Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:44:28 PM IST
 

આટલી મોડી રાત્રે મારા ફલેટ પર કેમ આવ્યા ? (કભી કભી)

Apr 30, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 16394
Rate: 3.6
Rating:
Bookmark The Article

કભી કભી

શન એ વિસ્તારની કુખ્યાત મહિલા હતી. જમીન- જાયદાદ પર કબજા કરી લેવાથી માંડીને ગેરકાયદેસર દારૂ વેચવાનો પણ તે ધંધો કરતી હતી. કોઈ વાર અય્યાશોની માંગ પર કોલગર્લ સપ્લાય કરવાનું કામ પણ કરતી હતી. રાજકોટ તેનું કાર્યક્ષેત્ર હતું. આજકાલ ઉચ્ચવર્ગમાં 'વાઈફ સ્વેપિંગ' અર્થાત્ પત્નીઓની અદલાબદલી કરતો એક વર્ગ પેદા થયો છે. રોશનને પતિઓની અદલા બદલીનો શોખ હતો.

  • રોશન એક એવી સ્ત્રી હતી જેને અવાર- નવાર પતિઓ બદલવાનો જ શોખ હતો

રોશનની પહેલી શાદી હુસેન જમાલ સાથે થઈ હતી. તેનાથી તેને બે બાળકો પણ થયાં હતાં. સમય વીતતાં રોશનને તેના પતિથી કંટાળો આવવા લાગ્યો. તે નવા રોમાંસની શોધ કરવા લાગી. એક રાત્રે ન્યૂઝ ચેનલ પર 'વાઈફ સ્વેપિંગ'નો એપિસોડ જોયો અને રોશનને પતિની અદલાબદલી કરવાનો આઈડિયા ગમી ગયો. તે હુસેનથી બોર થઈ ગઈ હતી. એક રાત્રે એણે પતિને ન્યૂઝ ચેનલ પર જોયેલો વાઈફ સ્વેપિંગના વિચારને અમલમાં મૂકવા કહ્યું. પતિ ગુસ્સે થઈ ગયો. હુસેન બોલ્યોઃ ''તું સ્ત્રી છે કે હવસખોર ? શું જાહેરખબર આપી દઉં કે બીબી લાવો ઔર બીબી પાઓ ? હવે આવી વાત કરીશ તો ફટકારીશ.''

રોશનને ખ્યાલ આવી ગયો કે પતિ એવા કોઈ પણ અનૈતિક કૃત્ય માટે તૈયાર નથી એટલે એણે હુસેન સાથે બોલવાનું બંધ કરી દીધું. પતિ બદલવાનો તેનો ઈરાદો પાકો હોઈ એક દિવસ એણે તલાક લેવાની ઈચ્છા વ્યક્ત કરી. રોશન જે રીતે ગેરમર્દને હમબિસ્તર બનાવવાની માગણી કરતી હતી તે જોઈ હુસેનને ખ્યાલ આવી ગયો કે રોશનની માનસિક્તા વિકૃત થઈ ગઈ છે. આવી કામુક સ્ત્રીને ઘરમાં રાખવાને બદલે એણે રોશનને તલાક આપી દેવામાં ડહાપણ સમજયું.

પતિથી છૂટા થતાં રોશને જીકા જમાલ નામના યુવકને શોધી કાઢયો. થોડા મહિના બાદ રોશન જીકા જમાલથી પણ કંટાળી ગઈ. છ મહિના જાકા જમાલ સાથે ગુજાર્યા બાદ રોશને મનોજ યાદવ નામના દલિત યુવકને ફસાવી દીધો. મનોજ યાદવ સાથે મોજમજા કરતાં કરતાં થાકી ગયેલી રોશને મનોજ યાદવને છોડી દીધો અને એક નોટરીના ઘરમાં જઈ બેસી ગઈ. બે વર્ષ નોટરીના ઘરમાં રહી અને હવે નોટરીથી પણ તેને કંટાળો આવવા લાગ્યો. નોટરીથી અલગ થયા બાદ રોશન હવે ભાડાના ફલેટમાં રહેવા લાગી. રોશનનાં બંને સંતાનો તેના પહેલા પતિ હુસેન પાસે હતાં તેથી રોશન સાવ એકલી જ રહેતી હતી. હુસેનથી તલાક થયા બાદ તેણે ત્રણ શાદીઓ કરી હતી. અત્યાર સુધીમાં ચાર પતિસુખ ભોગવી ચૂકી હતી.

