જામનગર તા.૧
શહેરભરને સ્વચ્છ રાખવાની જેને સીધી જવાબદારી છે એવા જામપાના વહીવટી ભવનનો કચરો ફેંકવાની કોઈ જ વ્યવસ્થા નથી, એટલે આખી કચેરીનો કુડો કચરો વહીવટી ભવન સામેના બગીચામાં ઠાલવવામાં આવે છે ત્યાંથી પણ લાંબા સમય સુધી નિકાલ થતો ન હોવાથી વ્યાપક ગંદકી ફેલાય છે.
- આખા વહીવટી ભવનના કચરાને સામેના બગીચામાં ફેંકી દેવાય છે : પોતાનું આંગણુ બગાડનાર તંત્ર શહેરને સ્વચ્છ કઈ રીતે રાખશે ?
જામનગર શહેરભરમાંથી ઘરે-ઘરેથી કચરો ઉપાડી જઈને નિકાલ કરવાની કામગીરી બજાવતી મહાનગરપાલિકાનો ખુદનો કચરો ફેંકવાની કોઈ જ વ્યવસ્થા ન હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી છે. જામપાના પાંચ માળના વહીવટી ભવનમાં દરેક માળે બેસતા જુદા-જુદા વિભાગોમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવા માટે કોઈ ડમ્પીંગ પોઈન્ટ કે કન્ટેનરની સુવિધા ઉપલબ્ધ નથી. આથી બિન્દાસ રીતે આ તમામ કચરો વહીવટી ભવનની સામે જ આવેલા જયુબીલી બાગમાં ઠાલવવામાં આવે છે. જયાંથી અનુકુળતાએ ભરી જવામાં આવે છે.
આમ તો શહેરભરમાં ઘન કચરો ઉપાડી જવાની બાબતે દાખવવામાં આવતી નિરસતા અંગે અનેકવાર ઉહાપોહ થયો છે અને તંત્રની બેજવાબદારી છતી થઈ છે. જો કે જામપા ખુદ પોતાનું ઘર સાફ રાખી શકતી નથી અને તેનો રોજેરોજનો પુરાવો તંત્રના નાક નીચે જોવા મળે છે. એનાથી વિશેષ કમનસીબી બીજી કઈ હોઈ શકે ? એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે જે પોતાનું આંગણુ ચોખ્ખુ રાખી શકવા સમર્થ નથી એ તંત્ર પુરા શહેરની જવાબદારી કેટલી ગંભીરતાથી નીભાવતું હશે ?
જામપાના પ્રાંગણમાં ઠાલવી દેવાતા વહીવટી ભવનના કચરા અંગે તંત્રમાંથી જ જાણવા મળેલ વિગત અનુસાર વહીવટીભવનમાંથી ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે કોઈ નિશ્ચિત ડમ્પીંગ પોઈન્ટ કે કન્ટેનર રાખવાનું સ્થળ છે જ નહીં.
એટલે દરેક વિભાગ પોતપોતાની રીતે સામેના બગીચામાં કચરો ઠાલવી જાય છે.
ત્યાંથી સમયાંતરે આ ઘન કચરો ઉપાડવામાં આવે છે. આગામી દિવસોમાં વહીવટીભવનના પાછળના ભાગે કન્ટેનર રાખવાનું વિચારવામાં આવી રહયું છે. જેથી તમામ સંબંધિત વિભાગોએ પણ પોતાનો કચરો આ એક જગ્યાએ નિકાલ કરવો પડશે.