રાજકોટ તા.૨૯ :
વર્ષ ૨૦૧૨/૧૩ના કેન્દ્રીય અંદાજપત્રમાં સર્વિસ ટેક્ષનો વ્યાપ વધારાયો છે. નવી-નવી અનેક સર્વિસોનો સર્વિસ ટેક્ષની જાળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા સર્વિસ પ્રો-વાઈડરો દ્વારા હજૂ સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, તેઓને જાળમાં લેવા માટે રાજકોટ સર્વિસ ટેક્ષ ડિવિઝન દ્વારા આવા સર્વિસ પ્રોવાઈડરોને શોધીને તેમને નોટિસો આપી રજિસ્ટ્રેશન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
- રાજકોટ સર્વિસ ટેક્ષ ડિવિઝન દ્વારા હાથ ધરાયેલી કવાયત
કેન્દ્રીય અંદાજપત્રમાં જે નવી સેવાઓને સર્વિસ ટેક્ષની જાળમાં સામેલ કરવામાં આવેલ છે, તેમાં માઈનીંગ અને કેરોસીન વિક્રેતાઓ પણ આવી જાય છે ત્યારે સર્વિસ ટેક્ષ ડિવિઝન દ્વારા રાજકોટ જિલ્લામાં કાર્યરત લીઝ હોલ્ડરો કે, જેઓ દ્વારા માઈનીંગ કરવામાં આવે છે, તેઓને શોધવાનું કામ છેલ્લા કેટલાક સમયથી શરૂ કરવામા આવ્યું હતું. રાજયના ખાણ-ખનીજ વિભાગમાંથી લીઝ હોલ્ડરોના નામ-સરનામા સહિતની માહિતી સર્વિસ ટેક્ષ ડિવિઝન દ્વારા મેળવી લેવામાં આવી છે અને તપાસ કરવામા આવતા મોટા ભાગના લીઝધારકો દ્વારા સર્વિસ ટેક્ષ રજીસ્ટ્રેશન મેળવેલ નથી. આથી, તેઓ રજીસ્ટ્રેશન મેળવી સર્વિસ ટેક્ષ ભરપાઈ કરે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨/૧૩ના અંદાજપત્રમાં સર્વિસ ટેક્ષનો સ્લેબ ૧૨ ટકા કરી નાખવામા આવ્યો છે. જે પહેલા ૧૦ ટકા હતો. માઈનીંગ ઉપરાંત શહેર તથા જિલ્લાના ઓઈલ કંપનીઓના કેરોસીન વિક્રેતાઓને સર્વિસ ટેક્ષની જાળમાં સમાવી લેવાયા છે. તેઓ દ્વારા કોઈ રજીસ્ટ્રેશન લેવાયા નથી. આથી, તેઓના નામ-સરનામા સહિતની માહિતીઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી મેળવી લેવામાં આવી છે. તેને આધારે નોટીસો ઈસ્યુ કરાશે.
રાજકોટ સર્વિસ ટેક્ષ ડિવિઝનની આવક અત્યારે રૂ.૧ હજાર કરોડને પાર કરી ગઈ છે પણ, નવી જે સેવાઓ સર્વિસ ટેક્ષની જાળમાં સમાવવામાં આવી છે, તેનાં આધારે નોટિસો ઈસ્યુ કરાયા બાદ સર્વિસ ટેક્ષની આવકમાં વધારો થશે. તેમ, માનવામા આવે છે. રાજકોટ ડિવિઝનની માફક અન્ય સર્વિસ ટેક્ષ ડિવિઝનો દ્વારા નોટિસો ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવનાર છે.અત્યાર સુધી સર્વિસટેક્ષની ચોરી ઝડપાતી ત્યારે સર્વિસ પ્રેવાઈડરો દ્વારા માત્ર રકમ ભરપાઈ કરી દેવામાં આવતી હતી પણ હવે એકસાઈઝ ચોરીની માફક સર્વિસટેક્ષની ચોરી કરનારની ધરપકડ કરવાની સતા સરકાર દ્વારા આપવામા આવી છે