નવી દિલ્હી, તા. ૩૦
ચૂંટણીમાં બિનકોંગ્રેસી પક્ષો સાથે સમાધાનને સ્વરાજની પુષ્ટિ
રાષ્ટ્રપતિપદની ચૂંટણીને નવો વળાંક આપતાં ભાજપે આજે નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અથવા કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા કોઈ પણ ઉમેદવારને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સિવાયના કોઈ પણ પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારને ટેકો આપવા ખુલ્લા મનથી વિચાર કરશે.
લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેઓ પ્રણવ મુખરજી સહિત કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારને સ્વીકારશે નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રણવ મુખરજી અને હામીદ અન્સારીનાં નામોની ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપની આ જાહેરાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અન્સારીના સંદર્ભમાં સ્વરાજે કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિપદના ગૌરવને અનુરૂપ નથી.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની મુદત જુલાઈમાં પૂરી થઈ રહી છે ત્યારે નવા રાષ્ટ્રપતિના ઉમેદવારોનાં નામ અંગે વ્યાપક અટકળો ચાલી રહી છે, આવા સમયે સુષ્મા સ્વરાજે યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવારને ટેકો આપશે અને બદલામાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે ટેકો મેળવશે તેવી એનડીએ સાથે કોંગ્રેસની કોઈ પણ પ્રકારની સમજૂતી થઈ હોવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો, તેમણે કહ્યું હતું કે તેઓ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપવા તૈયારી કરી રહ્યાં છે ત્યારે વિરોધી પક્ષ સાથે કોઈ પણ પ્રકારના વિનિમય સોદાની છાપ તેઓ ઊભી કરવા માગતા નથી.
સ્વરાજે કહ્યું હતું કે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેઓ યુપીએના સાથી પક્ષોની સ્થિતિ ચકાસી રહ્યાં છે, જોકે, એપીજે અબ્દુલ કલામ જેવા બિનકોંગ્રેસી ઉમેદવાર અંગે વિચારણા કરવાના તેમણે સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે બિનકોંગ્રેસી પક્ષોના રાષ્ટ્રપતિપદના ઉમેદવારને ટેકો આપવા અને ભાજપના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારને તેમના દ્વારા ટેકો આપવા સંબંધે તેમની સમજૂતી સધાઈ છે.
અટકળો નહીં કરવા પ્રણવની વિનંતી
રાષ્ટ્રપતિપદની સ્પર્ધામાં તેમના નામ અંગે સર્વસંમતિ સધાઈ હોવાના અહેવાલો સ્પષ્ટતા કરતાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આજે આ સંદર્ભમાં કોઈ અટકળો નહીં કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર અંગે સાથી પક્ષોમાં સર્વસંમતિના પ્રયાસોના ભાગરૂપે ચેન્નાઈમાં સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટોની અને દ્રમુક વડા એમ. કરુણાનિધિ વચ્ચે પ્રણવ મુખરજીના નામ અંગે ચર્ચા થઈ હોવાના અહેવાલો છે, જોકે, કોંગ્રેસે ભારપૂર્વક કહ્યું હતું કે આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની સત્તાવાર પ્રક્રિયા હજી સુધી શરૂ થઈ નથી. કોંગ્રેસપ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. આ સંદર્ભમાં બિનજરૂરી અટકળો કરવી જોઈએ નહીં.