ભુજ, તા.૩૦
કરેલી ભકિત અલેખે ન જાય તે માટે હરિભકતોએ આજીવન સતર્ક રહેવું જોઈએ. ભગવાનની મૂર્તિનું ચિત્ર ભકતની રંગેરંગમાં વ્યાપી જવું જોઈએ. મહામુલો માનવદેહ વિષયભોગ માટે નહીં પણ ભકિત અને જનહિતાર્થના સેવા કાર્યો કરવા માટે છે. આ શબ્દો મહોત્સવના બીજા દિવસે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઉચ્ચાર્યા હતા.
કથાના યજમાનો વાજતે ગાજતે ભેટની છાબ લઈ આવ્યા હતા. આરતી બાદ સૌ યજમાનોનું પાઘડી બંધાવી, શાલ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા, રાજ્યના પંચાયત વિભાગના મંત્રી નરોત્તમ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર ઠક્કર, મુન્દ્રાના ધારાસભ્ય, ભુ. ન. પા. કારોબારી ચેરમેન દિલીપભાઈ, નરેશ મહેશ્વરી, બાપાલાલ જાડેજા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને ભુ. ન. પા.ના કાઉન્સિલરો આચાર્ય સ્વામીજી મહારાજે જાહેર અભિવાદન કર્યં હતું. આ પ્રસંગે ભુજ નગરની જનતાની સુવિધા માટે એક સિટી બસ ખરીદવા માટે નવ લાખનો ચેક પ્રમુખને અર્પણ કરાયો હતો. સુપાર્શ્વ જૈન સેવા મંડળની અબોલ પ્રાણી સેવા માટે પાંચ લાખનું દાન માધાપરના વીરબાઈ લાલજી નારણ સેંઘાણીની સ્પોન્સર શીપથી આચાર્ય સ્વામીજી મહારાજે અર્પણ કર્યો હતો. ભુજ નગરની જનતાનું મન સ્વા. સિ. સ. મંડળ સંચાલિત લંડન, બોલ્ટન અને નાઈરોબીની મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મોહી લીધું છે. પ્રાસંગિક સંબોધનમાં મંત્રી નરોત્તમ અને ભુ. ન. પા. પ્રમુખ નરેન્દ્ર ઠક્કરે સ્વામી. ગાદી સંસ્થાનની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણીના સહયોગમાં કીર્તિ વરસાણી, હરિવદન જેસાણી, જગદીશ કેરાઈ, રમણ ગજ્જર વિ. મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.૬૦ હજારો હરિભકતો અને ભુજ નગર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતા સ્વામિનારાયણ વિશ્વ દર્શન પ્રદર્શન નિહાળી રહ્યા છે. ભુજ મંદિરના મહંત મહામુનિશ્વરદાસજી સ્વામી, સ્વસિદ્ધિચરણ દાસજી તથા હરિશરણદાસજી સ્વામી અને શાસ્ત્રી ધર્મવત્સલ દાસજી સ્વામીનું મંડળ તથા સંતો મહોત્સવની છવીસ સમિતિઓને માર્ગદર્શન આપી રહ્યા છે. બપોરની સભામાં કચ્છ યુનિ.ના કુલપતિ ડો. શશીરંજન યાદવ તથા ડોકટરોની સેવાનું બહુમાન કરવામાં આવ્યું હતું. રાત્રે ધાર્મિક નૃત્ય નાટીકા - સદગુરૂ પ્રૌઢે પ્રતાપને જોવા હજારોની માનવમેદની એકત્ર થઈ હતી.