વડોદરા, તા.૩૦
બરોડા ડેરીની બોર્ડની બેઠક આજે દૂધના વેચાણ ભાવમાં લિટરે રૂ. ૨નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત ગોરસ છાસ અને જીરા છાસમાં પાઉચ દીઠ રૂ. ૧નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તમામ ભાવ વધારા આવતીકાલ મંગળવાર તા. ૧લી મેથી લાગુ કરવામાં આવ્યા છે.
- ખરીદ ભાવમાં પણ કિલો ફેટ દીઠ રૂ. ૧૫નો ભાવ વધારો કરાયો
ગુજરાત મિલ્ક માર્કેટિગ ફેડરેશન દ્વારા ૧૦મી એપ્રિલ સુધીમાં દૂધના વેચાણ ભાવ વધારો કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જેના આધારે ગુજરાતની તમામ ડેરી દ્વારા દૂધના વેચાણ ભાવમાં તાત્કાલિક અસરથી રૂ. ૨નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ બરોડા ડેરી દ્વારા ભાવ વધારા માટે બોર્ડ બેઠકની રાહ જોવાઈ હતી. આજે મળેલી બોર્ડની બેઠકમાં ચર્ચા બાદ ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસાર દૂધ તેમજ દૂધની બનાવટના વેચાણ ભાવમાં રૂ. ૧થી લઇ રૂ. ૨ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
બોર્ડની બેઠકમાં દૂધના વેચાણ ભાવમાં લિટરે રૂ. ૨નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે જીરા છાસના ભાવામાં ૨૦૦ મીલીના પાઉચમાં રૂ. ૧નો અને ગોરસ છાસમાં ૫૦૦ મીલીના પાઉચમાં રૂ, ૧નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત દહી, ફ્લેવર્ડ મીલ્ક અને ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તમામ ભાવ વધારા આવતીકાલ તા. ૧લે મે થી અમલમાં આવશે.
બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા વેચાણ ભાવની સાથે ખરીદ ભાવમાં પણ સૂચક વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી માસમાં ખરીદ ભાવ રૂ. ૨૧૫ પ્રતિ કિલોફેટથી વધારી રૂ. ૨૨૫ પ્રતિ કિલોફેટ કરવામાં આવ્યો હતો. જેમાં આજે વધારો કરી રૂ. ૨૪૦ પ્રતિ કિલોફેટ કરવામાં આવ્યો છે. જેનો અમલ પણ આવતીકાલથી કરવામાં આવનાર છે.
તે ઉપરાંત બોર્ડની બેઠકમાં રૂટના કોન્ટ્રાક્ટ બાબતે પણ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દિવસમાં ચાર વખત શહેરમાં દૂધ કેન્દ્રો પર દૂધ પહોંચાડતા તેમજ વિવિધ મંડળીઓ પરથી દૂધ લાવતા ટેન્કરના કોન્ટ્રાક્ટ રૂ. ૧૨ તેમજ રૂ. ૧૩ પ્રતિ કિલોમીટરના ભાવે આપવામાં આવ્યા છે. જ્યારે ચિલિંગ સેન્ટર પરથી દૂધ તેમજ અન્ય ઉત્પાદનો ડેરી સુધી લાવતા ટેન્કર અને ટેમ્પાના કોન્ટ્રાક્ટ રૂ. ૨૨.૫૦ પ્રતિ કિલોમીટરના ભાવે આપવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં કર્મચારી મંડળ સાથે કરેલી બેઠકમાં કર્મચારીઓએ સત્તાધીશો સમક્ષ મુકેલી તમામ માંગોને બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.
ભવિષ્યમાં ફેડરેશન જ્યારે ભાવ વધારે બરોડા ડેરી પણ તે જ સમયે ભાવ વધારશે
વડોદરાઃ મિલ્ક ફેડરેશન દ્વારા ૧૦મી એપ્રિલ સુધીમાં ભાવ વધારો કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. જેના આધારે ગુજરાતની અન્ય ડેરીઓ દ્વારા વેચાણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ બરોડા ડેરી દ્વારા આજે ૨૦ દિવસ બાદ બાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ૨૦ દિવસમાં અંદાજે હજારો રૂપિયાની ખોટ ભોગવવાનો વારોઆવ્યો છે. ત્યારે આજે બોર્ડના સભ્યો દ્વારા ભવિષ્યમાં ફેડરેશનનો ભાવ વધારો થાય તે અનુસાર બરોડા ડેરી પણ ભાવ વધારો કરવો તેમજ બોર્ડની બેઠક બોલાવાની જરૂરીયાત ન હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સેપની સિસ્ટમ દૂર કરવા ફેડરેશન અને આઇબીએમ અધિકારીઓ સાથે બેઠક યોજાશે
વડોદરાઃ ગુજરાત મિલ્ક માર્કેટિગ ફેડરેશન સહિત રાજયની તમામ ડેરીમાં સેપની સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પરંતુ સેપની સિસ્ટમ અમલમાં આવતાની સાથે જ કર્મચારીઓ, દૂધ કેન્દ્રના સંચાલકો તેમજ મંડળીના પદાધિકારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. જેથી આજે બોર્ડની બેઠકમાં સેપની દૂર કરવાની દરખાસ્ત વિચારણા કરી ફેડરેશન તેમજ આઇબીએમ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અન્ય ડેરીનો સંપર્ક કરી તેમને મુશ્કેલીઓ પડી રહી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. તેમજ બરોડા ડેરીને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે પણ વિચારણા કરવાનો નિર્ણય બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો છે.