વલસાડ તા.૩૦
વલસાડના મરલા ગામે ગત રવિવારે સાંજે એક ત્રણ ગાળાનું મકાન શોર્ટસર્કિટના કારણે ભભૂકી ઉઠેલી આગમાં બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું. ઘટના સમયે ઘરમાં હાજર એક વૃદ્ધા તથા બે માસુમ બાળાઓને આસપાસના લોકોએ હેમખેમ ઉગારી લીધી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ અને ધરમપુર ફાયરબ્રિગેડના ત્રણ બંબાઓ દોડી જઇ મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં ખેડૂત અને તેના બંને પુત્રોના ઘરનો તમામ સરસામાન બળીને
ખાખ થઇ જતાં, ૧૦ થી ૧૨ લાખ રૂ.નું નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
- ૯૨ વર્ષીય વૃદ્ધા તથા બે બાળાઓનો હેમખેમ ઉગારો :૧૦ થી ૧૨ લાખની નુકસાનીનો અંદાજ
મરલા ગામે હાઇસ્કૂલ પાછળ ચીંચપાડ ફળિયામાં રહેતા બાબુભાઇ જગનભાઇ સોલંકી તેમની વૃદ્ધા માતા, પત્ની તથા બે પુત્રો મનોજ અને શૈલેષ અને તેમના પરિવાર સાથે એક ત્રણ ગાળાના મકાનમાં રહે છે. ગત તા.૨૯-૪-૧૨ના રોજ બાબુભાઇ અને તેમનો પરિવાર તેમજ ફળિયાના અન્ય પરિવારો સાથે નાંધઇ ખાતે આયોજીત રાજપૂત સમાજના લગ્નોત્સવમાં ગયાં હતાં. ઘરમાં માત્ર તેમની ૯૨ વર્ષીય વૃદ્ધા માતા દૂધીબેન તથા પુત્ર શૈલેષકુમારની બે પુત્રીઓ મિસ્વા (ઉ.વ.૧૨) અને સિયા (ઉ.વ.૯) હાજર હતાં. મોડી સાંજે ૬-૩૦ વાગ્યાના સુમારે રૂમમાં એકાએક કંઇક સળગતું હોવાનું અને ધુમાડો નિકળતા મિસ્વા અને સિયા ચોંકી ઉઠી હતી. તેમણે આગ લાગી હોવાની બૂમાબૂમ કરી મૂકતાં કેટલાક લોકો દોડી આવ્યા હતા અને તેઓએ સૌપ્રથમ વૃદ્ધા દૂધીબેન તથા બંને બાળાઓને સહીસલામત ઘરની બહાર કાઢી લીધા બાદ ત્રણેય ગાળામાંથી ગેસના બૂલા બહાર ફેંકી દીધા હતાં. પરંતુ ત્યાં સુધી આગે ભડકો લીધો હતો અને ધડાકાભેર મકાનની છત તૂટી પડી હતી.
ફળીયામાં હાજર લોકોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાફાયરબ્રિગેડને જાણ કરાતા ધરમપુર ફાયરબ્રિગેડની બે અને વલસાડની એક મળી કુલ ત્રણ ગાડીઓએ આવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફાયરબ્રિગેડે મહામહેનતે આગને કાબુમાં લઇ લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં ત્રણ ગાળાનું આખું મકાન સ્વાહા થઇ ગયું હતું. છતના લાકડાંના ડાંડા સળગી જતાં મકાનની છત નળીયા સાથે કકડભૂસ થઇ તૂટી પડી હતી.
આગમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જતાં ૧૦ થી ૧૨ લાખ રૂ.નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ તથા એફ.એસ.એલ.ની ટીમે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.