રોશન હવે ગેરકાયદે દારૂ પણ વેચવા લાગી. આ કામથી તેને પૈસા પણ મળવા લાગ્યા હતા. દારૂ વેચવા થોડા છોકરા પણ નોકરી પર રાખી લીધા હતા. પૈસા તો એ કમાવા લાગી હતી. પરંતુ મોજમસ્તી માટે એ હવે સ્થાયી કોઈ સાધન ચાહતી હતી. રોશનને હવે પાંચમા પતિની તલાશ હતી. રોશન તેના ફલેટ પરથી જેમને ગેરકાયદે દારૂ વેચતી હતી તેમાં તેનો એક કાયમી ગ્રાહક રાજેન્દ્રસિંહ લખુભા જાડેજા પણ હતો. લોકો તેને 'રાજભા' ના ટૂંકા નામે ઓળખતા હતા. ૨૮ વર્ષના રાજેન્દ્રસિંહ લખુભા જાડેજા મૂળ રાજકોટ- જામનગર રોડ પર આવેલા હડમતિયા ગામનો વતની હતો. રાજભા યુવાવસ્થામાં જ ધંધો કરવા તેના ભાઈ સાથે રાજકોટ આવ્યો હતો અને 'જી' નામની એક દુકાન પણ ખોલી હતી. રાજભા પ્રોપર્ટી ડીલિંગનું કામ પણ કરતો હતો. જમીનના ધંધામાં તે સારું કમાયો હતો. તેની પાસે હવે સુંદર ફલેટ અને બીજી સ્થાવર મિલકત પણ હતી. રાજકોટ આવ્યા બાદ તેને શરાબનો ચસ્કો લાગી ગયો હતો. તે હવે રોશનના ફલેટ પરથી દારૂ મંગાવતો હતો. એક રાત્રે ૧૧-૩૦ વાગે રાજભા દારૂ લેવા ખુદ રોશનના ફલેટ પર પહોંચી ગયો. એણે બારણું ખટખટાવ્યું. રોશન રાજભાને મોડી રાત્રે આવેલો જોઈ વિચારમાં પડી ગઈ. તેણે પૂછયું: ''આટલી મોડી રાત્રે તમે મારા ફલેટ પર કેમ આવ્યા ?''

રાજભાએ કહ્યું: 'વ્હિસ્કીની બોતલ જોઈએ છે. બહુ ટેન્શનમાં છું.''

રોશનને ખ્યાલ આવી ગયો કે રાજભા પહેલેથી જ પીને આવ્યો છે અને હજુ વધુ પીવાની ઈચ્છા છે. રોશને રાજભાને અંદર આવવા દીધો. રાજભાને ડ્રોઈંગરૂમમાં બેસાડી તે અંદરના રૂમમાં જઈ તેને મનપસંદ બ્રાન્ડની વ્હિસ્કી લઈ આવી. રાજભાએ પૈસા ચૂકવવા પાકીટ ખોલ્યું પણ રોશન બોલીઃ ''આજે તમે મારા મહેમાન છો. અહીં જ બેસીને પીવો. હું પાણી, બરફને સોડા અંદરથી લઈ આવું.'' થોડીવારમાં રોશને આખું સેન્ટર ટેબલ નમકીન, આઈસક્યૂબ્સ અને બોતલથી સજાવી દીધું. હવે બે નશાબાજ આમને સામને હતાં. એકને શરાબનો નશો હતો, બીજાને કામનો. રોશન રાજભાના વિશાળ બાહુ અને શક્તિશાળી શરીર સૌષ્ઠવને જોઈ રહી. રાજભાએ પૂછયું : ''તું નહીં પીવે ?''

રોશને કહ્યું: ''હું આંખોથી નશો કરી રહી છું.''

