અમદાવાદ : ૧ મે ૨૦૧૨
પરિણિતી ચોપરા
ગ્લોબલ રિસેશનને કારણે જો બોલિવૂડમાં કોઈને ફાયદો થયો હશે તો તે પરિણિતી ચોપરા જ હશે. પરિણિતી આગામી ૧૧મી મેના રોજ રિલીઝ થતી ફિલ્મ ‘ઈશકજાદે’માં અર્જુન કપૂરના ‘વાયોલન્ટ લવ ઈન્ટરેસ્ટ’ની ભૂમિકામાં નજર આવશે.
વર્ષ ૨૦૦૯માં પરિણિતીએ બ્રિટનની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લીધી હતી. પરંતુ તે સમયે ગ્લોબલ રિસેશનની ઇફેક્ટ હતી અને યુરોપિયન દેશો પર પણ તેની ખાસ્સી અસર હતી. પરિણામે પરિણિતીને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે બેંકમાં જોબ ન મળી અને મુંબઈ પાછું આવવું પડયું.
મુંબઈ આવીને તેણે યશરાજ ફિલ્મ્સમાં પીઆર અને માર્કેટિંગ ડિવિઝનમાં પબ્લિસિસ્ટ તરીકે કામ કરવાનું શરૃ કર્યું. ‘ઇશકઝાદે’ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલી પરિણિતી ‘સિટી લાઇફ’ સાથેની મુલાકાતમાં જણાવે છે કે, ‘ઘણા લોકો પર ગ્લોબલ રિસેશનની નકારાત્મક અસર થઇ હતી. પરંતુ હું મજાકમાં કહેતી હોઉં છું કે, મને તો રિસેશનનો પણ ફાયદો થયો છે. જ્યારે જોબ મળવી ખૂબ મુશ્કેલ હતી ત્યારે મને થયું કે મુંબઈ મજાની જગ્યા છે, ચલો ત્યાં પણ ટ્રાય કરીને જોઈ લઈએ, અને આજે હું ફિલ્મોમાં છું.’
એક સમયે ‘પ્રિયંકા ચોપરાની કઝીન’ તરીકે ઓળખાતી પરિણિતીને સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે, તેની પણ આગવી ઓળખ હશે. પોતાની પ્રથમ ફિલ્મમાં જ દિલ્હીની બબલી ગર્લની ભૂમિકા કરીને તેણે દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આમ, તે ધીમે ધીમે પોતાની અલગ ઓળખ બનાવી રહી છે.
‘મુંબઇના ટૂંકાગાળાનું રોકાણ મને ફિલ્મોની એક અલગ જ દુનિયામાં લઈ જશે અને હું ફિલ્મમાં લીડ એક્ટર બનીશ તેવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.’ એમ પરિણિતી હસતા હસતા જણાવે છે. ફિલ્મોમાં સંબંધો મદદરૃપ નીવડે છે કે નહીં? એ મુજબના સવાલમાં પરિણિતી કહે છે કે, “ચોક્કસ. ફિલ્મ કનેક્શન અથવા જાણીતી ફિલ્મી સરનેમ હોય તો ફિલ્મમાં બ્રેક મળવો સરળ છે. પરંતુ કનેક્શનનો આ એક જ લાભ છે. એ પછીની જર્ની મુશ્કેલ હોય છે અને જે-તે વ્યક્તિએ જાતે જ મહેનત કરીને આગળ વધવા તનતોડ મહેનત કરવી પડે છે.”
કઝીન પ્રિયંકાને ‘ગાઈડિંગ એન્જલ’ ગણાવીને પરિણિતી કહે છે કે, “પ્રિયંકા હંમેશા મને ગાઈડ કરવા તૈયાર હોય છે. જ્યારે મેં એક્ટિંગ કરવાનું વિચાર્યું ત્યારે તેણે મને સલાહ હતી કે, “ક્યારેય કોઈના વખાણ કે નિંદાની મન પર અસર થવા ન દેતી.”
મને સલમાનભાઈ ફળ્યા ...
અર્જુન કપૂર
અમદાવાદ : ૧ મે ૨૦૧૨
બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર તેની પહેલી ફિલ્મ ‘ઈશકઝાદે’થી અભિનય કારકિર્દી શરૃ કરી રહ્યો છે. અર્જુને ‘સિટી લાઈફ’ સાથે કરેલી વાતચીતના અંશઃ
* તમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ત્યારે તમને સ્ટાર જેવું ફિલ થઈ રહ્યું છે?
સ્ટાર મોટો શબ્દ છે, તે સ્ટેટસ મેળવવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે તેવું મને લાગે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં જ મોટા થવાને કારણે મેં મારા પરિવારને આ તબક્કામાંથી પસાર થતો જોયો છે.
* શું તમારા માટે આ બધું સરળ છે?
ના, સહેજ પણ એવું ન હતું. મેં ઓડિશન આપ્યું હતું અને મારા કેરેક્ટર માટે તૈયારી પણ કરી હતી. મેં લોકોને કન્વિન્સ કર્યા હતા કે, આ ભૂમિકા માટે હું ફિટ છું.
* પણ અભિનય તમારો પ્લાન નહોતો. બરાબરને ?
મેં ક્યારેય મારી જાતને એક્ટર તરીકે જોઇ નહતી. હું ઓવર -વેઈટ હતો છતાં ખુશ હતો. એક દિવસ સલમાનભાઈ મને મળ્યા અને કહ્યું કે, હવે એક્ટર બનવાનો સમય થઈ ગયો છે. મેં મારા પેટ સામે જોઇને તેમને કહ્યું, ‘તમે ગંભીર છો?’ પણ તેમણે મારા પર ભરોસો મૂકીને મને ટ્રેઇન કર્યો.
* તો પછી સલમાન તમારા ગોડફાધર કહેવાય ને?
મને નથી ખબર કે તેના માટે ગોડફાધર શબ્દ યોગ્ય છે કે નહીં. પરંતુ તેમણે મને પ્રોત્સાહિત કરીને અહીં પહોંચાડયો.
* ‘ઈશકજાદે’ તમારા માટે ડ્રીમ ડેબ્યુ છે?
હા, આ ફિલ્મ મારા માટે પરફેક્ટ લોન્ચ છે. ફિલ્મ પહેલા મેં પિતા અને કાકા (અનિલ કપૂર) સાથે આ અંગે ચર્ચા કરી હતી, અને અમારું માનવું છે કે, હોમ પ્રોડક્શન કરતાં પોતાની ક્ષમતા પ્રમાણે કારકિર્દીની શરૃઆત કરવી વધુ સારી રહેશે.