સુરત, તા. ૨૯
કતારગામ પોલીસે શનિવારની રાત્રે કતારગામ રાશિ સર્કલ પાસેથી જાહેરમાં માઉઝર પિસ્તોલ લઈને ફરતા એક યુવાનની અટક કર્યા બાદ તેને આ પિસ્તોલ આપનાર યુવાન સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ૧૧ હજાર રૂપિયાની કિંમતની માઉઝર પિસ્તોલ અને ૪ કારતુસ કબજે કર્યા હતા. ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી એક આરોપીઓએ ગયા મહિને ધોરણ ૧૨ની પરીક્ષા આપી છે. જ્યારે એક આરોપી ગુરુકુલ સ્કૂલમાં સ્કેટિંગનો ટીચર છે.
- ઝડપાયેલા પાંચ પૈકી એક વિદ્યાર્થી તો બીજો સ્કેટિંગ ટીચર
કતારગામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.આર.ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ જનકસિંહ તથા હરીશ પાટીલને માહિતી મળી હતી કે રાત્રે ૨૧.૩૦ કલાકે રાશિ સર્કલ પાસેથી એક યુવાન માઉઝર પિસ્તોલ લઈને પસાર થવાનો છે. આ માહિતીના આધારે કતારગામ પોલીસે રાશિ સર્કલ પાસે વોચ ગોઠવી હતી, ત્યાંથી જેના વિશે બાતમી મળી હતી તે યુવાન પસાર થતા પોલીસે તેને ઝડપી પાડયો હતો. તેની ઝડતી લેતા તેના કબજામાંથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. જેની કિંમત ૧૧ હજાર રૂપિયા થાય છે. ઉપરાંત ચાર જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. ઝડપાયેલા યુવાનનું નામ સમીર હિંમતભાઈ બલર (રહે.રાજાનંદ સોસાયટી, લક્ષ્મીકાંત આશ્રમ રોડ, કતારગામ) છે, તેની પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે તેને આ માઉઝર જિજ્ઞોશ ઉર્ફે જીગો નરેન્દ્ર ગોહિલ (રહે.રિવરડ્રાઈવ સોસાયટી ડિ.માર્ટની બાજુમાં, ચોકબજાર)ની છે અને જિજ્ઞોશે આ પિસ્તોલ રાખવા માટે આપી છે, એટલે પોલીસે જિજ્ઞોશની પણ ધરપકડ કરી હતી. જિજ્ઞોશની પૂછપરછ કરતા તેણે કહ્યું કે તેના આ પિસ્તોલ ૨૩ હજાર રૂપિયામાં કુશ ભૂપેન્દ્રભાઈ પટેલ (રહે. શિવધારા કોમ્પ્લેક્સ, હરીઓમ નગર, કતારગામ) પાસેથી ખરીદી છે. પોલીસે કુશની ધરપકડ કરી હતી. કુશે હાલમાં ધોરણ ૧૨ની પરીક્ષા આપી છે.
કુશે પોલીસને જણાવ્યું હતું કે તેને આ પિસ્તોલ વિરલ ઉર્ફે બીટુ વિનોદ સોલંકી (રહે. હરિદર્શન સોસાયટી, નવા કોસાડ રોડ,અમરોલી)એ વેચવા માટે આપી હતી, એટલે પોલીસે વિરલની ધરપકડ કરી હતી. આ વિરલ ગુરુકુલ સ્કુલમાં સ્કેટિંગનો ટીચર છે. વિરલે પોલીસને જણાવ્યું હતું કે આ પિસ્તોલ તેને સુરેશ પુરુષોત્તમ સોલંકી (રહે.અમીધારા સોસાયટી, દેવીકૃપા સોસાયટી પાસે, ઉત્રાણ) એ આપી છે એટલે પોલીસે સુરેશની પણ ધરપકડ કરી હતી પરંતુ સુરેશ મોઢું ખોલવા તૈયાર નથી. પોલીસે સુરેશને તૃતીય લોચનના દર્શન કરાવ્યા હોવા છતાં સુરેશ કાંઈ કહેવા રાજી નથી. આરોપી સમીર મકાન બાંધકાન કરવાનું કામ કરે છે. જ્યારે જિજ્ઞોશ જમીન દલાલ તરીકે કામ કરે છે જ્યારે સુરેશ મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. સુરેશે વિરલને કહ્યું કે તેની પાસે હથિયાર છે જે વેચવું છે. વિરલે કુશને કહ્યું હતું. કુશે જિજ્ઞોશને આ વાત કરતા જિજ્ઞોશે ૨૩ હજાર રૂપિયામાં આ પિસ્તોલ ખરીદી હતી. જિજ્ઞોશે સમીરને કહ્યું હતું કે લાઈસન્સવાળી માઉઝર પિસ્તોલ તારી પાસે રાખ પછી લઈ લેવા.
વરાછામાં હોન્ડા સીઆરવી કારમાંથી માઉઝર પિસ્તોલ ચોરાઈ હતી
આરોપીઓ પાસેથી મળી આવેલી માઉઝર પિસ્તોલ ૧૯ માર્ચના રોજ વરાછામાં અશ્વિનીકુમાર રોડ પરથી ચોરાઈ હતી. અશ્વિનીકુમાર રોડ પર રામબાગ સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા રમેશ લાલજી પોલરાએ લાઈસન્સ લઈને જર્મન બનાવટની માઉઝર પિસ્તોલ ખરીદી હતી. તેઓ હંમેશાં તેમની હોન્ડા સીઆરવી કાર નંબર જીજે-૫-સીજે-૯૧૯૯ માં ડ્રાઈવર સીટ અને તેના બાજુની સીટ વચ્ચે પિસ્તોલ અને કારતુસ મુકતા હતા. ૧૯ માર્ચના રોજ તેઓ કાર લઈને અશ્વિનીકુમાર રોડ પર સરસ્વતી સ્કૂલના નાકે આવેલી ફરસાણની દુકાને ફરસાણ ખરીદવા કાર લઈને ગયા હતા તે સમયે કોઈ ચોર તેમની કારમાંથી માઉઝર પિસ્તોલ અને ૪૦ જીવતા કારતુસ ચોરી કરીને નાસી ગયો હતો.