મેલબોર્ન, તા.૧
બે બાળકોનો પણ સમાવેશ, હત્યા-આત્મહત્યાની દિશામાં પોલીસની તપાસ
આજે પોસ્ટમોર્ટમ પછી મોતનું કારણ જાણી શકાશે
ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના પરિવારના ચાર સભ્યો મૃત મળી આવતા સનસનાટી મચી ગઈ છે. જેના કારણે ભારતીય સમુદાયના લોકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે હત્યા-આત્મહત્યા એમ બન્ને દિશામાં તપાસ હાથ ધરી છે. આવતીકાલે ચારેયના મૃતદેહોના પોસ્ટમોર્ટમ પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
શહેરના પૂર્વી ભાગમાં ગ્લેન વાવરલીમાં પોતાના નિવાસસ્થાને જ નિલેશ શર્મા (૩૪), તેમના પત્ની કૃતિકા (૩૨), દિવેશ (પ) અને દિવ્યા (૩) મૃતદેહો પોલીસને મળી આવ્યા છે. એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો નિલેશનો મૃતદેહ હોલમાં મળી આવ્યો હતો જ્યારે તેની પત્ની અને બાળકોની લાશ બેડરૃમમાં હતી.
એક દશક અગાઉ ઓસ્ટ્રેલિયામાં પહોંચેલા ફિજી-ભારતીય મૂળના પરિવારના સભ્યો છેલ્લા બે વર્ષથી ગ્લેન વાવેરલીમાં રહેતા હતા. તેઓ બિલકુલ સામાન્ય દેખાઈ રહ્યા હતા. આ દંપત્તિ પોતાના જીવનથી ખુશ પણ હતું. ઓસ્ટ્રેલિયન અખબારોમાં જણાવવામાં આવ્યું છે કે ચારના મૃતદેહ મળી આવ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આમાં હત્યા-આત્મહત્યા એમ બન્ને એંગલ જોઇ રહી છે. હજુ સુધી કોઈપણ શંકાસ્પદો પોલીસની નજરમાં આવ્યા નથી.
આ પરિવારના સભ્યોએ શનિવારે જ પરિવારના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મૃતકના એક સગા અભયસિંહે જણાવ્યું હતું કે "આ ઘટનાથી બધા હચમચી ગયા છીએ. તે રાત્રે પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશ હતા. બધાએ સાથે ખાધુ-પીધું હતું અને સામાજિક ચર્ચાઓ કરી હતી. આ એક સારો પરિવાર હતો. જોકે તેઓ ઘણાં રિઝર્વ્ડ હતા. છેલ્લા બે દિવસથી બાળકો સ્કુલમાં દેખાયા ન હતા."
આ પરિવારને ગત વર્ષ કાર અકસ્માત નડયો હતો અને તેમાં તેઓ બચી ગયા હતા તેવી માહિતી અભયે પોલીસને આપી હતી. જે બાબત શંકા ઉપજાવે તેમ છે. સિંહે કહ્યું હતું કે આ દંપત્તિને લગ્ન જીવનને લઈને કોઈ તકલીફ ન હતી. ગેસ ટેન્ક લીક થવાના કારણે બનાવ બન્યો છે તેમ તેનું કહેવું હતું.