અમદાવાદ : ૨૮ એપ્રિલ ૨૦૧૨
80 %:Yes, but...
અમદાવાદી યુવાઓ ૧૮ વર્ષની વય મર્યાદાને માને છે પરંતુ ગુનો બન્ને પાર્ટનર સામે થવો જોઈએ તેવી માગણી કરે છે
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ બિલ, ૨૦૧૧’ બિલમાં સુધારો કર્યો કે ૧૮ વર્ષથી ઓછી વયના ટીનેજર્સ સાથે ફિઝિકલ રિલેશનને ક્રાઇમ ઓફેન્સ ગણવામાં આવશે. અમદાવાદના ૮૦ ટકા યૂથે સુધારાને યોગ્ય ગણાવ્યો હતો જ્યારે બિલની અન્ય એક જોગવાઈ મુજબ ૧૮ વર્ષથી ઓછી વયના ટીનેજર્સમાં સંમતિથી થયેલા ફિઝિકલ રિલેશનને પણ ક્રાઇમ ગણવામાં આવે, જેથી સંમતિ થયેલા ફિઝિકલ રિલેશનમાં એક વ્યક્તિને વિક્ટિમ ગણવામાં આવે અને એકને દોષિત ઠેરવવામાં આવે. અમદાવાદના યૂથે આ સુધારા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, તેમના મતે જ્યારે ૧૮ વર્ષથી ઓછી વયના યંગસ્ટર્સ વચ્ચે સંમતિથી બંધાયેલા સંબંધમાં પણ જો સજા કરવાનો કાયદો હોય તો, બંને વ્યક્તિને સજા થવી જોઇએ, આ જ કારણોથી શહેરના બુદ્ધિજીવીઓ પણ બિલને અયોગ્ય ઠેરવી રહ્યાં છે, નિષ્ણાતોના મત અનુસાર, જો આપણે ૧૮ વર્ષને વોટિંગ માટે યોગ્ય ગણતા હોઇએ તો પછી સેક્સ માટે ૧૮ વર્ષની ઉંમરને ઇમમેચ્યોર ગણવી યોગ્ય છે? કાયદામાં કેટલીક મહત્ત્વની જોગવાઇઓ અંગે ખુલાસો કરવામાં નથી આવ્યો પરિણામે કાયદાના દુરુપયોગ અંગે નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે.
આ બિલ અંગે શહેરના યંગસ્ટર્સના મત જાણવા માટે સિટીલાઇફે એક સર્વે હાથ ધર્યો હતો, જે અંતર્ગત ૨૮ કોલેજિયન ગર્લ્સ અને ૨૨ બોય્ઝનો બિલ અંગે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ ૫૦ યંગસ્ટર્સમાંથી ૪૦ જણાએ નવી વયમર્યાદાની તરફેણ કરી હતી, બીજી ગર્લ્સ કોલેજની દિવ્યા રાજપૂતે બિલની તરફેણ કરતાં જણાવ્યું હતું કે, ૧૮ વર્ષ સુધીના યંગસ્ટર્સ ઇમોશનલી મેચ્યોર નથી હોતા, વળી, લાગણીઓમાં તણાઈને ફિઝિકલ રિલેશન બાંધ્યા પછી તેનાં કારણે સહન કરવા પડતા સામાજિક સમીકરણોની ત્યારે એટલી સમજ હોતી નથી આથી આવા ઇમમેચ્યોર લોકોને સમજણથી નહીં કાયદાથી જ રોકવા જોઈએ.
કેટલાક સ્ટુડન્ટના મતે સેક્સ માટે ૧૬ વર્ષની વયે શરીર સેક્સ માટે તૈયાર નથી હોતું, આવો જ મત ધરાવતી સ્કૂલ ઓફ સાયન્સની ડિમ્પલ જયસ્વાલ કહ્યું હતું કે, ૧૬ વર્ષની વયે છોકરીનું શરીર ફિઝિકલ રિલેશન બાંધવા સક્ષમ નથી હોતું. ૧૮ વર્ષે જ છોકરીઓ માનસિક રીતે મેચ્યોર થતી હોય છે. મારા મતે તો ૧૮ વર્ષ પછી જ સેક્સનો કાયદો બેસ્ટ છે .
સર્વે દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સે એમ પણ જણાવ્યું હતું કે, જો સંમતિથી બંધાયેલા સંબંધને પણ ગેરકાયદે ગણવામાં આવે તો એકને નહીં પણ છોકરા-છોકરી બંનેને સરખી સજા થવી જોઇએ. વયમર્યાદાની તરફેણ કરવાવાળા ૪૦ યંગસ્ટર્સનો આ અભિપ્રાય છે, આવો જ ઓપિનયન ધરાવતા એચએ કોલેજના સ્વપન ચંદારાણાના મતે, સંમતિથી બંધાયેલા ફિઝિકલ રિલેશનને જો ક્રાઇમ ગણવામાં આવે તો બંનેને દોષિત ગણાવવાં જોઇએ, કારણ કે કેટલાક કિસ્સાઓમાં સંમતિથી બંધાયેલા રિલેશન અંગે લોકોને જાણ થાય ત્યારે મોટેભાગે છોકરાને જ દોષિત ગણવામાં આવે છે. મેચ્યોરિટી વગરના સંબંધ માટે બંને પાત્ર સરખાં જવાબદાર છે. ડિમ્પલ તેના સપોર્ટમાં કહે છે, સ્વેચ્છાએ સેક્સ કરનાર યુવતીને પણ યુવક જેટલી જ દોષિત ગણી સજા કરવી જોઈએ.