જામનગર તા.ર૮
ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં કપાસ, ડુંગળીના બહુ જ ઓછા ભાવ મળ્યા બાદ લસણમાં પણ ખેડુતો માટે બહુ સારા સમાચાર નથી. ગત વર્ષે લસણના સારા ભાવ મળ્યા બાદ આ વર્ષે લસણના ભાવ રૂ.પ૦૦ થી ૬૦૦ના રહયા હતા. તે પણ આજે ઘટીને રૂ.૯૦ થી રૂ.ર૭૦ થઈ ગયા છે. ત્યારે આ વખતે ચીનના લસણે પણ ભારતમાં જોરદાર માર્કેટ સર કર્યુ છે અને નેપાળ બોર્ડર પરથી પણ ચીનનું સસ્તુ લસણ ભારતની બજારમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહયું હોવાનું જાણવા મળ્યુ છે. માર્કેટ યાર્ડના લસણના વેપારી સુત્રોએ જણાવ્યા મુજબ એકલા નેપાળ બોર્ડરથી લગભગ દરરોજની રપથી વધારે ગાડી ચીનના લસણની ભારતની બજારમાં ઠલવાય છે અને સરકાર તેને અટકાવવા માટે કોઈ પગલા લેતી નથી. નેપાળ બોર્ડરથી ભારતમાં ઠલવાતુ લસણ ભારતના ઘણા રાજયમાં જાય છે અને ચીનનું લસણ ભારતના લસણ કરતા ઘણુ સસ્તુ હોવાના કારણે ભારતના લસણની જગ્યા પર ચીનના લસણની ખરીદી અને ડીમાન્ડ બંને વધી છે અને તેને કારણે ભારતના ખેડૂતોને પણ આ વખતે ઓછા ભાવ મળી રહયા છે.
- ચીનના સસ્તા લસણનું ભારતીય બજાર પર આક્રમણ ખાળવામાં નહીં આવેતો ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે
સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું લસણ ઘણુ સારુ માનવામાં આવે છે અને ત્યાં સ્થાનિક ડીમાન્ડ પણ હોય છે પણ આ વખતે ચીનના લસણને કારણે ડીમાન્ડ પણ નથી અને નવુ લસણ હજુ માર્કેટમાં આવવાનું શરૂ થયું છે ત્યારે ખેડૂતોને મળવા જોઈએ તેટલા ભાવ મળતા નથી અને તેને કારણે આ વખતે ખેડૂતોને કપાસ, ડુંગળી બાદ હવે લસણના ભાવ પણ પુરા મળતા નથી. જામનગરના લસણના વેપારી કહે છે કે આ વખતે ભાવ ઓછા છે. ગત વર્ષે તો લસણમાં પણ તેજી જોવા મળી હતી અને ભાવ પણ રૂ.૧૦૦૦ સુધી ગયા હતા અને આ વખતે જેમની પાસે જુનુ લસણ પડયું છે તેમને અહીં ભાવ ર૦ કીલોના માત્ર રૂ.ર૦૦ થી રૂ.૪૦૦ જેટલા મળ્યા છે અને હજુ માલની આવક વધશે ત્યારે લસણનું ચિત્ર શું હશે તે કહેવુ મુશ્કેલ છે તેમ લસણના વેપારી ટી.ઈ.સાટોડીયા કહે છે.
એક બાજુથી ખેડૂતોને કપાસના ભાવ પણ ન મળ્યા અને સાથોસાથ કપાસના મુદ્ લડત પણ ચાલે છે ત્યારે લસણના ભાવ ગગડી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. હાપા માર્કેટ યાર્ડના મહેશભાઈ વડોદરીયાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગોંડલમાં લસણની આવક શરૂ થઈ છે અને નવુ લસણ પણ માર્કેટમાં આવ્યું છે પણ જે ભાવ ખેડૂતોને મળવા જોઈએ તે મળતા નથી તે હકિકત છે વળી વાતાવરણમાં પણ ગરમી પડતી નથી ગરમી પડે તો લસણ સારૂ બને. વચ્ચે બે ત્રણ દિવસ ગરમી પડે છે ત્યાં વળી માવઠુ થઈ જાય છે અને કયાંક તો બરફના કરા પણ પડે છે તેથી વાતાવરણમાં ઠંડક આવી જતા માલની ગુણવત્તા અને આગળ જતા ચિત્ર કેવુ હશે તે કહેવુ મુશ્કેલ છે.