Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:26:24 AM IST
 

સંબંધોમાં એન્જોય કરો : Freedom

Apr 30, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4370
Rate: 1.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - મનીષા ભટ્ટ

સંબંધોની દુનિયા વગર કદાચ આપણું જીવન અધૂરું છે. સંસ્કૃતિની ધરોહરને અને સામાજિક પરંપરાને જાળવી રાખવા માટે સંબંધોનું જતન જરૂરી છે, પણ ક્યારેક સંબંધોનું જતન કરવામાં અને તેની આળપંપાળમાં વ્યક્તિગત સ્વતંત્રતા ગુમાવવી પડે છે. સંબંધને ટકાવી રાખવા માટે આગવા અસ્તિત્વની આહુતિ આપવી પડે છે, જે બિલકુલ યોગ્ય નથી. સંબંધો પણ મોકળાશમાં જ સારી રીતે ખીલી શકે છે, પણ બંધનરહિત સંબંધની જાણે કલ્પના જ થઈ શકતી નથી. સંબંધને બંધનની ગુલામીમાંથી કઈ રીતે છોડાવી શકાય? વાંચો, સ્પેશિયલ ટિપ્સ...

ઉછળતી કૂદતી મસ્તીખોર નેહા આજે બહુ ખુશ હતી. દુનિયાની તમામ દોલત જાણે તેણે હાંસલ કરી લીધી હતી. પોતાના બાળપણના મિત્ર આકાશ, જેને તે વર્ષોથી પ્રેમ કરતી હતી, તેની સાથે લગ્નની સ્વીકૃતિ મળી ગઈ હતી. ઘરના લોકો લગ્નની તૈયારીમાં ઉત્સાહભેર મચી પડયા હતા. અલબત્ત, નેહાને ઊંડે ઊંડે ડર કોરી ખાતો હતો કે આ નવા સંબંધોમાં ક્યાંક તેનું અસ્તિત્વ તો ઓગળી નહીં જાય ને...? આકાશના પ્રેમમાં પડયા પછી નેહાએ જાણે પોતાની જાતને આકાશને સર્મિપત કરી દીધી હતી. આકાશને ગમતું કરવામાં તેની ખુદની ઓળખ ભૂંસાઈ રહી હોય તેવું તેને આજે લાગતું હતું. તો સામે આકાશ પર પણ નેહાની અપેક્ષા મુજબ વર્તન કરવાનું દબાણ રહેતું હતું. નેહા અને આકાશના સંબંધોમાં પ્રેમ તો બેશુમાર હતો, પણ મોકળાશ ન હતી. કોઈ પણ સંબંધમાં એક પ્રકારના બંધનનો અહેસાસ થતો હોય છે, જે સંબંધના માધુર્યને ઘટાડતો હોય છે.

જ્યારે તમે તમારા પ્રિય પાત્રની નજીક હો ત્યારે તમારી જાતને

બધાંથી ખુશનસીબ માનતા હો છો જાણે કે દુનિયાભરમાં સૌથી સુખી અને સમૃદ્ધ વ્યક્તિ તમે જ છો, પરંતુ આનંદની આ પળોમાં અને ખુશીઓથી છલકાતી દરેક અનુભૂતિમાં સ્વતંત્રતા ક્યાંક ગાયબ તો નથી થઈ જતી ને? શું તમે તમારા પ્રિય પાત્રની નજીક હો છો ત્યારે સ્વતંત્રતા અનુભવો છો તો કદાચ મહદ્ અંશે વધુ લોકોનો જવાબ ના હશે. ભારતીય સમાજની એ વિટંબણા છે કે સંબંધોમાં પ્રેમ, સદ્ભાવ, હૂંફ અને વફાદારી વચ્ચે વ્યક્તિગત સ્વતંત્રતા ગૂંગળાઈ જાય છે. સંબંધોને સ્વતંત્રતાનો શ્વાસ લેવા દો. લાંબા દાંપત્યજીવન પછી પણ પતિ-પત્નીના સંબંધમાં પોતાની ઓળખ ખોવાઈ જવાનો ડર રહેતો હોય છે. સંબંધોમાં બંધનરહિતતા, અને પરસ્પરના વ્યક્તિત્વને ખિલવવાની મોકળાશ જરૂરી છે. મોકળાશમાં સંબંધો ખીલી ઊઠે છે, પણ એ લાવવી કઈ રીતે? ચાલો, આજે જાણીએ...

