ગોરખપુર, તા. ૨૯
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આજે સવારે બે બસ સામસામે ટકરાઈ જતાં ઓછામાં ઓછાં ૨૦ લોકોનાં મોત થયાં હતાં અને આશરે ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ અકસ્માતમાં મોતનો આંકડો વધવાની દહેશત પ્રવર્તી રહી છે. મળેલી માહિતી મુજબ આ દુર્ઘટના સરકારી અને ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કરનાં કારણે થઈ હતી.
ઘાયલો પૈકી અનેકની સ્થિતિ ગંભીર
પોલીસે માહિતી આપી હતી કે ચિલુઅટાલ પોલીસસ્ટેશન વિસ્તારના મણિરામબ્રિજ વિસ્તારમાં આ દુર્ઘટના થઈ હતી. મળેલી માહિતી મુજબ ખાનગી બસ ગોરખપુરથી સોનાઉલી તરફ જઈ રહી હતી. બંને બસોની ગતિ ખૂબ વધારે હોવાનાં કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. ડ્રાઇવર બસ ઉપર કાબૂ રાખી શક્યા ન હતા. અકસ્માતમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયાં હતાં, ઘાયલ થયેલાં તમામ ૨૫ લોકોને બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. માર્યા ગયેલાં લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ ગમખ્વાર અકસ્માતના મામલામાં તપાસ કરી રહી છે. બનાવની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
કમિશનર રવિન્દ્ર નાયકે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને ૫૦,૦૦૦, ગંભીર રીતે ઘવાયેલાં લોકોને ૨૫,૦૦૦ અને સામાન્ય ઇજા પામેલાં લોકોને ૧૦,૦૦૦ રૃપિયાની સહાય કરવામાં આવશે.