમીનના વિશાળ પ્રાંગણમાં બંધાયેલો 'રિટ્રીટ' બંગલો આજે પણ સ્થાપત્યકળાનો એક અદ્વિતીય નમૂનો છે. એ વખતે શહેરમાં વીજળીના દીવા નહોતા, પરંતુ જનરેટરથી 'રિટ્રીટ'માં વીજળીના દીવા પ્રજ્વલિત થતા હતા.

આમ તો આ બંગલો ૧૯૦૪માં અંબાલાલ સારાભાઈના કાકા ચીમનદાસ નગીનદાસે બનાવ્યો હતો. ૧૯૧૮ સુધી સારાભાઈ પરિવાર મિરઝાપુરના બંગલે રહેતો અને રાત્રે શાહીબાગ રહેવા જતો રહેતો. અંબાલાલ સારાભાઈનાં પુત્રી લીના સારાભાઈના કહેવાથી રિટ્રીટ બંગલાના વિસ્તૃતીકરણની નવી ડિઝાઈન રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ ટાગોરે તૈયાર કરી. નવો રિટ્રીટ બંગલો ૧૯૩૭-૩૮માં તૈયાર થયો હતો. ૬૦થી વધુ ઓરડાવાળા એ બંગલા માટે દૂર દૂરથી માર્બલ મગાવવામાં આવ્યો હતો. ટેરેસ પર બેસી ભોજન લેવું હોય તો માત્ર વાનગીઓ ઉપર આવે તેવી એક લિફ્ટ રસોડાથી ટેરેસ સુધી હતી. આ બંગલો કોઈ રોમન સમ્રાટની માલિકીનો હોય તેવો લાગે એટલા માટે ઇંગ્લેન્ડથી ગ્રીસની પ્રતિકૃતિવાળાં 'વિનસ'નાં પૂતળાં મગાવવામાં આવ્યાં હતાં. ઝુમ્મરો વેનિસથી મગાવવામાં આવ્યાં હતાં. આખાયે રિટ્રીટને એક ઉપવનમાં ફેરવી નાખવા માટે વિશ્વનાં શ્રેષ્ઠ ગુલાબ ઉગાડવામાં આવ્યાં હતાં. ઊંચા વાંસથી બંગલો ઢંકાઈ જતો હતો. બંગલાના કંપાઉન્ડમાં સંતરાંની આખી વાડી ઊભી કરવામાં આવી હતી.            

પાણીના અસંખ્ય નાના-મોટા હોજમાં ભાતભાતનાં કમળ, પદ્મ અને પોયણીઓ ઉગાડવામાં આવ્યાં હતાં. આ વિશાળ બંગલો એક પ્રકારનો બોટેનિકલ ગાર્ડન હતો. આ બાગ-બગીચાની સંભાળ રાખવા માટે પૂનાથી નિષ્ણાત ગાર્ડન સુપરિટેન્ડન્ટને બોલાવવામાં આવ્યા હતા.

મૃગ, હરણાં, પોપટો

રિટ્રીટ કંપાઉન્ડમાં ઇનડોર સ્વિમિંગ પુલ, સ્ટાફ ક્વાટર્સ અને બીજા બંગલાઓ પણ છે. કંપાઉન્ડમાં ૧ હજારથી વધુ ફૂલોનાં કૂંડાં હતાં. બંગલાના કંપાઉન્ડમાં કાળિયાર મૃગ, હરણાં, માઉસ ડિયર, નીલગાય, માંકડાં, સસલાં, ઇરાની બિલાડીઓ, વિદેશી કૂતરાં અને ભાતભાતનાં કબૂતરો પાળવામાં આવ્યાં હતાં.

