અમદાવાદ 30, એપ્રિલ
* ..અને ધ્યાનચંદને અમદાવાદનાં સ્ટેડિયમમાં પ્રવેશ ન મળ્યો
'લિજેન્ડ' શબ્દ પણ જેની સામે મગતરું લાગે તેવા હોકીપ્લેયર એટલે મેજર ધ્યાનચંદ. ૧૯૩૬ની બર્લિન ઓલિમ્પિક્સમાં ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થઇ એડોલ્ફ હિટલરે તેમને જર્મનીનું નાગરિકત્વ અને જર્મન લશ્કરમાં ઉચ્ચ હોદ્દાની ઓફર મૂકી હતી, જોકે, ધ્યાનચંદને અમદાવાદમાં કડવા અનુભવનો સામનો કરવો પડયો હતો.
વાત ૧૯૬૧ની છે, અમદાવાદના શાહીબાગ ખાતે નગરવાલા સ્ટેડિયમમાં એક આંતરરાષ્ટ્રીય હોકી ટૂર્નામેન્ટ રમાઇ હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતના તે સમયના મોખરાના પ્લેયર્સ પણ રમ્યા હતા. ધ્યાનચંદે આ ટૂર્નામેન્ટનાં પાંચ વર્ષ અગાઉ જ નિવૃત્તિ લઇ લીધી હતી, આમ છતાં ધ્યાનચંદ આ ટૂર્નામેન્ટના સાક્ષી બનવા અમદાવાદ આવ્યા હતા. મેચ શરૂ થવાની હતી તેના થોડા સમય અગાઉ ધ્યાનચંદ સ્ટેડિયમમાં દાખલ થવા ગયા પણ તેમની પાસે પાસ કે ઓળખપત્ર નહીં હોવાથી તેમને પ્રવેશ મળ્યો નહોતો.
ધ્યાનચંદે એ સમયે જેમના નામ ઉપર હાલ સ્ટેડિયમ છે તે નગરવાલા સાથે આ મુદ્દે વાત પણ કરી હતી, પરંતુ ધ્યાનચંદને ભારતની જ મેચ જોવા પ્રવેશ મળ્યો નહીં, જોકે, આ અંગે ધ્યાનચંદે કદી પણ સત્તાવાર ફરિયાદ કરી નથી, જે તેમની સજ્જનતાનો દાખલો છે, આ કારણે આ ઘટનાને સત્તાવાર સમર્થન પણ મળતું નથી. થોડાં વર્ષ અગાઉ ધ્યાનચંદના પુત્ર અશોકકુમારે પોતાના પિતાની આત્મકથામાં અમદાવાદનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે 'મારા પિતાની અમદાવાદ સાથે કડવી યાદ સંકળાયેલી છે' જોકે, આ કડવી યાદ શું છે તેનો ઉલ્લેખ અશોકકુમારે પણ કર્યો નથી. ચાર વર્ષ અગાઉ મૃત્યુ પામનારા ગુજરાતની હોકી ટીમના સુકાની કિશન કર્વે 'મામા' ધ્યાનચંદ સામે મેચ રમી ચૂક્યા છે.