ભાવનગર તા.ર૯
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અલંગ-સોસીયા જહાજવાડા અને પીપાવાવ બંદરનો વ્યાપાર દેશના સિમાડા વટાવી પરદેશની ભુમી સુધી વિસ્તરેલો છે. વિદેશી વ્યાપર સંલગ્ન શિપ બ્રેકીંગ અને શિપીંગ ટ્રેડમાં કસ્ટમ ખાતાની મહત્વની ભુમિકા હોય કસ્ટમ વિભાગની વેબ સાઈટનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. જો કે તંત્રવાહકોની આળસને કારણે નિયમિત અપડેઈટ કરવાના આવતી નથી. જેથી હાલમાં પણ કસ્ટમ ખાતાની વેબ સાઈટમાં બાબા આદમ વખતની વિગતો સાથે ભાવનગર કસ્ટમ ડીવીઝનના આસી. કમિશ્નર તરીકે હજુ અમીત ગુપ્તાને ચાલુ રાખીને ભગો કર્યો છે.
- બદલી-બઢતીના ઓર્ડર બાદ પણ વેબ સાઈટમાં જુની માહિતી
- કસ્ટમની વેબ સાઈટમાં ઉડીને આંખે વળગતી અનેક ક્ષતીઓ
કસ્ટમ વિભાગમાં અંદાજે એકાદ વર્ષ પહેલા કસ્ટમ જામનગર હેડક્વાર્ટર નીચેના ભાવનગર, પીપાવાવ, ભુજ, પોરબંદર સહિતના કસ્ટમ ડીવીઝનમાં બઢતી અને બદલીના ઓર્ડર નીકળ્યા હતા. જેમા ભાવનગર અને પીપાવાવ કસ્ટમ ઓફિસના આસી. કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા અમીત ગુપ્તાની પણ રાજકોટ ખાતે બદલી થઈ હતી. તેમની જગ્યાએ જામનગર કસ્ટમથી મોની દાસને ભાવનગર કસ્ટમ ડીવીઝનના આસી. કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા હતા.
જો કે કસ્ટમ ખાતાના તંત્રવાહકો દ્વારા કસ્ટમ વિભાગની વેબ સાઈટ બઢતી અને બદલીના ઓર્ડર બાદ પણ લાંબા સમયથી કોઈપણ જાતની માહિતી અપડેઈટ કરવામાં આવી નથી. જેથી ભાવનગર અને પીપાવાવ કસ્ટમ ડીવીઝનના આસી. કમિશ્નર તરીકે હજુ પણ અમીત ગુપ્તાનું નામ બોલે છે. આ ઉપરાંત કસ્ટમ ખાતાની વેબ સાઈટમાં જુની માહિતી સાથે વર્ષ-ર૦૧૧ની રજાઓ મુકવા સહિત બીજી અનેક ક્ષતીઓ ઉડીને આંખે વળગે છે.
કસ્ટમ વિભાગની વેબ સાઈટમાં બાબા આદમ વખતની જુની વિગતો ચાલતી હોવા છતાં ભાવનગર કસ્ટમ ડીવીઝનના તંત્રવાહકોને આ બાબત કેમ ધ્યાનમાં ન આવી ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. અત્રે નોંધનિય છે કે હાલમાં કસ્ટમ્સ અને એકસાઈઝ ખાતામાં એ.જી.ટી. (એન્યુઅલ જનરલ ટ્રાન્સફર)ની પૂર્વ તૈયારીમાં ભાવનગર કસ્ટમને સ્પીડમનીના હોટ પોસ્ટીંગમાં અગ્રેસર માનવામાં છે ત્યારે ભાવનગર કસ્ટમના તંત્રવાહકો સ્પીડમનીમાં રચ્યા પચ્યા રહેતા તંત્રવાહકો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનિય છે.