બગીચામાં સારસ-સારસી પણ ફરતાં. બ્રહ્મદેશ, જર્મની અને ઇજિપ્તથી ભાતીગળ મોર પણ લાવીને અહીં વસાવવામાં આવ્યા હતા. બંગલામાં આખો દિવસ કાકાકૌઆના મકાઉ જાતિના પોપટ અને આલ્સેશિયન બેલ ભાતભાતના અવાજો કરતા હતા. અંબાલાલ સારાભાઈએ અહીં વિશ્વના એટલા બધા પોપટ વસાવ્યા હતા કે તેમનો પોપટ સંગ્રહ આખા દેશનો શ્રેષ્ઠ પોપટ સંગ્રહ લેખાતો. ૧૯૬૭થી ૧૯૮૨ દરમિયાન ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાથી બીજાં અનેક પશુ-પક્ષીઓ રિટ્રીટની શોભા વધારવા માટે લાવવામાં આવ્યાં હતાં. રિટ્રીટમાં ચીડિયાઘર પણ હતું, પરંતુ તેમને પાંજરાને બદલે મુક્ત વાતાવરણમાં જ રાખવામાં આવતાં હતાં.

બંગલામાં જ સ્કૂલ

રિટ્રીટ બંગલામાં ગૌશાળા, ઘોડાખાનું, અનેક મોટરો રહી શકે તેવાં ગેરેજ, ધોબીઘાટ, ૨૦ મજૂરો, શોફરો, ઘોડાવાળા, દૂધ દોહવા માટે રબારીઓ, દસેક પહેરાવાળા અને ૩૦ માળીઓનો કાયમી સ્ટાફ હતો.

અંબાલાલ સારાભાઈનાં સંતાનો કદીએ બહારની શાળામાં ભણતાં નહોતાં. તેમની પ્રાઇવેટ સ્કૂલ બંગલામાં જ ચાલતી. આ એક પ્રકારની ઘરશાળા હતી. સારાભાઈ પરિવારનાં બાળકોને ભણાવવા માટેના ૧૦ શિક્ષકો રિટ્રીટ કંપાઉન્ડમાં તથા ખજૂરીના બંગલે રહેતા. લીનાબહેન સારાભાઈ, ડો. વિક્રમ સારાભાઈ, મૃદુલા સારાભાઈ, ગીરા સારાભાઈ, ગૌતમ સારાભાઈ એ બધાં જ આ ઘરશાળામાં ભણતાં. ધૂમકેતુ પણ આ બાળકોને ભણાવતા.

રિટ્રીટ કંપાઉન્ડમાં આવેલા ઇન્ડોર સ્વિમિંગ પુલમાં અંગ્રેજી અમલદારો પણ તરવા આવતા. એ જમાનામાં આ બંગલાના કંપાઉન્ડમાં ટેનિસ કોર્ટ, બેડમિંટન કોર્ટ, ક્રિકેટનું મેદાન પણ હતું. ઘોડેસવારી માટે ટ્રેક હતો. સારાભાઈ પરિવારની પુત્રીઓ ઘોડેસવારી કરતી. આ આઝાદી પહેલાંની વાત છે. આ ઉપરાંત સાઈકલ અને ટ્રાઈસિકલ તો ખરી જ.

યુરોપિયન બટલર

રિટ્રીટ બંગલામાં બપોરનું ભોજન પાટલા પર અને બાજઠ પર અને રાતનું ભોજન ડાઇનિંગ ટેબલ પર લેવામાં આવતું હતું. રાત્રે યુરોપિયન ભોજન પિરસવામાં આવતું. એ જમાનામાં અંબાલાલ સારાભાઈના ઘરમાં યુરોપિયન બટલર હતો. બાળકોની સાર-સંભાળ રાખવા માટે યુરોપિયન મહિલાઓને ગવર્નેસ તરીકે રાખવામાં આવતી હતી. આ ૧૯૧૨ના જમાનાની વાત છે. બાળકોની સંભાળમાં ઇંગ્લેન્ડથી ગવર્નેસ લાવવામાં આવી હતી.

