નવસારી, તા. ૧
નવસારી નગરપાલિકામાં વ્યવસાય વેરા વિભાગ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. માત્ર ત્રણ જણાંના સ્ટાફે રૂ. ૧.૧૧ કરોડની આવક ઊભી કરી છે. ગત વર્ષે આ આવક રૂ. ૯૯ લાખ જેટલી હતી અને તેમાં રૂ. ૧૨ લાખનો વધારો થયો છે. અલબત્ત હજી પણ સ્ટાફ વધારવામાં આવે તો આ આવક વધારો થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખાસ નોંધનીય એ છે કે છ વર્ષ પૂર્વે સમગ્ર નવસારી જિલ્લાની આવક માંડ રૂ. ૬ લાખ હતી. ત્યારે વ્યવસાય વેરાની આવક પાલિકાને ખાસ્સી મદદરૂપ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
- નવસારી પાલિકામાં૩ જણાના સ્ટાફે રૂ. ૧.૧૧ કરોડ ઉઘરાવી આપ્યા
- ગત વર્ષ કરતાં અંદાજે રૂ. ૧૨ લાખનો વધારો
- છ વર્ષ પૂર્વે આખા જિલ્લાની આવક માંડ છ લાખ હતી
સરકાર દ્વારા વ્યવસાય વેરો ઉઘરાવવાનો શરૂ કરાયો અને ત્યારબાદ આ કામગીરી જે તે સ્થાનિક સત્તા મંડળને સોંપવામાં આવી હતી. શરૂઆતમાં તો એવું હતું કે સ્થાનિક સત્તા મંડળ સરકારને વ્યવસાય વેરો ઉઘરાવીને આપે અને બાદમાં તેટલા અંદાજની રકમ ગ્રાંટ તરીકે જે તે સત્તા મંડળને પરત મોકલે. જો કે ત્યારબાદ છેલ્લા નિર્ણય મુજબ જે સત્તા મંડળ વ્યવસાય વેરા પેટે જે રકમ ઉઘરાવે તે લોકોપયોગી કામોમાં વાપરી શકે તેવી સત્તા જે તે સત્તા મંડળને જ આપી દેવામાં આવી છે.
નવસારી નગરપાલિકાને વ્યવસાય વેરો ઉઘરાવવાનું કામ સને ૨૦૦૬માં સોંપાયું હતું. તે સમયે સમગ્ર નવસારી જિલ્લામાંથી વ્યવસાય વેરા પેટે રૂ. ૬ લાખ જેટલી રકમ જમા થતી હતી. જોકે નવસારી નગરપાલિકા હસ્તક આ કામગીરી આવી ત્યારે ક્રમશઃ આવકમાં નોંધનીય વધારો થયો હતો. એવું કહી શકાય કે અકલ્પનીય વધારો વ્યવસાય વેરાની આવકમાં થયો હતો. પાલિકાના વ્યવસાય વેરા વિભાગના અધિકારી અરુણ પટેલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧-૧૨ના નાણાકીય વર્ષ માટે વ્યવસાય વેરા પેટે રૂ. ૧,૧૧,૧૫,૭૧૨ વસૂલાયા છે. આ પૈકી ઈસી પેટામાં રૂ. ૪૮,૨૯,૪૦૪ની આવક થઈ છે જ્યારે આરસી પેટામાં રૂ. ૬૨,૮૬,૩૦૮ વસૂલાયા છે. ઈસી પેટામાં વેરાપાત્ર સંસ્થાઓની ગણના કરવામાં આવે છે જ્યારે આરસી પેટામાં વેરાપાત્ર કર્મચારીઓની ગણના કરાય છે.