રાજભા શરાબ પીતો રહ્યો અને રોશન લાલચભરી નજરે એને જોતી રહી. બંનેનો નશો પરાકાષ્ટાએ પહોંચ્યો અને એ દિવસ પછી તેઓ પ્રગાઢ સાથી બની ગયાં. તે દિવસ પછી રોશન રાજભાને વ્હિસ્કી પીરસતી રહી અને રાજભાને તેની કામનાઓની અનંત ગહેરાઈઓમાં ડૂબાડતી રહી. એ સંબંધ એટલો મજબૂત બન્યો કે એક દિવસ રાજભાએ પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ અનેક પતિઓ બદલી ચૂકેલી રોશનને લગભગ ઘરવાળી જ બનાવી દીધી. રાજભાના પ્રતિષ્ઠિત પરિવારે રાજભા સાથેના સંબંધો તોડી નાંખ્યા. રોશન માટે તો રાજભાના બદનની તાકાત અને ખિસ્સાના પૈસાનું જ મહત્ત્વ હતું. રોશન અને રાજભા હવે સંગસંગ રહેવા લાગ્યા. રાજભા યુવાન અને પૈસાપાત્ર હોવાથી આ સંબંધ ઝાઝો ટક્યો. વળી રાજભા રોશન કરતાં ૧૦ વર્ષ નાનો હતો. અગાઉ ચાર પતિઓને છોડીને આવેલી રોશન માટે રાજભા વધુ લાંબો સમય તેના જીવનમાં રહ્યો. રાજભા હવે રોશનની તમામ આર્થિક જરૂરિયાતો પૂરી કરતો હોઈ રોશને ગેરકાયદે દારૂ વેચવાનો અને બીજાં ગેરકાનૂની કામો છોડી દીધાં.

સમય વહેતો રહ્યો.

એક દિવસ મોરબી બાયપાસ નજીક માધાપર ચોકડીની એક દરગાહ નજીકની ગલીમાંથી એક માનવલાશ મળી. મૃતદેહ નિહાળનાર વ્યક્તિએ પોલીસ કંટ્રોલને જાણ કરી. પોલીસે પુરુષ મૃતદેહનો કબજો લીધો મરનારના શરીર પર ૨૦ જેટલા ઘા હતા. મરનારના હાથ પર 'રોશન' લખ્યું હતું. 'રોશન' એ શબ્દ જ મરનાર વ્યક્તિની ઓળખ માટેની બારી હતી. વળી જ્યાંથી લાશ મળી ત્યાં લોહી નામ માત્ર જ હતું. મતલબ સાફ હતો કે હત્યા બીજે ક્યાંક થઈ છે અને લાશ અહીં ફેંકી દેવાઈ છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. મરનાર વ્યક્તિના હાથ પર લખેલા 'રોશન' નામના કારણે શોધતાં વાર લાગી નહીં. રોશન એક મહિલા બૂટલેગર હતી. મરનાર વ્યક્તિની પણ ઓળખવિધિ થઈ ગઈ કે મૃત્યુ પામેલ વ્યક્તિ રાજભા ઉર્ફે રાજેન્દ્રસિંહ લખુભા જાડેજા જ છે. સગાંસંબંધીઓએ રાજભાની લાશ ઓળખી કાઢી. રાજભાના નાનો ભાઈ નરેન્દ્ર રાજભા અને રોશનના સંબંધો જાણતો હતો. નરેન્દ્રએ પોલીસને જણાવ્યું: '' મારા ભાઈને પાછળથી તેમણે કરેલી ભૂલ બદલ પસ્તાવો થઈ રહ્યો હતો. મારા ભાઈ રોશનથી કંટાળી ગયો હતો. એક દિવસ તેણે મને કહ્યું હતું કે, રોશન સાથે અઢી વર્ષ વીતાવ્યા બાદ કહ્યું હતું કે, ''હું એવા યુવાનને શોધી રહી છું જેને હું મારો છઠ્ઠો પતિ બનાવી શકું. જે દિવસે એ મને મળી જશે એ દિવસે હું ઘર છોડી દઈશ. રોશનની આ વાતથી મારા ભાઈ રાજભા બહુ દુઃખી હતા. અને એક દિવસ તેમણે રોશનને તલાક આપી દીધા હતા.''