૫૦ હજાર પુસ્તકો

અંબાલાલ સારાભાઈ તેમનાં પત્ની સરલાદેવી અને બાળકોને વાંચવાનો શોખ હોઈ દીવાનખંડની બાજુમાં જ વિશાળ લાઇબ્રેરી ખંડ હતો. તેમાં ૫૦ હજારથી વધુ પુસ્તકો હતાં. લાઇબ્રેરીમાં બાગાયત, પ્રાણીજગત, વનસ્પતિશાસ્ત્ર, વૈદક, કાયદાશાસ્ત્ર, ફિલસૂફી, ઇતિહાસ, સાહિત્ય, ધર્મ, કથા, સંગીતના વિષયોથી માંડીને વિશ્વના અનેક મહાપુરુષોનાં જીવનચરિત્ર હતાં. કાવ્યો, નાટકો અને નિબંધો પણ હતાં. સંસ્કૃત, ચીની, ફારસી, ગ્રીક, રોમન, ઇટાલિયન, ફ્રેન્ચ અને જર્મન ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદો હતા. અંબાલાલ સારાભાઈના ઓશીકા નીચે નવાં તાજાં પુસ્તકો જ હોય. તેઓ એક વ્યસ્ત ઉદ્યોગપતિ હોવા છતાં એક પણ દિવસ વાંચ્યા વગર પસાર થતો નહીં.

યુરોપિયન શોફર્સ

અંબાલાલ સારાભાઈએ ૧૯૨૧માં બાળકોને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યાં ત્યારે સાથે એક નર્સ અને કરુણાશંકર નામના એક શિક્ષકને પણ સાથે મોકલ્યાં હતાં. અહીં પણ લંડનમાં હેમસ્ટેડ નામના એક સબર્બમાં બાળકોને રહેવા માટે ત્રણ માળનું એક મકાન જ ખરીદી લીધું હતું. ઘરમાં ઇંગ્લેન્ડના ગોરા નોકરો રાખવામાં આવ્યા હતા. બે યુરોપિયન શોફરો રાખવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડના ઘરમાં કુલ ૩૦ સભ્યો રહેતા હતા. ભોજન માટે ચાંદીનાં બે ભવ્ય ડાઇનિંગ સેટ રાખવામાં આવ્યાં હતાં. તેની પર એ. એસ. અર્થાત્ અંબાલાલ સારાભાઈના નામનો મોનોગ્રામ લગાડવામાં આવ્યો હતો. સારાભાઈ પરિવારનાં બાળકો ઇંગ્લેન્ડની હેમસ્ટેડની એક અંગ્રેજ મહિલાની સ્કૂલમાં ભણતાં હતાં, પરંતુ સ્કૂલમાં ભોજનમાં માંસ પીરસાતું હોઈ બાળકો ભૂખ્યા રહેવા લાગ્યાં એટલે અંબાલાલ સારાભાઈએ હેમસ્ટેડમાં બીજું એક મકાન ખરીદી લઈને પોતાનાં બાળકો માટે અલાયદી સ્કૂલ ઈંગ્લેન્ડમાં શરૂ કરાવી હતી. સારાભાઈ પરિવારનાં બાળકોને ભણાવવા માટે કેમ્બ્રિજમાં ગ્રેજ્યુએટ થયેલી મિસ વિલિયમ્સની નિમણૂક કરવામાં આવી હતી અને એ માટે મિસર એડવીન નામના બીજા એક શિક્ષક બાળકોને ભણાવે તે પહેલાં તે શિક્ષકને ભણાવવાની તાલીમ માટે સારાભાઈએ ઇટાલીમાં રહેતાં મેડમ મોન્ટેસરી પાસે મોકલ્યાં હતાં, પરંતુ બાળકોને ઇંગ્લેન્ડમાં બહુ ફાવ્યું નહીં એટલે એ બધાં પાછાં અમદાવાદમાં રિટ્રીટમાં આવી ગયાં. પાછળથી મેડમ મોન્ટેસરી અમદાવાદ આવ્યા ત્યારે રિટ્રીટમાં રહેલાં અને તેમણે બાળકોને ભણાવેલાં.

