અમદાવાદ, તા.૨૯
ગુજરાત યુનિર્વિસટી અને સીએ ઇન્સ્ટિટયૂટ મેનેજમેન્ટની વધુ એકવાર બેદરકારી છતી થઇ છે. સીએ અને એમકોમની પરીક્ષાઓનું એકસાથે આયોજન કરાતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
સીએ આઇપીસીસીની પરીક્ષાઓ ૩ મે થી શરૂ થશે અને ૧૬ મે સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ કુલ સાત પેપર આપવાના રહેશે જ્યારે પરીક્ષાનો સમય ૨થી ૫ સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સીએ ફાઇનલની આઠ વિષયની પરીક્ષાઓ બીજીથી ૧૭ મે સુધી ચાલવાની છે. જો કે, નવાઇની વાત તો એ છે કે, જે વિદ્યાર્થીઓએ આર્ટીકલશીપ કરી હોય તેવા વિદ્યાર્થીઓએ પાર્ટ ટાઇમ સીએ કરવા પરમીશન લેવી પડતી હોય છે. આવા ઉમેદવારો એમકોમ સાથે સીએની પરીક્ષા આપી શકે છે. સીએની પરીક્ષામાં એમકોમના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. પરંતુ બંને પરીક્ષાઓનું એક જ સમયે આયોજન કરવામાં આવ્યુ હોવાથી ઉમેદવારો કઇ પરીક્ષા આપવી તેને લઇને મુંઝવણમાં મુકાયા છે.
એમકોમ પાર્ટ- ૧ની પરીક્ષાઓ ૮ મે થી શરૂ થાય છે તેવી જ રીતે સીએની પરીક્ષાઓ બીજી મે થી શરૂ થાય છે. બંને પરીક્ષાઓ અલગઅલગ સમયે યોજાશે તેવી ગણતરી રાખી ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. પરંતુ મીસ મેનેજમેન્ટને કારણે બંને પરીક્ષાઓનું એકસાથે આયોજન કરી દેવામાં આવ્યુ હોવાથી વિદ્યાર્થીઓએ એક પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.