વ્યક્તિગત વિભિન્નતાને સ્વીકારો

રિલેશનશિપમાં એક સત્યને હંમેશાં યાદ રાખવું જોઇએ કે, બે વ્યક્તિઓમાં ક્યારેય સંપૂર્ણ સામ્ય નથી હોતું. આપણે બધાં જ અલગ અલગ વ્યક્તિગત લક્ષણો સાથે જન્મીએ છીએ જેમાંથી અમુક લક્ષણો જન્મજાત કે સ્વભાવગત હોય છે. આ લક્ષણોની સાથે જ મનુષ્યની વિકાસવૃદ્ધિ થાય છે. કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે ત્યારે જન્મગત મૂળ લક્ષણોને બદલવાની મથામણમાં કે પ્રિયજનને ગમતો વ્યવહાર કરવાની મૂંઝવણમાં સંબંધોમાં એક પ્રકારની ઔપચારિકતા સર્જાય છે જેમાં દૂર દૂર સુધી મરજી મુજબ જીવવાની સ્વતંત્રતા નથી હોતી. ત્યારે આ સ્થિતિમાં એકબીજાની સામે જ ખામીઓ, વિશેષતાઓને ખુલ્લી કરી દેવી જોઇએ. જે સંબંધોના વિકાસ માટેનો પ્લસ પોઇન્ટ છે અને આવા નિખાલસ માનસ સાથે સાથે સંબંધોને ફ્રીડમ સાથે માણી શકાય છે.

ગમતી પ્રવૃત્તિ કરવાની છૂટ આપો

સંબંધોને સ્વતંત્ર રીતે માણવા માટે લાઇફ પાર્ટનરે સારા મિત્ર બનીને રહેવું જોઇએ અને પાર્ટનરને જે પ્રવૃત્તિ કરવામાં રસ હોય તે કરવા દેવાની પણ સ્વતંત્રતા આપવી જોઇએ. આ સ્તરની બંને વચ્ચેની સમજણ સંબંધોમાં વ્યક્તિને વ્યક્તિગત રીતે વિકસવાની તક આપે છે. અને તમે મેરેજ રિલેશનશિપને પણ સ્વતંત્રતાની સાથે માણી શકો છો, જીવી શકો છો. સાઇકિયાટ્રિસ્ટ ડો. સરિતા શાહનું આ સંદર્ભે સૂચન છે કે, “સંબંધોને સ્વતંત્રતા સાથે જીવવા માટે લાઇફ પાર્ટનર સાથે અને તેના સ્વભાવ સાથે પણ કરાર કરવાના હોય છે. કહેવાનો અર્થ એ છે કે જીવનસાથીને સ્વીકારવાની સાથે તેના સ્વભાવગત લક્ષણોને પણ કોઇ વાંધા-વચકા વગર અપનાવી લેવા. આ માનસિકતામાં બંનેને પોતાની રીતે જીવવાની સ્પેસ મળી રહે છે.

સાઇકિયાટ્રિસ્ટ, ડો શાહના મત મુજબ “રિલેશનશિપમાં ફ્રીડમને માણવા માટે જીવનમાં અમુક પાયાના સિદ્ધાંતોને સ્થાપિત કરવા જરૂરી છે. તે માટે બંનેના ગમા અને અણગમા વિશે હેલ્ધી ડિબેટ કરવી જોઇએ અને તેમાં બંને પાર્ટનરે સામેલ થવું જોઇએ.

સ્વતંત્રતા આપતા અને લેતા શીખો

કોઈ પણ લાંબા સમયની રિલેશનશિપમાં એ બાબત બહુ જરૂરી બની જાય છે કે અહીં બંનેને તેના વ્યક્તિગત વિકાસની તક મળે.