રોશનને તલાક આપી રાજભાએ પોતાની ભૂલ તો સુધારી લીધી હતી અને પરિવારજનોએ રાજભાને માફ કરી દીધા હતા. પિતા લખુભાએ પુત્રને દૂધની ડેરી પણ ખોલી આપી હતી. તે પછી પરિવારે તેમની જ જ્ઞાતિની ઝાંઝમેર ગામની એક યુવતી સાથે સગાઈ પણ કરી. આ વાતની ખબર પડતાં રોશન ખુદ ઝાંઝમેર પહોંચી ગઈ અને મોટો બખેડો કર્યો હતો. રોશન ઝાંઝમેર જઈને બોલી હતીઃ ''રાજભાની પત્ની તો હું છું, તો તમે તમારી છોકરીને રાજભાને કેવી રીતે પરણાવી શકો છો ?''

રોશનના આ તોફાન બાદ ઝાંઝમેરવાળાએ તેમની પુત્રીની રાજભા સાથેની સગાઈ તોડી નાંખી. આ ઘટનાક્રમ વર્ણવ્યા બાદ નરેન્દ્રએ પોલીસને કહ્યું: ''મારા ભાઈ રાજભાના પૈસા અને તેમની જમીન- મિલકત હડપ કરવા રોશન રાજભાને બીજી છોકરી સાથે પરણવા દેવા માંગતી નહોતી.એટલે આ હત્યા પણ રોશને જ કરાવી હોવી જોઈએ !''

નરેન્દ્રના નિવેદન બાદ પોલીસ હવે રોશનને શોધવા લાગી. રોશન તેના ફલેટમાંથી ફરાર હતી. દરમિયાન ખબર પડી કે રોશન ૧૯ વર્ષની વયના અમીર મોહંમદ ગિરાજ નામના છોકરા સાથે એક વિસ્તારમાં રહે છે. અમીર મોહંમદ રોશનથી અડધી ઉંમરનો હતો અને તેનો છેલ્લો શિકાર હતો. પોલીસે રોશન અને અમીર મોહંમદને ઝડપી લીધા. હત્યાનું રહસ્ય કાંઈક આવું હતું. રોશન અમીર મોહંમદ સાથે લગ્ન તો કરવા માંગતી હતી પણ રાજભાને પણ છોડવા માંગતી નહોતી. દૌલત માટે છૂટાછેડા બાદ પણ તે રાજભાને પકડી રાખી તેની મિલકત કબજે કરવા માંગતી હતી. આ વાતની ખબર પડતાં રાજભા સતર્ક થઈ ગયો. તેણે તેની દુકાન, ફલેટ, જમીન વગેરે ઓછી કિંમતે વેચીને તે ઘરમાંથી બહાર નીકળી જવા પ્રયાસ કરવા માંડયો હતો. આ વાતની ખબર પડતાં રોશન ક્રોધે ભરાઈ હતી. લાખોની મિલકત હાથમાંથી સરકી જતી જોઈ એણે તેના નવા પ્રેમી અમીર મોહંમદને કહ્યું: ''હું તને કરોડપતિ બનાવી શકું તેમ છું. રાજભા તેની મિકલત વેચી ભાગી જાય તે પહેલાં આપણે રાજભાનું કાંઈ કરવું પડશે. એમ નહીં થાય તો આપણે કંગાળ બની જઈશું.''

અમીરે પૂછયું: ''શું કરવું પડશે ?''

રોશને કહ્યું હતું : '' તું રાજભાને પતાવી દે. હું તને રૂ.૧૦ લાખ આપીશ.''

અમીરને રોશનની કામુક્તા અને પૈસા બેઉ જોઈતા હતા. એક સાંજે અમીરે બીજા ત્રણ સાગરીતોની મદદથી રાજભાની તેના ઘરમાં જ ઘૂસીને ચાકુથી હત્યા કરી નાંખી અને લાશ ઓટોરિક્ષામાં નાંખી માધાપર પાસે આવેલી દરગાહ નજીક ફેંકી દીધી.

પોલીસે રોશન સહિત અમીર મોહંમદ અને તેના તમામ સાગરીતોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

કામુક અને પૈસાની લાલચુ સ્ત્રીઓ આટલી હદે પણ જઈ શકે છે.

- દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com