અમદાવાદ,તા.૨૯
મુંબઇ અને ભોપાલમાં ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના રાઇટહેન્ડ મનાતા ઇકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીની રૂ.૧૦ કરોડની મિલકતની હરાજી કોમ્પીન્ટન્ટ ઓથોરીટી સાફેમાએ કરી છે.આ ઉપરાંત મુંબઇમાં ઇકબાલ મિર્ચીની હોટલ,લકઝુરિયસ ફ્લેટ,એક એપાર્ટમેન્ટનો ફ્લેટ,અને બંગલો મળીને અંદાજે રૂ.૧૦૦ કરોડની મુંબઇમાં આવેલી મિલકતોને સાફેમા અમદાવાદ અને મુંબઇના અધિકારીઓએ ટાંચમાં લીધી છે.જે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તેમાં મુબઇમાં ફેરી ડિસ્કો થેક,હોટલ મિનાઝ,જુહુ-તારા રોડ ઉપર લકઝુરિયસ ફલેટ,વરલી અને લોનાવાલામાં બે વૈભવી બંગલાનો સમાવેશ થાય છે.
- ગુજરાતમાં બેનામી મિલકતોની હરાજી કરી રૂ. ૪ કરોડ મેળવ્યા
- કોઇ માફિયા ડોનની બેનામી મિલકતો ગુજરાતમાં નથી
જે મિલકતોની હરાજી કરવામાં આવી છે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનીપ્યુલેટર્સ એક્ટ(સાફેમા)ની કોમ્પિટન્ટ ઓથોરિટી અમદાવાદ અને મુંબઇ દ્વારા હરાજી કરવામાં આવી છે.જો કે, ગુજરાતમાં હજુ સુધી કોઇ અન્ડરવલ્ડેના ડોનની મિલકતો નહિં હોવાનું સાફેમાના સૂત્રાએ જણાવ્યું છે.
સાફેમા મુંબઇ અને અમદાવાદ ખાતેના સૂત્રાએ જણાવ્યું કે,દમણના દાણચોર સુકરનારાયણ બખિયાના કેરિયર એન.આર.પટેલનો નવસારી ગણદેવી નજીક આવેલા બીગરી ગામનો પ્લોટ રૂ.૧.૯૨ લાખ,સુકરનારયણ બખિયાનો મુંબઇમાં સીએચએસએલ,વોર્ડન રોડ નજીક આવેલા ગીતાભવનના સી બ્લોકમાં આવેલા ફ્લેટ નંબર-૦૯ની રૂ.૨ કરોડમાં હરાજી થઇ છે.જામ ખંભાળિયાના રેહમાબાઇ કુંગળાની સોડાસાલા ગામમાં આવેલી એગ્રીક્લચર જમીન રૂ.૧૮.૭૫ લાખ,રાજસ્થાનના બાડમેરના નવાબ ખાનની ઉતલ તાહસીલ ગામ ખાતે આવેલી જમીન રૂ.૬૦ લાખ,જામનગર સિક્કામાં આવેલા દાણચોર કાસમ ભટ્ટીનું મકાન રૂ.૮.૫૦ લાખ અને અમદાવાદમાં નરોડામાં વિસ્તારમાં એમ.એમ.એસ્ટેટ નજીક રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા શોભારામ શુક્લના બે પ્લોટની હરાજી રૂ.૮૮ લાખમાં કરાઇ છે.
મિલકત ખરીદનારનું કનેક્શન નીકળે તો મિલકત જપ્ત
અંધારી આલમના માફિયાઓની મિલકત હોય કે ડ્રગ્સ માફિયાઓની મિલકત હોય.હરાજીમાં જો કોઇપણ રીતે ખરીદનારનું કનેક્શન મકાન માલિક સાથે નિકળે તો સાફેમા એજન્સીને મિલકત જપ્ત કરવાની સત્તા છે.મિલકતને હરાજીમાં વેચાણ કર્યા બાદ પણ એજન્સી તેની વોચ રાખે છે કે,મિલકતનો ફાયદો મૂળ માલિકને મળે છે કે નહીં.જો પુરવાર થાય તો મકાનની ચુકવેલી રકમ પાછી મળતી નથી ઊલટાની મિલકત જ્પ્ત થઇ જાય છે અને તેની હરાજી ફરી કરવામાં આવે છે.સૂત્રાએ એમ પણ જણાવ્યું કે,હરાજીમાં ઊંચી બોલી બોલનારને ૨૫ ટકા રકમ ડિપોઝિટ કરીને એક મહિનાની અંદર પેમેન્ટ થયા બાદ મિલકતના દસ્તાવેજો આપવામાં આવે છે.જો ખરીદનાર એક મહિનામાં પેમેન્ટ ચુકવવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની રકમ પાછી મળતી નથી અને તેનો મિલકત ઉપર કોઇ હક રહેતો નથી.આવા કેસમાં ફરી હરાજી કરવામાં આવે છે.