રિટ્રીટ બંગલામાં યુરોપિયન મહેમાનોની કાયમી અવરજવર રહેતી તેથી દારૂ પિરસવાનો શરૂ થયો હતો, પરંતુ અંબાલાલ સારાભાઈનાં પત્ની સરલાદેવી વ્યથિત થઈ જતાં, તેથી ઘરમાં દારૂ લાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

બંગલામાં લેબ

એ જમાનામાં અંબાલાલ સારાભાઈના રિટ્રીટ બંગલે ઇંગ્લેન્ડથી પ્રગટ થતું 'લંડન ટાઈમ્સ' અખબાર આવતું હતું. અંબાલાલ સારાભાઈના તેજસ્વી પુત્ર વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હોઈ બંગલામાં જ ભૌતિક શાસ્ત્ર અને રાસાયણિક શાસ્ત્રની પ્રયોગશાળાઓ ઊભી કરવામાં આવી હતી.

મહેમાનોને રાત્રે રિટ્રીટમાં જમવા આવે ત્યારે ફુવારા ચાલુ કરી દેવાતા. અબજોપતિ હોવા છતાં અંબાલાલ સારાભાઈને સખત ઠંડીમાં પણ ઠંડા પાણીએ નહાવાની ટેવ હતી. વર્ષો સુધી રિટ્રીટની અગાશી પર જ ખુલ્લા આકાશમાં નીચે કે બરસાતીમાં જ સૂઈ જતા. લાકડાના પાટિયા પર પણ સૂઈ જતા. આખોય પરિવાર એ જમાનાનો ગર્ભશ્રીમંત પરિવાર હોવા છતાં ઘરમાં આંખને આંજી નાખે તેવું રાચરચીલું કે ર્ફિનચર નહોતું. બધે જ જરૂરિયાત મુજબની સાદગી હતી. રિટ્રીટમાં દોરા-ધાગા કરનારા તાંત્રિકો, ભૂવા, જ્યોતિષીઓને પ્રવેશ નહોતો.

મુંબઈમાં ૨૭ માળનું આલીશાન મકાન બનાવનાર મૂકેશ અંબાણી કોઈ વાસ્તુશાસ્ત્રને દોષને કારણે મહિનાઓ સુધી એન્ટીલામાં રહેવા ગયા નહોતા, પરંતુ અંબાલાલ સારાભાઈના રિટ્રીટ બંગલામાં કોઈ વાસ્તુશાસ્ત્રીને પ્રવેશ નહોતો. આવા રિટ્રીટ બંગલામાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને પંડિત જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ અને તેમનાં પત્ની સ્વરૂપરાણી અને શ્રીમતી મોન્ટેસરી પણ મહેમાન બન્યાં હતાં. સારાભાઈ પરિવારનો રિટ્રીટ બંગલો આજે તો એક મ્યુઝિયમ છે. હવે તે નિવાસસ્થાન રહ્યો નથી. રિટ્રીટનું મ્યુઝિયમ ગીરાબહેન સારાભાઈ સંભાળે છે. તેમાં પૌરાણિક ચિત્રકથાથી માંડીને શિલ્પકથાના અનેક નમૂના છે.

સ્રોત : અખંડ દીવો, લીના સારાભાઈ

રિટ્રીટના મહેમાન બનેલા મહાનુભાવો

રવીન્દ્રનાથ ટાગોર મોતીલાલ નેહરુ સ્વરૂપરાણી જવાહરલાલ નેહરુ જે. કૃષ્ણર્મૂર્તિ દીનબંધુ એન્ડ્રુઝ શ્રીમતી મોન્ટેસરી

બંગલાની ભવ્યતા

૬૦થી વધુ ઓરડા ઇન્ડોર સ્વિમિંગ પુલ ઘોડેસવારીનો ટ્રેક ૩૦ માળી ૧૦ કાયમી શિક્ષકો ૧૦ પહેરાવાળા યુરોપિયન બટલર

www.devendrapatel.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com