અરુણ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે અમારી પાસે કામગીરી આવી ત્યારે માત્ર ૨૨૦૦ સંસ્થા ઈસી પેટામાં હતી જે આજે વધીને ૧૦,૫૮૮ થઈ છે. જ્યારે આરસી પેટામાં માંડ ૧૫૨ જેટલી સંસ્થા હતી જે આજે વધીને ૯૨૮ થઈ છે. હાલમાં સ્ટાફમાં પણ માત્ર ત્રણ જ કર્મચારીઓ વ્યવસાય વેરાની કામગીરી કરી રહ્યાં છે. જો હજી પણ સ્ટાફ વધારાય તો કામગીરીનો વ્યાપ વધારી શકાય અને વેરાની આવક પણ હજી ઘણી વધારી શકાય તેમ છે. આ અંગે તેમણે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને તેમના તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે તેવું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં જે કરદાતાઓ છે તે પૈકી સરકારી કર્મચારીઓનો વ્યવસાય વેરો સીધો જ સરકારમાં ભરાય છે. જ્યારે ખાનગી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતાં કર્મચારીઓનો વેરો નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવે છે. સામાન્ય રીતે માસિક રૂ. ૩૦૦૦થી વધુ આવક રળનારા કર્મચારીઓ પાસેથી રૂ. ૨૦ વ્યવસાય વેરા પેટે વસૂલવાના નિયમ છે. આવક વધતાં વેરાની રકમ વધવાનો સ્લેબ છે. જો કે પૂરતા સ્ટાફના અભાવે આ કામગીરી હજી પણ થોડી ઢીલી જણાઈ રહી છે અને તેમાં લોકજાગૃતિનો અભાવ કે પછી લોકોની આડોડાઈ પણ અસર કરી રહી છે. નહીંતર પાલિકાને હજી પણ વધુ આવક થાય તે વાતમાં કોઈ બેમત નથી.
સૌથી મોટા બાકીદારો હીરાના કારખાનેદારો પર ધ્યાન કેન્દ્રિત કરવા તૈયારી
નવસારી નગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં સંખ્યાબંધ હીરાના કારખાનાઓ ધમધમે છે. થોડા વર્ષો પૂર્વે આ સંખ્યા ૫૦ જેટલી હતી. અલબત્ત કેટલાક બંધ થાય છે અને કેટલાક નવા શરૂ થાય છે. આ કારખાનાઓમાં કામ કરતાં રત્નકલાકારો સહિતના કર્મચારીઓ વ્યવસાય વેરાના દાયરામાં આવી જાય છે અને નિયમ મુજબ કારખાનેદારોએ પોતાના આવા કર્મચારીઓનો વ્યવસાય વેરો પાલિકામાં ભરવાનો રહે છે. જોકે જ્યારથી પાલિકાને આ કામગીરી સોંપાઈ છે ત્યારથી હીરાના કારખાનેદારોએ પાલિકાને વ્યવસાય વેરા પેટે દોઢિયું પણ પરખાવ્યું નથી. કર્મચારીઓની સંખ્યા અને કર્મચારીઓ નિયમિત હોતા નથી તેવું બહાનું અગાઉ તેમણે બતાવ્યું હતું અને વ્યવસાય વેરો ભરવામાં નનૈયો ભણી દીધો હતો. નવસારી નગરપાલિકા દ્વારા જે આંકડા કાઢવામાં આવ્યા છે તે મુજબ હીરાના કારખાનેદારોના આજદિન સુધી અંદાજે રૂ. એકાદ કરોડ જેટલી બાકી બોલી રહી છે. પાલિકાના ચીફ ઓફિસર હર્ષદ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ કારખાનેદારોને સમજાવવાના પ્રયત્નો કરાયા હતાં. હવે તેઓ ટૂંક સમયમાં જ અગ્રણી કારખાનેદારો સાથે એક આખરી તબક્કાની મિટીંગ યોજનારા છે અને બાકી વેરો ભરી દેવા તેમજ ચાલુ વેરાની રકમ પણ નિયમિત ભરતા રહેવા તેમને સમજાવાશે. જો સમજાવટથી કામ થશે તો ઠીક છે, નહિતર સરકારના આદેશો અને ગાઈડલાઈન મુજબ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.