એ વાત સો ટકા સાચી છે કે લાંબા ગાળાના સંબંધોમાં જોડાતી સ્ત્રી પોતાનું આગવું અસ્તિત્વ ગુમાવી બેસે છે. જોકે તે માટે થોડેઘણે અંશે તે પોતે પણ જવાબદાર હોય છે. આજની આધુનિક નારીએ લગ્ન અને બાળકોની સાર-સંભાળ સાથે પોતાના માટે પણ થોડોક એવો સમય ફાળવવો જોઈએ કે તે ખુદના માટે વિચારી શકે અને આગામી જિંદગી અંગે આયોજન કરી શકે. આખરે દરેક વ્યક્તિ માટે પોતાનો વ્યક્તિગત વિકાસ પણ મહત્ત્વનો છે. અહીં એ વાતનું ધ્યાન રહે કે પોતાની નજીકની વ્યક્તિઓથી દૂર થવાની વાત નથી, પરંતુ પોતાની ઓળખ ન ગુમાવવાની બાબત છે. શક્ય છે કે તમારા જીવનસાથીની તમે વધુ પડતી સંભાળ અને તકેદારી રાખતા હશો તો એનાથી તેમને પણ મૂંઝવણ થતી હશે. ક્યારેક તેમને લાગતું હશે કે તમે તેમની સ્વતંત્રતા છીનવી રહ્યા છો, તેમની દરેક બાબત પર નજર રાખી રહ્યા છો. આવી લાગણી બે નજીકની વ્યક્તિઓ વચ્ચે જન્મે એ પહેલાં બંનેએ આ મુદ્દાઓ વિશે ચર્ચા કરવી જરૂરી છે. અંગતના સંબંધોમાં પણ થોડી સી દૂરી જરૂરી હોતી હૈ’.

અપૂર્ણ હોવું ગુનો નથી

ઓફિસેથી થાકીને લોથપોથ થઈ ગયેલા તમારા પતિ જ્યારે ઘરે પાછા ફરે અને દુર્ગંધ મારતાં મોજાં ઘરમાં આમતેમ ફેંકે તો તમારો પ્રતિભાવ શું હોય? ગુસ્સે થશો ને! અહીં એ વાત સમજવા જેવી છે કે દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક ખામી હોય જ છે. તમે પહેલા દિવસે તમારા પતિના દુર્ગંધ મારતાં મોજાં જાતે જ એમના દેખતાં યોગ્ય સ્થાન પર મૂકશો તો બીજા દિવસથી આંખની શરમ સાથે કદાચ તે જાતે જ મોજાં યોગ્ય સ્થાને મૂકી દેશે. આખરે સમજદાર કો ઈશારા કાફી હૈ. જો તમારી અંગત વ્યક્તિઓની આવા સમજદારમાં ગણતરી ન થતી હોય તો જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને શાંતિથી આ બાબત માટે ટોકવી. આખરે દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ હોતું નથી. તેમને સંપૂર્ણ બનાવવા પ્રયાસો આદરવા પડે છે અને જો કેટલીક બાબતો સહન કરવા યોગ્ય હોય તો એ બાબતો અંગે સહનશીલ બની સામેની વ્યક્તિને ગમતું કરવાની છૂટ પણ આપવી પડે છે. આત્મીયતા ભરેલા સંબંધોની આ જ તો મજા હોય છે.

પરિવર્તન જરૂરી

તમે જીવનની નાની-મોટી બાબતોએ તમારા લાઈફ પાર્ટનરને બદલવા કરતાં ક્યારેક પોતે પણ બદલાતા શીખો. ક્યારેક એવું બને છે કે તમારા લાઈફ પાર્ટનર સાથે ગેરસમજના કારણે વાત વણસે છે. તમે તમારા પાર્ટનરમાં જે પ્રકારનાં પરિવર્તનો ઇચ્છો છો તે કેટલાં અંશે યોગ્ય છે. તેનો માપદંડ નક્કી કરતાં પહેલાં તમારે ખુદને શીખવું પડશે.કદાચ તમને જે બાબત ખૂબ જ અઘરી અને ગૂંચવણભરી લાગતી હોય તે બાબતનું સમાધાન નાની અમથી ચર્ચા દ્વારા પણ આવી શકે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે ભાવસંવેદનાથી ભરેલા સંબંધમાં એકબીજાના પોતીકા અસ્તિત્વને સ્વીકારી મનગમતું કરવાની જરા છૂટ આપો તો મનનો કોઇ ખૂણો ખાલી નહીં રહે અને જીવનની પળે પળને સભરતાથી માણી શકશો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com